બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના લો ગાર્ડનમાં શાતિર મહિલા ચોરને ઝડપી લેવા ફરિયાદીએ જ જાળ બીછાવી
Last Updated: 03:06 PM, 13 July 2026
અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં ખરીદી કરવા આવેલી એક યુવતીના પર્સની ચોરી કરનાર મહિલા બે દિવસ બાદ ફરી એ જ સ્થળે પહોંચી હતી. જોકે આ વખતે તેની ચાલાકી કામ લાગી નહોતી. પીડિતાએ અગાઉ સીસીટીવી ફૂટેજમાં જોયેલા ચહેરાને ઓળખી લીધો હતો અને સ્થાનિકોની મદદથી મહિલાને ઝડપી લઈને પોલીસને સોંપી દીધી હતી. સમગ્ર ઘટનાને લઈને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, નિકોલના અક્ષરધામ રેસિડેન્સીમાં રહેતી અને ટી.સી.એસ. કંપનીમાં નોકરી કરતી બ્રિન્દા ગજેરા પોતાના પરિવાર સાથે બે દિવસ પહેલાં લો ગાર્ડન વિસ્તારમાં ખરીદી કરવા ગઈ હતી. ખરીદી દરમિયાન કોઈ અજાણી મહિલાએ તકનો લાભ લઈને તેમના પર્સની ચોરી કરી હતી. પર્સમાં રોકડા રૂ. 8,000 ઉપરાંત બેન્કના કાર્ડ અને અન્ય જરૂરી દસ્તાવેજો રાખેલા હતા. પર્સ ગુમ થયાની જાણ થતાં બ્રિન્દા અને તેમના પરિવારજનોને ચોરીની શંકા ગઈ હતી. બનાવ બાદ બ્રિન્દાએ જે સ્ટોરમાં ખરીદી કરી હતી ત્યાંના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજમાં દુપટ્ટો બાંધેલી એક મહિલા પર્સની ચોરી કરતી સ્પષ્ટ દેખાઈ હતી. આ દૃશ્યોના આધારે બ્રિન્દા અને તેમના પરિવારજનોએ મહિલાને શોધવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
ADVERTISEMENT
ગઈ કાલે બ્રિન્દા અને તેમના પરિવારજનો ફરી એક વખત લો ગાર્ડન વિસ્તારમાં પહોંચ્યા હતા. બીજી તરફ સ્ટોરના કર્મચારીઓ પણ શંકાસ્પદ વ્યક્તિ પર નજર રાખી રહ્યા હતા. તે દરમિયાન સીસીટીવીમાં દેખાયેલી જેવી જ દુપટ્ટો બાંધેલી મહિલા ફરી તે વિસ્તારમાં આવી હતી. મહિલાને જોતા જ બ્રિન્દાએ તેને ઓળખી લીધી અને તરત જ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. બ્રિન્દાની બૂમાબૂમ સાંભળીને આસપાસના લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોની મદદથી મહિલાને ત્યાં જ ઝડપી લેવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી અને મહિલાને પોલીસને સોંપી દેવામાં આવી હતી.
ADVERTISEMENT
ફરિયાદમાં જણાવ્યા મુજબ પૂછપરછ દરમિયાન મહિલાએ પર્સ ચોરીની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ બ્રિન્દાએ મહિલાની ઓળખ શીતલ ટેલર, રહે. વિશ્વાસ એપાર્ટમેન્ટ, નરોડા તરીકે કરી તેની વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી મહિલાની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ મહિલાએ અગાઉ પણ આવી કોઈ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે કે નહીં અને તેની સામે અન્ય પોલીસ સ્ટેશનમાં કોઈ ગુનાઓ નોંધાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : ખાનગી સ્પોર્ટ્સ ફેસિલિટીનો ધમધમાટ,ખુલ્લી જગ્યા ઘટતાં બાળકો-યુવાનો માટે રમવું પડકારરૂપ
ADVERTISEMENT
આ સમગ્ર ઘટનામાં પીડિતાની સતર્કતા, CCTV ફૂટેજનો ઉપયોગ અને સ્થાનિક લોકોના સહકારના કારણે આરોપી મહિલા પોલીસના હાથે ઝડપાઈ હતી. સામાન્ય રીતે ચોરી બાદ આરોપીઓ ભાગી છૂટતા હોય છે, પરંતુ આ ઘટનામાં ફરિયાદીએ જાતે જ જાળ બિછાવી અને યોગ્ય સમયે ઓળખ કરીને આરોપીને ઝડપી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.