બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / બગવદરમાં રાંદલ માતાજીનું મંદિર, પ્રાચીન પરંપરાનું પ્રતિક, લોટા તેડવાની અનોખી પરંપરા
Last Updated: 06:30 AM, 6 June 2025
પોરબંદર પાસે બગવદર ગામમાં સૂર્યનારાયણ ભગવાન અને રાંદલ માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે. સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ પર આવેલા આ મંદિરે ભક્તિનો મહાસાગર, પ્રાચીનતા અને આધુનિકતાનો અનોખો સંગમ સર્જાય છે. ભગવાન સૂર્યનારાયણ અને રાંદલ માતાજી પ્રતિમા સ્વરૂપે સાથે બિરાજમાન હોય તેવુ આ એકમાત્ર મંદિર ભારતભરમાં અનોખું સ્થાન ધરાવે છે.
ADVERTISEMENT
પોરબંદરના બગવદર ગામે બિરાજમાન સુર્ય રન્નાદે
પોરબંદર નજીક બગવદર ગામમાં શ્રી સૂર્યનારાયણ ભગવાન અને રાંદલ માતાજીનું મંદિર આવેલુ છે. અનોખી આધ્યાત્મિક અને ઐતિહાસિક ગાથા રજૂ કરતું આ મંદિર ફક્ત એક પૂજા સ્થાન નથી, પરંતુ સમયના પ્રવાહમાં સચવાયેલી એક પ્રાચીન પરંપરાનું પ્રતિક છે, જ્યાં સૂર્યનારાયણ ભગવાન અને રાંદલ માતાજી એકસાથે બિરાજમાન છે. 'બગવદર' નામનો ઉદ્ભવ ત્યાં બિરાજતા 'બગ-ભગ-ભર્ગ' પરથી થયો હોવાનું મનાય છે, જેમાં 'ભર્ગ' એટલે સૂર્ય. આ નામકરણ જ દર્શાવે છે કે આ ભૂમિનો સૂર્ય ભગવાન સાથેનો સંબંધ ઘણો જૂનો છે. જે ભગવાન સૂર્યનારાયણ અને રાંદલ માતાજીનું મંદિર પ્રાચીન હોવાની વાતને સમર્થન પૂરું પાડે છે. 1978માં બગવદરમાં ભગવાન સૂર્યનારાયણ અને રાંદલ માતાજીની સૌથી જૂની પ્રતિમાઓ મળી આવી હતી, જે આ સ્થળની પ્રાચીનતાનો પુરાવો આપે છે. આ પ્રાચીન અવશેષોના આધારે, 2005માં ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતુ. આ મંદિર ભારતભરમાં એક અનોખું સ્થાન ધરાવે છે, કારણ કે અહીં ભગવાન સૂર્યનારાયણ, રાંદલ માતાજી સાથે પ્રતિમા સ્વરૂપે બિરાજમાન છે. સૂર્યભગવાન અને રાંદલ માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ગ્રામવાસીઓ પોતાના કોઈપણ કાર્યની શુભ શરુઆત મંદિરે દર્શન કરીને જ કરે છે.
ADVERTISEMENT

સુર્યનારાયણ અને મા રાંદલનું પ્રાચીન મંદિર
ADVERTISEMENT
રાંદલ માતાજી 'રન્નાદે' નામથી પણ ઓળખાય છે. ભગવાન વિશ્વકર્માના પુત્રી રાંદલ માતાજી સૂર્યનારાયણ ભગવાનના ધર્મપત્ની છે. તેમને સંતાન પ્રાપ્તિના દેવી પણ માનવામાં આવે છે. કોઈપણ શુભ પ્રસંગે, ખાસ કરીને સંતાન પ્રાપ્તિ કે નવદંપતીના આગમન સમયે, રાંદલ માતાજીના 'લોટા' તેડવાની પરંપરા પ્રચલિત છે. આ વિધિ કરી ભક્તો માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. ભગવાન સૂર્યનારાયણ અને રાંદલ માતાજીની મૂળ પ્રતિમાઓની સાથે નવગ્રહના રંગોને અનુરૂપ નવગ્રહની પ્રતિમાઓ પણ આ મંદિર પરિસરમાં સ્થાપિત કરવામાં આવેલી છે. રાંદલ મા ના પુત્રી યમનજી અને પુત્ર ધર્મરાજાનું મંદિર પણ પરિસરમાં બનાવવામાં આવેલું છે, જ્યાં ભાવિકો દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ મંદિરની એક અનોખી વિશેષતા એ છે કે અક્ષય તૃતીયાના દિવસે ઊગતા સૂર્યના સીધા કિરણો મૂળ પ્રતિમાઓ પર પડે છે, જે દિવ્ય દ્રશ્ય સર્જે છે. બગવદરનું સૂર્યનારાયણ ભગવાન અને રાંદલ માતાજીનું મંદિર ફક્ત પૂજા અર્ચનાનું જ નહીં, પરંતુ વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓનું પણ કેન્દ્ર છે.

ADVERTISEMENT
આ પણ વાંચો: અમદાવાદના આંબલીમાં બિરાજે મા ખોડીયાર, હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર, ઈતિહાસ અનોખો
અક્ષય તૃતીયાએ સુર્યના કિરણો સીધા જ પડે છે પ્રતિમા પર
ADVERTISEMENT
મંદિરમાં નિયમિત આરતી, નવરાત્રી દરમિયાન યજ્ઞ અને ચંડીપાઠનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ગોરાણી ભોજન, બટુક ભોજન, અને બાળકોના બાબરી વિધિ જેવા શુભ કાર્યો પણ અહીં કરવામાં આવે છે. મંદિરમાં ધજા ચડાવવાની પણ પરંપરા છે. ભારતમાં અનોખુ સ્થાન ધરાવતા સૂર્યનારાયણ ભગવાન અને રાંદલ માતાજીના મંદિરે વિદેશ જઈ સ્થાયી થયેલા લોકો મંદિરે આવી અહિં ચાલતી દરેક પરંપરા નિભાવી દર્શન કરી ધન્ય થાય છે. આ મંદિર હજારો ભક્તો માટે આસ્થાનું પ્રતિક છે. અહીં આવનાર દરેક ભક્તની સાચા હૃદયથી પ્રાર્થના કરવાથી તેમની મનોકામનાઓ પૂર્ણ થાય તેવી દ્રઢ શ્રદ્ધા ધરાવે છે. મંદિરનો શાંત અને દિવ્ય માહોલ ભક્તોને આધ્યાત્મિક શાંતિ પ્રદાન કરે છે. બગવદરનું સૂર્યનારાયણ અને રાંદલ માતાજીનું મંદિર તેની પ્રાચીનતા, ઐતિહાસિક મહત્વ અને આધ્યાત્મિક વાતાવરણ સાથે ધાર્મિક અને વિશિષ્ટ સ્થાન ધરાવે છે. અને એટલે જ ભક્તો માટે શ્રદ્ધા, શાંતિ અને આશીર્વાદનું કેન્દ્ર બની રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.