બ્રેકિંગ ન્યુઝ
વડોદરા શહેરથી ૮૦ કિ.મી.ના અંતરે આવેલ જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય કુદરત દ્વારા મધ્ય ગુજરાતને મળેલી ખાસ ભેટ છે. જ્યાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ, પ્રાણીઓ, પક્ષીઓ, સરિસૃપો, કીટકોની અનોખું વૈવિધ્યસભર જંગલ જગત જોવા મળે છે. સાથે જ અહીં ધોધ અને કુદરતની મજા માણી શકો છો. રજાઓમાં પરિવાર અને બાળકો સાથે સમય પસાર કરવા માટે આ નજીકની બેસ્ટ પ્લેસ છે. પંચમહાલ જિલ્લાના હાલોલ અને જાંબુઘોડા તાલુકા તથા છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં વિસ્તરેલું આ અભયારણ્ય ૨ જિલ્લાઓમાં આવેલું છે તથા તેનો વ્યાપ ૧૩,૦૩૮ હેક્ટર (૧૩૦ ચોરસ કિલોમીટર) જેટલો છે. આમ તો ૭મી ઓગસ્ટ, ૧૯૮૯માં જાંબુઘોડાને આરક્ષિત જાહેર કર્યા બાદ સને ૧૯૯૦માં ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા ‘જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય’ જાહેર કરવામાં આવેલું છે.
ADVERTISEMENT

જાંબુઘોડા અભયારણ્યની આસપાસના વિસ્તારોમાં મુખ્યત્વે આદિવાસી લોકો રહે છે. જાંબુઘોડાની વસતી ૪૨,૪૭૬ હતી. તેઓ કુલ ૭,૯૦૦ ઘરોમાં વસવાટ કરે છે. વનસંપદાની દૃષ્ટિએ સૂકા પાનખર અને મિશ્ર પ્રકારનું આ જંગલ છે. જેમાં ૬૦ ટકા ઘટાદાર, ૩૦ ટકા મધ્યમ અને ૧૦ ટકા પાંખા જંગલ આવેલા છે. વનસ્પતિમાં અહીંયાં મુખ્યત્વે મહુડો, સાગ, કડાયો, દુધલો, ટીમરુ, ખેર, સીસમ, સાદડ, બોર, ઘાવડો, બીલી અને વાંસ જોવા મળે છે.
ADVERTISEMENT
વન્ય પ્રાણીઓમાં અહીંનું મુખ્ય પ્રાણી દીપડો છે. જે બિલાડી કુળનું હિંસક અને માંસાહારી પ્રાણી છે. આ સિવાય રીંછ, જરખ, વીજ વણિયર, શાહુડી, ઘોરખોદિયું, શિયાળ, ચૌશિંગા, નીલગાય, જંગલી ભૂંડ, વિવિધ પ્રકારના ચામાચીડિયાં જેવા સસ્તન વર્ગના પ્રાણીઓ જોવા મળે છે. પક્ષીઓમાં મુખ્યત્વે દૂધરાજ, પીળક, તુઈ, સૂડો પોપટ, ચોટલિયો, સાપમાર, મોરબાજ, મધિયોબાજ, રામચકલી, કંસારો, અણાબીલ લટોરો, સુઘરી, લીલો હરિયો, કલકલિયો ભીમરાજ, રાખોડી ચિલોત્રો, મોર, નવરંગ હરિપલ, મોટો કશયો, લક્કડખોદ, વિલાયતી ઝીણી ટીટોડી, રાજાલાલ, માછીમાર, શક્કરખોરો, બુલબુલ, વૈયા, માછીમાર ઘૂવડ તથા વિવિધ જાતના ઘૂવડ અને અન્ય ઘણી જાતના ૧૫૦થી વધારે જાતિ-પ્રજાતિઓના સ્થાનિક અને યાયાવાર પક્ષીઓ આ અભયારણ્યમાં વર્ષ દરમિયાન જોવા મળે છે.

ADVERTISEMENT
સરિસૃપોમાં ભારતમાં જોવા મળતા તમામ ચાર મુખ્ય ઝેરી સાપ જેવા કે નાગ, કાળોતરો, ફૂરસો અને ખડયિતળો આ અભયારણ્યમાં સહેલાઈથી જોવા મળી જાય છે. આ સિવાય અજગર, ધામણ, બિલ્લી સાપ, પીત પટીત સાપ, રૂપસુંદરી પટીત વરુદંતી, તામ્રપીઠ, બંબોઈ, ભંફોડી જેવા મધ્યમ તથા બિનઝેરી સાપ અહીંયાં જોવા મળે છે. આ સિવાય કરોળિયા, વિંછી, દેડકા, ગરોળી, પતંગિયા અને ફૂદા તથા વિવિધતાઓ ધરાવતા અસંખ્ય કીટક જગત આ અભયારણ્યમાં નભે છે.
કેવી રીતે જશો?
ADVERTISEMENT
જાંબુઘોડા અભયારણ્યની નજીકનું શહેર વડોદરા છે. જ્યાં વિમાન દ્વારા જઈ શકાય છે. બસ દ્વારા તથા રેલવે દ્વારા પણ પહોંચી શકાય છે. પ્રાઈવેટ વાહન હોય તો વડોદરાથી હાલોલ-પાવાગઢ થઈને અથવા બોડેલી થઈને પણ જાંબુઘોડા સુધી સરળતાથી પહોંચી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.