સુરતના વરાછામાં રોડ પર હીરા વેરાયા હોવાનો મેસેજ વાયરલ થતા લોકોએ ત્યાં જઈને તેની શોધ ચલાવી હતી જોકે આ હીરા નકલી હોવાનું સામે આવ્યું હતું.
સુરતમાં ફેલાઈ રોડ પર હીરા પડ્યાં હોવાની અફવા
મફતના હીરા લેવાની લાલચમાં ઉમટી ભીડ
લોકોને મળ્યાં તો ખરા પણ તે નકલી નીકળ્યાં
જાણી જોઈને કોઈએ અફવા ફેલાવી હોવાનું સામે આવ્યું
મફતનું મળતું હોય પછી કોણ ભૂલે? પછી ભલેને ખોટી ખોટી વાતો હોય પરંતુ લોકો તો તેને સાચું જ માની લેતા હોય છે. આવી એક ઘટના ગુજરાતના સુરતમાં બની છે.
સુરત શહેરમાં એક મેસેજ વાયરલ થતાં લોકોમાં હડકંપ મચી ગયો હતો. સુરતમાં હીરાના વેપાર માટે જાણીતા મિની માર્કેટ વરાછામાં એક વેપારીના કરોડો રૂપિયાના હીરા ભૂલથી રોડ પર પડી ગયા હોવાનો મેસેજ વાયરલ થયો હતો. આ પછી લોકોની ભીડ તેને શોધવા લાગી હતી. આ ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, લોકો વરાછા વિસ્તારમાં રસ્તા પર એકઠા થઈને હીરાની શોધમાં લાગી રહ્યા છે.
સુરતના વરાછા મિનિબજાર રાજહંસ ટાવર પાસે હીરા ઢોળાયાની વાત સાંભળતા જ લોકોની હીરા શોધવા જામી ભીડ
વેપારીના પોટલામાંથી હીરા પડ્યાં હોવાનો વાયરલ મેસેજ
સુરતમાં હીરાની ખરીદી અને વેચાણ માટે પ્રખ્યાત વરાછા માર્કેટમાં એક વ્યક્તિનું હીરાનું બંડલ અકસ્માતે રસ્તા પર પડી ગયું હોવાનો મેસેજ વાયરલ થતાં જ લોકો રસ્તા પર એકઠા થઈ ગયા હતા. લોકો એકઠા થઈ ગયા અને હીરા શોધવા લાગ્યા. વીડિયો ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, લોકો કંઈક ખોવાયેલી વસ્તુ શોધી રહ્યા છે. કેટલાક લોકોએ રોડની ધૂળ પણ હાથમાં લઈને તેમાંથી હીરા શોધવા લાગ્યા જોકે તેમને સાચા હીરા મળ્યાં નહોતા, તે હીરા નકલી હોવાનું સામે આવ્યું હતું.
લોકોને મળ્યાં નકલી હીરા
કેટલાક લોકોને હીરો તો મળ્યાં હતા પરંતુ તે અમેરિકન હીરા હોવાનું બહાર આવ્યું. રોડ પર હીરાની શોધ કરતા લોકોમાંથી એક અરવિંદ પાનસેરિયાએ જણાવ્યું કે, એક વ્યક્તિને આ હીરા મળી ગયા પરંતુ તે ડુપ્લીકેટ નીકળ્યો. જે હીરા વેરાયા હતા જે અમેરિકન હતા જેનો ઉપયોગ બનાવટી ઝવેરાત અથવા સાડીના કામમાં થાય છે. સમગ્ર ઘટનાને જોતા એવું લાગી રહ્યું છે કે કોઈએ અટકચાળો કર્યો છે. આ ઘટના 24 સપ્ટેમ્બરની છે.