બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વલસાડ-વાપીમાં જળપ્રલય: અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, ઘરો-દુકાનોમાં ઘૂસ્યાં પાણી, 24 કલાકથી ટેમ્પોમાં ફસાયેલા 2 લોકોનું રેસ્ક્યૂ
Last Updated: 04:52 PM, 23 July 2026
દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા અનરાધાર વરસાદે વલસાડ, વાપી અને રાજ્યના પડોશી સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં જળપ્રલય જેવી સ્થિતિ સર્જી છે. વલસાડ જિલ્લાના ઉમરગામમાં છેલ્લા બે દિવસમાં અંદાજે 50 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે. વાપીમાં પણ રેકોર્ડબ્રેક વરસાદથી શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. બીજી તરફ દાદરા નગર હવેલીમાં પણ સાંબેલાધાર વરસાદને કારણે સેલવાસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. સતત વરસાદ અને પાણી ભરાવાને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત થયું છે.
ADVERTISEMENT
વાપીમાં પોશ વિસ્તારોથી બજારો સુધી પાણી જ પાણી
વાપીમાં અતિશય વરસાદને કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. શહેરના પોશ વિસ્તાર ગુંજનમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બજારો અને સોસાયટીઓમાં પાણી ભરાવા ઉપરાંત લોકોના ઘરો અને દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયાં છે. વાપીના સૌથી પોશ વિસ્તાર અવધ ઉટોપિયામાં પણ જળભરાવની સ્થિતિ જોવા મળી છે. અહીં માલેતુજારોના વૈભવી બંગલાઓમાં પણ પાણી ઘૂસી ગયાં છે અને કેટલાક બંગલાઓના પહેલા માળ સુધી વરસાદી પાણી ભરાયાં હોવાનું સામે આવ્યું છે. કેટલાક વાહનો પણ પાણીમાં તરતા જોવા મળ્યાં છે.
ADVERTISEMENT
સતત વરસાદ અને પાણીના પ્રકોપ વચ્ચે વાપીના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ છે. રસ્તાઓ અને રહેણાક વિસ્તારો સૂમસામ જોવા મળી રહ્યા છે. સતત વરસાદ અને પાણી ભરાવાને કારણે લોકો ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા છે અને શહેરમાં કર્ફ્યૂ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
દાણા બજારમાં 24 કલાકથી ટેમ્પોમાં ફસાયેલા બે લોકોનું રેસ્ક્યૂ
ADVERTISEMENT
વલસાડના દાણા બજારમાં પણ પાણી ભરાતાં બે લોકો ફસાઈ ગયા હતા. બંને વ્યક્તિઓ 24 કલાકથી વધુ સમય સુધી ટેમ્પોમાં ફસાયેલા રહ્યા હતા. બોટની વ્યવસ્થા થતાં સ્થાનિક તરવૈયાઓ, નગરપાલિકાના કર્મચારીઓ અને પોલીસે બંનેનું સુરક્ષિત રેસ્ક્યૂ કર્યું હતું. બોટની મદદથી બંને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
ઉમરગામમાં બે દિવસમાં 50 ઇંચ વરસાદ, સ્ટેશન રોડ-ગાંધીવાડી-બસ સ્ટેશન પાણીમાં
ADVERTISEMENT
વલસાડ જિલ્લામાં વરસાદે રેકોર્ડ તોડ્યો છે. ઉમરગામમાં છેલ્લા બે દિવસમાં અંદાજે 50 ઇંચ વરસાદ ખાબકતાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દરિયાકાંઠે આવેલા ઉમરગામમાં વરસાદી પૂરથી લોકો પરેશાન છે. સ્ટેશન રોડ, ગાંધીવાડી અને બસ સ્ટેશન વિસ્તાર સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. અનેક લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયાં છે.
વલસાડના છીપવાડ વિસ્તારમાં પણ ભારે વરસાદના પગલે પાણી ભરાઈ ગયાં છે. અહીં મંદિર પરિસરમાં પણ પાણી ભરાતાં બે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
દાદરા નગર હવેલીમાં પણ જળપ્રલય, સેલવાસના અનેક વિસ્તારો પાણીમાં
રાજ્યના પડોશી સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ સાંબેલાધાર વરસાદને કારણે જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે. સેલવાસના અનેક વિસ્તારોમાં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ટોકરખાડા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં છે. લેન્ડમાર્ક વિસ્તાર અને શહેરના પોશ વિસ્તારોમાં પણ અત્ર-તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
ADVERTISEMENT
ભારે વરસાદને કારણે સંઘપ્રદેશમાં જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત થયું છે. આગામી સમયમાં પણ પ્રદેશમાં અતિભારે વરસાદની આગાહી હોવાથી તંત્રની ચિંતા વધી છે.
વલસાડ જિલ્લામાં અનેક રસ્તાઓ બંધ, NDRFની ટીમ તૈનાત
વલસાડ જિલ્લામાં અવિરત વરસાદને પગલે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. જિલ્લાના અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતાં સલામતીને ધ્યાનમાં રાખીને કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. વહીવટી તંત્ર સતત ફિલ્ડ પર રહીને બચાવ કામગીરી કરી રહ્યું છે.
વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને ઔરંગા નદીના કાંઠે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. કલેક્ટરે સ્થળ પર જઈને સ્થિતિની સમીક્ષા કરી હતી અને લોકોને સલામત સ્થળે રહેવાની અપીલ કરી હતી.
દમણમાં પાણીના પ્રવાહમાં બોટ તણાઈ
ભારે વરસાદની અસર સંઘપ્રદેશ દમણમાં પણ જોવા મળી રહી છે. કડૈયા માછીવાડ વિસ્તારમાં પાણીના પ્રવાહમાં બોટ તણાઈ જવાની ઘટના બની છે. બોટનું લંગર તૂટી જતાં બોટ તણાઈ હતી. બોટને પકડવા માટે બોટ માલિક અને સ્થાનિકોએ દોડધામ કરી હતી.
વલસાડ, વાપી અને દાદરા નગર હવેલીમાં સતત વરસાદ વચ્ચે સ્થિતિ ગંભીર બની રહી છે. એક તરફ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો બીજી તરફ તંત્ર અને NDRFની ટીમો બચાવ કામગીરીમાં લાગી છે. હાલ લોકોની નજર વરસાદ ક્યારે થોભે અને પાણી ક્યારે ઓસરે તેના પર છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dhruv Brahmbhatt is a Sr. Journalist at VTV Gujarati and writing detailed analysis-based stories for 5 years.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.