ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદથી વિયેતનામની સીધી ફ્લાઇટ 2 ડિસેમ્બરથી શરૂ, ₹30,000માં ટુ-વે ટિકિટ
Last Updated: 07:34 AM, 15 November 2026
ADVERTISEMENT
વિદેશ પ્રવાસનું આયોજન કરતી વખતે સૌથી મોટી મુશ્કેલી ફ્લાઇટની કનેક્ટિવિટી અને લાંબી મુસાફરીની હોય છે. ખાસ કરીને વિયેતનામ જેવા લોકપ્રિય ટુરિસ્ટ ડેસ્ટિનેશન પર જવા માટે અત્યાર સુધી ગુજરાતના પ્રવાસીઓને અન્ય શહેરોમાંથી ફ્લાઇટ લેવી પડતી હતી. પરંતુ હવે આ મુશ્કેલી દૂર થવા જઈ રહી છે. અમદાવાદથી વિયેતનામ માટે સીધી ફ્લાઇટ શરૂ થવાની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી ગુજરાતના પ્રવાસીઓ માટે વિદેશ પ્રવાસ વધુ સરળ બનશે.
ADVERTISEMENT

વિયેતનામની સન ફૂ ક્વોક એરવેઝ (Sun PhuQuoc Airways - SPA) દ્વારા 2 ડિસેમ્બર, 2026થી અમદાવાદ અને વિયેતનામના પ્રખ્યાત ટુરિસ્ટ ડેસ્ટિનેશન ફૂ ક્વોક (પર્લ આઇલેન્ડ) વચ્ચે નોન-સ્ટોપ ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. ભારતમાં આ એરલાઇનનો આ પ્રથમ રૂટ હશે. શરૂઆતમાં અઠવાડિયામાં 5 દિવસ આ ફ્લાઇટનું સંચાલન કરવામાં આવશે. જેના કારણે ગુજરાતના પ્રવાસીઓને કનેક્ટિંગ ફ્લાઇટ કે અન્ય શહેરોમાં સ્ટોપઓવરની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
ADVERTISEMENT
આ રૂટ પર એરલાઇન દ્વારા ફુલ-સર્વિસ સુવિધા આપવામાં આવશે. મુસાફરો માટે એરબસ A321neo વિમાનનો ઉપયોગ કરવામાં આવશે. આ ફ્લાઇટનું ટુ-વે ભાડું 30,000 રૂપિયાથી શરૂ થશે. આ ભાડામાં મુસાફરોને ભોજન, 23 કિલો ચેક-ઇન બેગેજ અને 7 કિલો કેબિન બેગેજની સુવિધા પણ મળશે. ફૂ ક્વોકથી અમદાવાદ માટેની ફ્લાઇટ દર સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને રવિવારે ઉપલબ્ધ રહેશે. શરૂઆતમાં અઠવાડિયામાં 5 દિવસ ચાલનારી આ સેવા ફેબ્રુઆરી 2027ની શરૂઆતથી અઠવાડિયાના સાતેય દિવસ શરૂ કરી દેવામાં આવશે. એટલે કે પ્રવાસીઓ પોતાની અનુકૂળતા મુજબ મુસાફરીનું આયોજન કરી શકશે.
ADVERTISEMENT
પ્રવાસીઓ માટે એરલાઇન દ્વારા ખાસ ઓફર પણ જાહેર કરવામાં આવી છે. 16 ઑક્ટોબરથી 13 ડિસેમ્બર, 2026 દરમિયાન એરલાઇનની સત્તાવાર વેબસાઇટ અથવા મોબાઇલ એપ પરથી ટિકિટ બુક કરાવનારા મુસાફરોને બેઝ ફેર પર વધારાનું 20 ટકા ડિસ્કાઉન્ટ મળશે. આ ઓફર હેઠળ મુસાફરો 31 માર્ચ, 2027 સુધી મુસાફરી કરી શકશે. ભારતીય મુસાફરોની સંસ્કૃતિ અને ધાર્મિક માન્યતાઓને ધ્યાનમાં રાખીને ફ્લાઇટમાં ખાસ ભોજન અને પીણાંની વ્યવસ્થા પણ કરવામાં આવશે. જેથી ભારતીય પ્રવાસીઓને મુસાફરી દરમિયાન પોતાની પસંદગી અને માન્યતાઓ મુજબની સુવિધા મળી શકે.
ADVERTISEMENT
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓની વધતી સંખ્યા પણ આ સીધી ફ્લાઇટ શરૂ થવાનું એક મહત્ત્વનું કારણ માનવામાં આવે છે. મળતી માહિતી મુજબ, વર્ષ 2025માં સીધી ફ્લાઇટની સુવિધા ન હોવા છતાં અંદાજે 1,50,000 ભારતીય પ્રવાસીઓ ફૂ ક્વોક પહોંચ્યા હતા. આ સંખ્યા અગાઉના વર્ષની સરખામણીમાં 328 ટકા વધારે હતી. જ્યારે સમગ્ર વિયેતનામમાં ભારતમાંથી કુલ 7,46,000 પ્રવાસીઓ ગયા હતા. બીજી તરફ, ભારતના પ્રવાસન મંત્રાલયના આંકડા મુજબ વર્ષ 2024માં 54,091 વિયેતનામી પ્રવાસીઓ ભારત આવ્યા હતા. આ આંકડા બંને દેશો વચ્ચે પ્રવાસન ક્ષેત્રે વધતા રસ અને સંભાવનાઓ દર્શાવે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં PM મોદી એક્શનમાં, ગુજરાતમાં થશે નવા-જૂની?
અમદાવાદથી સીધી ફ્લાઇટ શરૂ થવાથી માત્ર ફૂ ક્વોક જ નહીં, પરંતુ વિયેતનામનાં અન્ય શહેરો સુધી પહોંચવું પણ વધુ સરળ બનશે. તેમાં હનોઈ, હો ચી મિન્હ સિટી, દા નાંગ, ન્હા ત્રાંગ, વાન ડોન અને હાઈ ફોંગ જેવા શહેરોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એરલાઇન દ્વારા વર્ષ 2027ના પ્રથમ ક્વાર્ટરમાં દિલ્હી અને મુંબઈથી પણ ફ્લાઇટ શરૂ કરવાની યોજના બનાવવામાં આવી છે. સન ફૂ ક્વોક એરવેઝના સેલ્સ ડિરેક્ટરે જણાવ્યું હતું કે અમદાવાદ-ફૂ ક્વોક ફ્લાઇટની શરૂઆત ભારત અને વિયેતનામ વચ્ચેની હવાઈ કનેક્ટિવિટીમાં મહત્ત્વપૂર્ણ કડી સાબિત થશે. સીધી ફ્લાઇટ શરૂ થવાથી બંને સ્થળો એકબીજાની વધુ નજીક આવશે અને મુસાફરોને પ્રવાસનું આયોજન કરવામાં સરળતા રહેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.