vagha border of Gujarat; nadabet banaskantha is a popular tourist destination for winters
ટ્રાવેલ /
ગુજરાતમાં અહીં છે 'વાઘા બોર્ડર', શિયાળામાં ફરવા જવા માટે સૌથી શ્રેષ્ઠ જગ્યા
Team VTV08:20 PM, 04 Jan 21
| Updated: 08:24 PM, 04 Jan 21
ગુજરાતમાં પાકિસ્તાન સાથેના સીમા વિસ્તારમાં એક એવું સ્થળ આવેલું છે, જ્યાં વાઘા બોર્ડરની જેમ રિટ્રીટ પરેડ યોજાય છે. આપણે વાત કરીએ છીએ બનાસકાંઠાના નડાબેટ ગામની.
આપણા દેશના જવાનો આપણી સુરક્ષા માટે દિવસ રાત જાગે છે જેથી આપણે શાંતિથી સુઈ શકીએ. દેશના આ સપૂતો દેશ માટે પોતાના પ્રાણ પણ કુરબાન કરી દે છે. આવા શુરવીરોની વાત કરતા આપણી છાતી ગજ ગજ ફૂલી જાય તો તેમના કાર્ય સ્થળને જોવાની અને તેમની પરેડ માણવાની તો કેવી મજા આવે?
ગુજરાતમાં આવેલી છે વાઘા બોર્ડર જેવી જગ્યા
ગુજરાતમાં જ એક એવી જગ્યા છે જેને જોઈને તમારો દેશપ્રેમ જાગી જશે. આ જગ્યાને કદાચ ગુજરાતમાં આવેલી વાઘા બોર્ડર પણ કહી શકાય. બનાસકાંઠાના નડાબેટ ગામના સીમા દર્શનમાં તમને વાઘા બોર્ડર જેવો જ માહોલ જોવા મળશે.
નડા બેટ - સીમા દર્શન
24 ડિસેમ્બર 2016થી વાઘા બોર્ડરની જેમ નડા બેટ ખાતે સીમા દર્શન કાર્યક્રમમાં ગુજરાત પ્રવાસન અને બોર્ડર સિક્યોરિટી ફોર્સે BSFની સયુંકત રિટ્રીટ પરેડની શરૂઆત કરવામાં આવી. આ સીમા દર્શનમાં તમને BSF જવાનોની બહાદુરી અને દેશદાઝ જોવા મળશે જે તમારા રુંવાટા ઉભા કરી દેશે. સૂર્યાસ્તના સમયે ડૂબતા સૂર્યની સામે ક્યારેય પણ ના ડૂબતી આપણા બહાદુર જવાનોની હિંમત જોવાનો આ લ્હાવો ગુજરાતમાં આ એક જ જગ્યા એ મળે છે.
ફ્યુઝન બેન્ડ અને ઊંટસવારીના ખેલ અહીંનું આકર્ષણ
BSFની આ રિટ્રીટ સેરિમની અહીંનું મુખ્ય આકર્ષણ છે જેને જોવા માટે દેશના ખૂણે ખૂણેથી લોકો નડા બેટ ખાતે ઉમટી પડે છે. આ સાથે ફ્યુઝન બેન્ડ અને ઊંટસવારીના જે ખેલ યોજવામાં આવે છે એના જોરશોરમાં વખાણ થાય છે. આ ઉપરાંત તમને BSFના કેમ્પ પર હથિયારનું પ્રદર્શન, ફોટો ગેલેરી અને BSFના જવાનોની શૂરવીરતાના સુર તણી એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ જોવા મળશે.
શનિવાર અને રવિવારે સાંજે 5 થી 6 વચ્ચે અહીં સીમા દર્શન કાર્યક્રમ યોજાય છે
દર શનિવાર અને રવિવારે સાંજે 5 થી 6 વચ્ચે આ સીમા દર્શન કાર્યક્રમનું આયોજન થાય છે પણ આપણે 5 વાગે પહોંચી જવું હિતાવહ છે જેથી જવાનોની પરેડને નજીકથી જોઈ શકાય. હવે આટલે દૂર ગયા હોય તો ફોટા પાડીને ફેસબૂક ને ઇન્સ્ટગ્રામમાં નાખવાના જ હોય! તો એની પણ સગવડતા છે અહીં. રણમાં સેલ્ફી લેવા માટે 3 ટાવર ઉભા કરવામાં આવ્યા છે જ્યાં તમે મસ્ત સેલ્ફી લઇ શકશો.
નડેશ્વરી માતાનું પ્રાચીન મંદિર
અહીં બાજુમાં જ નડેશ્વરી માતાનું પ્રાચીન મંદિર છે એના પણ દર્શન કરી જ લેજો. નડેશ્વરી માતા ફક્ત ગુજરાતમાં જ નહીં આખા દેશમાં સુરક્ષાના માતાજી તરીકે પૂજાય છે. અહીંના ઇતિહાસમાં એવું માનવામાં આવે છે કે પ્રાચીન કાળમાં રાજા નવઘણે તેમની બહેનને બચાવવા માટે મુસ્લિમ હુકુમત ઉપર હુમલો કર્યો હતો. આ માટે તેમણે અહીંની સ્થાનિક ચારણ કન્યાઓને માર્ગ પૂછ્યો હતો જેના ઉપરથી અહીં નડેશ્વરી માતાનું મંદિર બન્યું છે. આ ઉપરાંત 1971માં ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન ભારતના આર્મી અધિકારીઓએ નડેશ્વરી માતાના દર્શન કર્યા હતા અને માતાજીના પરચાથી દુશ્મનોએ ફેંકેલા અહીં ટોપગોળા ફૂટ્યા જ નહીં. આ કદાચ ભારતનું એકમાત્ર એવું મંદિર હશે જ્યાં માતાજીની સેવા, આરતી, અર્ચના અને પૂજા કોઈ પૂજારી નહીં પણ BSFના જવાનો પોતે જ કરે છે.
ધર્મશાળા કે હોટેલમાં રોકાઈ શકો છો
હવે આ બધું પૂરું કરશો તો મોડું થઈ જ જવાનું તો રોકાવા માટે ત્યાં ધર્મશાળા છે જ્યાં નજીવા ખર્ચે રોકાઈ પણ શકો છો ને હોટેલમાં રોકાવું હોય તો 85 કિમિ દૂર થરાદ અથવા 50 કિમિ દૂર ભાભર જવું પડશે.
ખાસ વાત એ છે કે અહીં એક દિવસમાં ફક્ત 600 લોકોને જ વિઝીટ કરવાની પરવાનગી છે એટલે વહેલા તે પહેલાના ધોરણે બુકીંગ કરાવીને પોતાનો પાસ કઢાવી લેવાનો.
આશરે કેટલો ખર્ચ થશે?
એક ફેમિલીનો આવવા એટલે 4 લોકો હો, એમનું જવા માટેનું કારનું ભાડું અમદાવાદથી 530 કિમિના 6,000 થી 9,000 થશે,1 ડે સ્ટેના આશરે 2,500 થી 5,000 થશે સાથે 1 દિવસના જમવાનો ખર્ચ 2000 થી 3000 થઈ શકે અને શોપિંગ નો ખર્ચો 1,500 થી 2,000 પકડી લો એટલે નડા બેટ પર ફેમિલી સાથે જાવ તો તમને ટોટલ ટ્રીપ 12,000 થી 16,000 રૂપિયામાં પડશે.