બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ઓસમ ડુંગર સહેલાણીઓ માટે આકર્ષણનું કેદ્ર બન્યો
રાજકોટ જિલ્લાના ઉપલેટાથી 12 કિલોમીટરના અંતર આવેલ પાટણવાવનો ઓસમ ડુંગર અત્યારે સહેલાણીઓ માટે આકર્ષણનું કેદ્ર બન્યો છે, આ વિસ્તારમાં મેઘરાજાએ અપાર હેત વરસાવીને પ્રકૃતિને સોળે કળાએ સમૃદ્ધ કરી દીધી છે. દૂરથી ઓસમ ડુંગરને જોતા જ જાણે કે કોઈ હિલ સ્ટેશન હોય તેવો ભાસ થાય છે, વરસી રહેલા વરસાદના પગલે ઓસમ ડુંગર પરથી ચારે તરફ ઝરણાઓ વહી રહ્યા છે અને કેટલાક સ્થળેથી ધોધ પડી રહ્યો છે. જે આ સૂના જંગલને એક મહાનાદથી ભરી રહ્યો છે.
ADVERTISEMENT
ઝરણાઓ ડુંગરના પ્રાકૃત્તિક સૌંદર્યમાં કરે છે વધારો
ADVERTISEMENT
ડુંગરની ટોચ પરથી પડતા ધોધમાં પ્રવાસીઓ નાહીને પ્રકૃતિનો આનંદ ઊઠાવી રહ્યા છે. ઊંચા ડુંગર ઉપરથી પડી રહેલા પાણીના આ ઝરણાંઓ ડુંગરના પ્રાકૃતિક સૌંદર્યમાં ખૂબજ વધારો કરી રહ્યા છે. ઓસમ ડુંગરની મુલાકાતે આવતા પ્રવાસીઓને અહીં સાપૂતારા જેવા વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. અહીં આવતા પ્રવાસીઓ પ્રફુલ્લિત થઈ વનરાજી સાથે એકાકાર થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે, મહાભારત સમયમાં પાંડવો પણ અહીં આવી ચૂક્યા હતા.
ઓસમ ડુંગર પર હાલ વનરાઇનું સૌંદર્ય ચરમસીમા પર
ADVERTISEMENT
ઓસમ ડુંગર પર હાલ વનરાઈનું સૌંદર્ય તેની ચરમસીમા પર છે. પર્વત પર ખિલેલા લીલાછમ જંગલો વચ્ચેથી વહી રહેલા નાના નાના ઝરણાંઓના ખળ ખળ અવાજ વાતાવરણને મોહક બનાવી રહ્યા છે. તેમાં પણ મંદ મંદ વાતા પવન સાથે ડોલતા ફૂલ છોડ અને અમળાતી વનરાઈઓ ઓસમ ડુંગરની સુંદરતામાં વધારો કરી રહી છે. તળેટીથી ઉપર તરફ આવેલા ટપકેશ્વર મહાદેવના મંદિર તરફ જતાં વચ્ચે આવતા ખીલેલા પુષ્પો મનને પ્રફુલ્લિત કરી દે છે. ખીલેલા પુષ્પો ઉપર ઊડી રહેલા પતંગિયા જાણે કે પ્રકૃતિપ્રેમનો સંદેશ આપતા હોય તેવું લાગે છે. આ વિસ્તારનું જેટલું પ્રાકૃતિક મહત્વ છે તેટલું ધાર્મિક મહાત્મ્ય પણ છે.
ટપકેશ્વર મહાદેવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા MLA લલિત વસોયાની માંગ
ADVERTISEMENT
મનમોહક વનરાઈ અને ઝરણાંના કલરવની સાથે ઓસમ ડુંગરની ઉપર જયારે ટપકેશ્વર મહાદેવની જગ્યા સુધી પહોંચો ત્યારે ત્યાંનો નજારો જોતાં રહી જવાય તેવો છે. અહીં 70થી 80 ફૂટ ઊંચાઈ ઉપરથી પડી રહેલા ધોધ અને તેના કારણે ઊઠી રહેલા ધુમ્મસથી અદભુત વાતાવરણ સર્જાય છે. અહીં આવેલા સહેલાણીઓ આ ધોધમાં નાહ્યા વગર રહી શકતા નથી. આવા નયન રમ્ય સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે ધારાસભ્ય લલિત વસોયાએ માંગ કરી છે.
જ્યારે વરસાદ પડે છે ત્યારે માત્ર પ્રકૃતિ જ ખીલે છે એવું નથી. વરસાદ અનેક શક્યતાઓને ઊઘડવાનો સંકેત પણ આપે છે. ઓસમ ડુંગરની જેમ રાજ્યમાં પણ એવા અનેક વિસ્તારો છે જે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી શકાય તેમ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.