Two debuts in one match after 7 years in test history
ક્રિકેટ /
ભારતના ટેસ્ટ ઇતિહાસમાં સાત વર્ષ બાદ એક સાથે બે ખેલાડીના ડેબ્યૂ, આ બે ખેલાડીઓ ભારતીય ક્રિકેટ સેનામાં જોડાયા
Team VTV07:30 PM, 26 Dec 20
| Updated: 07:48 PM, 26 Dec 20
આજે ભારત તરફથી બે ખેલાડીને ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી છે.
યુવા બેટ્સમેન શુભમન ગિલ અને ફાસ્ટ બોલર મોહંમદ સિરાઝ પ્રથમ વાર ટેસ્ટમાં ભારત તરફથી મેદાનમાં ઊતર્યા છે. સાત વર્ષ બાદ પહેલી વાર એવું બન્યું છે, જ્યારે ટીમ ઇન્ડિયામાં એક સાથે બે ખેલાડીએ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું છે.
૨૦૧૩માં બાદ પહેલીવાર ભારતીય ટીમ તરફથી ૨૧ વર્ષીય શુભમન ગિલ અને ૨૬ વર્ષીય ફાસ્ટ બોલર મોહંમદ સિરાઝ સફેદ યુનિફોર્મમાં ભારત તરફથી એકસાથે મેદાનમાં ઊતર્યા છે. અગાઉ ૨૦૧૩માં બે ખેલાડીએ એક સાથે ડેબ્યૂ કર્યું હતું.
વિન્ડીઝની ધરતી પર વિરાટ કોહલી, અભિનવ મુકુંદ અને પ્રવીણકુમારે એકસાથે ડેબ્યૂ કર્યું હતું
વિન્ડીઝ સામે ૨૦૧૩માં રોહિત શર્મા અને મોહંમદ શમી એકસાથે પહેલી વાર મેદાનમાં ઊતર્યા હતા. એ મેચ સચીન તેંડુલકરની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ હતી. જ્યારે વિદેશી ધરતી પર આવું નવ વર્ષ બાદ બન્યું છે. ૨૦૧૧માં એકસાથે ત્રણ ભારતી ખેલાડીઓએ ટેસ્ટમાં પદાર્પણ કર્યું હતું. વિન્ડીઝની ધરતી પર વિરાટ કોહલી, અભિનવ મુકુંદ અને પ્રવીણકુમારે એકસાથે ડેબ્યૂ કર્યું હતું.
ટેસ્ટ શ્રેણીનો બીજો મુકાબલો બોક્સિંગ ડે ટેસ્ટ મેલબર્નમાં આજે શરૂ થયો છે
નોંધનીય છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણીનો બીજો મુકાબલો બોક્સિંગ ડે ટેસ્ટ મેલબર્નમાં આજે શરૂ થયો છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને આજે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તેનો આ નિર્ણય કાંગારું ટીમને ભારે પડ્યો છે. ઓસ્ટ્રેલિયા ૧૯૫ રનમાં ઓલ આઉટ થઇ ગઈ છે.
ભારત તરફથી આજે બૂમરાહે ચાર, અશ્વિને ત્રણ અને પ્રથમ ટેસ્ટ રમી રહેલા સિરાઝે બે વિકેટ અને જાડેજાએ એક વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ ભારતે પોતાની બેટિંગ શરુ કરી હતી જેમાં ભારતે એક વિકેટના નુકશાને ૩૬ રન નોંધાવ્યા હતા.
આજે ભારતીય ટીમમાં ચાર ફેરફાર કરવામાં આવ્યા છે
ઉલ્લેખનીય છે કે આજે ભારતીય ટીમમાં ચાર ફેરફાર કરવામાં આવ્યા છે, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ એક પણ ફેરફાર વિના મેદાનમાં ઊતરી છે. શુભમન ગિલ અને મોહંમદ સિરાઝે આજે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું છે. આ ઉપરાંત ઋષભ પંત અને રવીન્દ્ર જાડેજાને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.