બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / today heavy rains in gujarat rain forecast in next 5 days
Dhruv
Last Updated: 03:39 PM, 6 July 2022
ADVERTISEMENT
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. એવામાં આગામી 5 દિવસ રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ત્યારે આજ રોજ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. તો ક્યાંક ધોધમાર વરસાદના પગલે ઘરો અને ખેતરોમાં પણ પાણી ભરાઇ ગયા છે. તો ક્યાંક આખેઆખા ગામડા બેટમાં ફેરવાઇ ગયા છે.
ADVERTISEMENT
7 જુલાઈએ ભાવનગર, સુરત, ભરૂચ, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી
તમને જણાવી દઇએ કે, હવામાન વિભાગે આજે આગાહી કરતા જણાવ્યું છે કે, 'રાજ્યમાં તારીખ 7 જુલાઈના રોજ ભાવનગર, સુરત, ભરૂચ, જૂનાગઢ, અમરેલી, સોમનાથ, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો 8 જુલાઈના રોજ નવસારી, દ્વારકા, ડાંગ,પોરંબદર, સુરત, તાપી, ડાંગ, સોમનાથ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદામાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.'
9 જુલાઈના રોજ કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટમાં વરસાદની આગાહી
જ્યારે તારીખ 9 જુલાઈના રોજ રાજ્યમાં કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, મોરબી, નવસારી, વલસાડ, ડાંગ, જૂનાગઢ, સુરત અને તાપીમાં વરસાદની આગાહી કરાઇ છે. તો 10 જુલાઈએ દ્વારકા, પોરબંદર, વલસાડ, જૂનાગઢ, મોરબી,રાજકોટ, તાપી, સુરત અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
12 જુલાઇએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચક્રવાત સાથે વરસાદ પડશે
રાજ્ય (Gujarat) માં સાબરકાંઠામાં અરવલ્લીમાં ભારે વરસાદની સંભાવના સેવવામાં આવી રહી છે. તારીખ 10 જુલાઇએ મધ્ય ગુજરાતમાં બારેમેઘ ખાંગા થવાની પૂરી સંભાવના છે. તો બીજી બાજુ મધ્ય ગુજરાતના પણ અનેક ભાગમાં ભારે વરસાદ પડશે. 11 જુલાઇએ આખા ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે 12 જુલાઇએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચક્રવાત સાથે વરસાદ પડશે. તો 11 અને 12 જુલાઇએ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે.
ગીર સોમનાથમાં 10 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો
ગીર સોમનાથમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. 11 ઇંચ વરસાદથી સુત્રાપાડા તરબોળ થઇ ગયું છે. ગીર સોમનાથના લોઢવા અને પ્રસનાવડા ગ્રામ્ય વિસ્તાર બેટમાં ફેરવાયા છે. કોડીનારમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. સુત્રાપાડા પંથકમાં પણ ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. દરિયાઈ વિસ્તારના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. સુત્રાપાડા અને કોડીનારના માર્ગો પર પાણી ભરાઇ ગયા. વહેલી સવારથી અત્યાર સુધીમાં 10 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. મોટા ભાગના ગામો અને રાજ્ય માર્ગોમાં પાણી ભરાઇ ગયા છે.
સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે ઓરેન્જ એલર્ટ
સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ડેમની આજુબાજુના લોકોને પણ અવરજવર ન કરવાની અપીલ કરાઇ છે. નીચાણવાળા વિસ્તારમાં પૂર્વ તૈયારી કરવા તંત્રએ સૂચના આપી દીધી છે. અધિકારીઓને પણ હેડકવાર્ટર ન છોડવાનો આદેશ આપ્યો છે.
સુરતના ઓલપાડમાં ધોધમાર વરસાદ
આજ રોજ સુરતના ઓલપાડમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. સુરતના બાવા ફળીયા અને સરદાર આવાસમાં ધોધમાર વરસાદના કારણે પાણી ભરાઇ ગયા છે. તો બીજી બાજુ શહેરના શાંતિનગર આવાસમાં પણ પાણી ભરાયા છે. શાંતિનગર ઓલપાડ સેવાસદનની બાજુમાં આવેલું છે. 3થી વધુ આવસોમાં પાણી ભરાઇ ગયા છે. 5 ઇંચ વરસાદથી ઓલપાડના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે.
જેતપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં સતત પાંચમા દિવસે ધોધમાર વરસાદ
જેતપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. સતત પાંચમા દિવસે વરસાદથી શહેરમાં પાણી ભરાઇ ગયા. રસ્તાઓ પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયેલા જોવા મળી રહ્યાં છે.
જૂનાગઢના કરેજ અને નગીચાણા ગામે ધોધમાર વરસાદ વરસતા ઘોડા પાઈટ નદીમાં ઘોડાપુર
જૂનાગઢના કરેજ અને નગીચાણા ગામે ધોધમાર વરસાદ વરસતા ઘોડા પાઈટ નદીમાં ઘોડાપુર આવ્યું. પૂરના કારણે ગામ સંપર્ક વિહોણું થઇ ગયું છે. ખેતરે કામ કરવા ગયેલા લોકો પણ ફસાયા હતાં.
કપરાડામાં વરસાદે રમઝટ બોલાવતા કોલક નદીમાં નવા નીરની આવક
વલસાડ જિલ્લામાં પણ વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસતા વલસાડ અને ધરમપુરમાં બપોર સુધી અડધો ઇંચ વરસાદ ખાબક્યો. કપરાડામાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો. ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોલક નદીમાં પણ નવા નીરની આવક આવી છે. જિલ્લામાં નદી-નાળાઓમાં પણ નવા નીરની આવક જોવા મળી.
જામનગરના મોહનનગર આવાસમાં બિલ્ડિંગમાં વીજળી પડતા છતની પાળીને ભારે નુકસાન
જામનગરના રહેણાંક વિસ્તારમાં વીજળી પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મોહનનગર આવાસમાં 12 નંબરની બિલ્ડિંગમાં વીજળી પડતા છતની પાળીને ભારે નુકસાન થયું છે.
મહીસાગરના કડાણામાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
મહીસાગરના કડાણામાં પણ ધોધમાર વરસાદ વરસતા ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. વરસાદના કારણે ગેસ્ટ હાઉસની દિવાલ ધરાશાયી થઇ છે. જણાવી દઇએ કે, કડાણામાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે તો સંતરામપુરમાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો.
માધવપુર ગામે ધોધમાર વરસાદ વરસતા SDRFની ટીમ તૈનાત
પોરબંદર તાલુકાના માધવપુર ગામે ધોધમાર વરસાદ વરસતા મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાઇ ગયા. 3 ઈંચ જેટલો વરસાદ નોંધાતા માધવપુર મેળા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે.
માધવપુર સહિત પાતા, ચિંગરિયા અને બળેજ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો. પોરબંદર જિલ્લામાં તો SDRFની ટીમ તૈનાત કરી દેવાઇ છે. 60 જેટલા જવાનો પોરબંદર આવી પહોંચ્યા છે. ભારે વરસાદની આગાહીના પગલે ટીમ સ્ટેન્ડબાય કરી દેવાઇ છે. બચાવ અને રાહત કામગીરીના સાધનોથી ટીમ સજ્જ થઇ ગઇ છે.
સૌરાષ્ટ્રમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાતા NDRF-SDRFની ટીમ સ્ટેન્ડબાય
બીજી બાજુ રાજ્યમાં સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે. શનિવાર સુધી સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ, દીવ અને દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો પોરબંદર અને રાજકોટમાં પણ અતિભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. જેના લીધે NDRF અને SDRFની ટીમ સ્ટેન્ડબાય કરી દેવામાં આવી છે.
દ્રારકાના રાવલ સૂર્યાવદર વિસ્તારોમાં સાની ડેમના પાણી ખેતરોમાં ફરી વળ્યાં
દ્વારકાના રાવલ સૂર્યાવદરની આસપાસ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ચો તરફ પાણી ફરી વળ્યા છે. પાણી ભરાઇ જતા અવરજવરમાં પણ લોકોને હાલાકી પડી રહી છે. રાવલ સૂર્યાવદર વિસ્તારોમાં સાની ડેમના પાણી ખેતરોમાં ફરી વળ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.