સરખેજ વિસ્તારમાં રોંગ સાઈડમાં આવેલા રિક્ષાચાલકને સાઈડમાં લેવાનું કહેતાં પોલીસ કોન્સ્ટેબલને માર મારી શર્ટનાં બટન તોડીને ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. સરખેજ પોલીસે રિક્ષાચાલકની અટકાયત કરી ગુનો નોંધ્યો છે.
રોંગ સાઈડમાં આવેલા યુવકને ઠપકો આપતાં મામલો ઉગ્ર બન્યો
રિક્ષાચાલકે ચાલુ લાઈનમાં આવીને રસ્તામાં રિક્ષા ઊભી કરી દીધી
એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હિતેશભાઈ ગોહિલે ફરિયાદ નોંધાવી છે. ગઈ કાલે સરખેજ ઢાળ ખાતે હિતેશભાઈ અને તેમના સ્ટાફના કર્મચારી ટ્રાફિક નિયમનની કામગીરી કરી રહ્યા હતા. તે વખતે રાતના આઠ વાગે ધોળકા સર્કલ તરફથી આવતાં વાહનોની લાઈન ચાલુ હતી અને વાહનો ત્યાંથી પસાર થઇ રહ્યાં હતાં. આ દરમિયાનમાં એક રિક્ષાચાલકે ચાલુ લાઈનમાં આવીને રસ્તામાં રિક્ષા ઊભી કરી દીધી હતી.
કોલર પકડીને ગડદાપાટુંનો માર માર્યો
આથી હિતેશભાઇ અને અન્ય કર્મચારીએ ચાલકને રિક્ષા સાઈડમાં લેવાનું કહેતાં તે ઉશ્કરાઈ ગયો હતો. રિક્ષાચાલકે હિતેશભાઈ સાથે માથાકૂટ કરી ઝઘડો કર્યો હતો. આ સમયે ઝઘડો ઉગ્ર બનતાં રિક્ષાચાલકે હિતેશભાઇનો કોલર પકડીને ગડદાપાટુંનો માર માર્યો હતો. રિક્ષાચાલકે હિતેશભાઇનાં શર્ટનાં બે બટન પણ તોડી નાખ્યાં હતાં. આ દરમિયાનમાં અન્ય કર્મચારી આવી જતા હિતેશભાઈને વધુ મારમાંથી છોડાવ્યા હતા.
પોલીસ આ અંગે હાલમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
રિક્ષાચાલકે હિતેશભાઈને કહ્યું હતું કે હું મારી રિક્ષા મને ફાવે ત્યાં ઊભી રાખીશ અને હવે પછી મને રિક્ષા સાઈડમાં લેવાનું કહેશો તો હું તમને જાનથી મારી નાખીશ, તેવી ધમકી આપી હતી. હિતેશભાઈ અને તેમના પોલીસ કર્મચારી રિક્ષાચાલકને પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા, ત્યારબાદ તેની પૂછપરછ કરતાં તે ફતેવાડીમાં રહેતો અજહર શેખ હોવાનું જણાવ્યું હતું. પોલીસ આ અંગે હાલમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.