બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / The real reason why Gujarat patients were compelled to pay millions in private COVID hospitals

VTV વિશેષ / EXCLUSIVE : ગુજરાત સરકારની દાનત હોત ને તો કોરોના દર્દીઓ પ્રાઈવેટ હોસ્પિટલમાં લૂંટાયા ન હોત

Last Updated: 03:15 PM, 26 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની બીજી લહેરમાં ગુજરાત રાજ્યનું મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધ્વસ્ત થવા ઉપર આવી ગયું. આવા કપરા સમયમાં દર્દીઓએ શા માટે આટલું સહન કરવું પડ્યું અને કેમ ખાનગી હોસ્પિટલમાં લાખોના બિલ ચૂકવવા પડ્યા એ અંગે રિસર્ચ કરતાં જાણવા મળ્યું કે રાજ્યમાં સરકારી હોસ્પિટલો કરતાં પ્રાઇવેટ હોસ્પિટલો 15 ગણી વધારે છે અને સરકારી બેડની સંખ્યા ચિંતાજનક રીતે ઓછી છે.

વર્ષ 2014, ભારતના ઇતિહાસનું એ વર્ષ જેણે ભારતમાં વિક્રમ સર્જી દીધો. પહેલીવાર પૂર્ણ બહુમતિ સાથે નોન-કોંગ્રેસ પાર્ટીએ સરકાર બનાવી. જોકે, આ જીત ન તો ભાજપની હતી, ન તો પ્રધાનમંત્રી મોદીની હતી, આ જીત હતી 'ગુજરાત મોડલ'ની. એ જ ગુજરાત મોડલ જેને આગળ કરીને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીમાં ડંકો વગાડી દીધો. જોકે, ભાજપને વિક્રમી બેઠકો સાથે સત્તા સુધી પહોંચાડનારું ગુજરાત મોડલ કોરોના સામેની લડાઇમાં પત્તાના મહેલની જેમ ધ્વસ્ત થઈ ગયું. 

કોરોનામાં ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા ફ્લોપ કેમ થઈ? શું આ બધું અચાનક થયું? કેમ 'ગુજરાત મોડલ' 'આરોગ્ય મોડલ' ન બની શક્યું? ઉપરના સવાલોના જવાબ જાણવા માટે ગુજરાતની કોરોના પહેલાની સ્થિતિ અને કોરોના સમયની સ્થિતિ બન્નેને સમજવી જરૂરી છે. 

પાણી પહેલા પાળ ન હતી
1 જાન્યુઆરી 2020 એટલે કે જે દિવસે કોરોનાએ ચીનમાં દેખાડો દીધો તેના આગલા દિવસ પહેલા સુધી ભારતના કેટલાક રાજ્યોની સરકારી હોસ્પિટલ્સની સ્થિતિ જોઈએ તો ખ્યાલ આવશે કે, ગુજરાત મોડલ આરોગ્ય ક્ષેત્રે કેટલું ખાનગી ક્ષેત્ર પર નિર્ભર હતું. 

રાજ્ય

સરકારી બેડ

રાજ્યની વસતી (કરોડમાં,2011 પ્રમાણે)

તામિલનાડુ*

99435

7.21

પ. બંગાળ

96012

9.13

આંધ્રપ્રદેશ

86271

4.93

કર્ણાટક*

70474

6.11

ઉત્તરપ્રદેશ*

66700

19.98

રાજસ્થાન*

46778

6.86

કેરળ

38097

3.34

મહારાષ્ટ્ર

33028

11.24

મધ્યપ્રદેશ

31106

7.26

ગુજરાત

29402

6.04

બિહાર

29339

11.24

દિલ્હી

27154

1.68

Source: Directorate General of State Health Services (National Health Profile 2020)

(નોંધ : * કરેલા રાજ્યોમાં બેડની ગણતરી વર્ષ 2017 સુધીની છે. આ રાજ્યોમાં બેડના આંકડા 2019 અહીં લખ્યા છે તેના કરતાં પણ વધારે હોય તેવી પૂરી શક્યતા છે)  

ઉપરના આંકડા ભારતમાં કોરોના વાયરસના પ્રવેશ પહેલાના છે. આમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે, કોરોના આવ્યો તે પહેલા જ ગુજરાતનું જાહેર આરોગ્ય ક્ષેત્ર ખુબ પાછળ હતું. અહી મોટા ભાગનું ખાનગીકરણ થઈ ચુક્યું હતું. એટલે જ ગુજરાતમાં બિહાર જેવા પછાત રાજ્ય કરતા માત્ર 63 બેડ વધારે હતા.

દર 1000 નાગરિકો વચ્ચે 5 હોસ્પિટલ બેડની વ્યવસ્થા હોય તે સારી હેલ્થ સિસ્ટમની નિશાની
WHO પ્રમાણે દર 1000 નાગરિકો વચ્ચે 5 હોસ્પિટલ બેડની વ્યવસ્થા હોય તે સારી હેલ્થ સિસ્ટમની નિશાની છે. કમનસીબે મહામારી પહેલા જ ગુજરાતમાં એવી સ્થિતિ હતી કે રાજ્યના દર 1000 નાગરિકો વચ્ચે ફક્ત 0.45 સરકારી બેડ ઉપલબ્ધ હતો. એટલે કે ગુજરાતમાં દર હજાર નાગરિક વચ્ચે અડધો બેડ પણ ઉપલબ્ધ નહોતો. WHOની આ ગાઇડલાઇન પ્રમાણે ગુજરાતમાં હેલ્થકેર સિસ્ટમનો વિકાસ થયો કે નહીં તે ખબર નથી. 

બીજી લહેરમાં કેવી હતી સ્થિતિ?
ગુજરાત સરકારે હાઇકોર્ટમાં કરેલી એફિડેવિટમાં કોવિડ હોસ્પિટલ અને બેડને લગતા મહત્વના આંકડા આપ્યા છે. આ આંકડા પ્રમાણે 1 મે ના ડેટા પ્રમાણે આખા રાજ્યમાં કુલ 1203 ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલો (DCH) છે. આ હોસ્પિટલોમાં કુલ 63026 બેડ છે. આ બેડના આંકડામાં ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર (DCHC) અને કોવિડ કેર સેન્ટર (CCC) ના બેડનો સમાવેશ કરવામાં આવ્યો નથી. 

સરકારી સામે પ્રાઈવેટ બૅડ્સની સંખ્યા ડબલ
રાજ્યમાં 63 હજારથી વધુ બેડ રાજ્યની કુલ 1203 હોસ્પિટલમાં આવેલા છે. આ હોસ્પિટલો પૈકી 73 હોસ્પિટલ સરકારી છે અને 1130 હોસ્પિટલ પ્રાઇવેટ છે. આમ ખાનગી હોસ્પિટલોની સંખ્યા રાજ્યમાં સરકારી હોસ્પિટલો કરતા 15 ગણી વધુ છે.  

મહત્વનું છે કે સરકારી આંકડા પ્રમાણે 1 મે 2021 સુધી રાજ્યના 63026 કોવિડ બેડમાંથી 22078 બેડ સરકારી હોસ્પિટલમાં છે અને 40948 બેડ ખાનગી હોસ્પિટલમાં છે. એટલે આમ જોવા જઈએ તો રાજ્યમાં સરકારી બેડ કરતા પ્રાઇવેટ બેડની સંખ્યા લગભગ બમણી છે.

ગુજરાતમાં રાજ્ય સરકારના આંકડા પ્રમાણે 1લી મે 2021ના રોજ રાજ્યમાં 1,45,139 એક્ટિવ કેસીસ હતા. હવે સરકારે કહ્યું એ પ્રમાણે રાજ્યમાં કુલ કોવિડ બેડ 63026 હતા જેમાંથી સરકારી કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલમાં ફક્ત 22078 બેડ હતા. જેથી સ્વાભાવિક છે કે રાજ્યમાં મોટી સંખ્યામાં દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી હતી.

જે દર્દીઓએ ખાનગી હોસ્પિટલમાં ગયા ત્યાં તેમને બેડ્સ તો મળી ગયા પરંતુ ઇન્જેક્શન અને ઓક્સિજન જ દર્દીઓએ શોધવા પડ્યા અને બિલ તો મસમોટું  5-7 લાખ રૂપિયા જેટલું આવી ગયું. 

અહીં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે ગુજરાતમાં કોરોનાની સારવાર માટે સરકારી બેડ્સની સંખ્યા ભલે 22078 જ હોય પર પરંતું ધીકતા ધંધા સમાન પ્રાઇવેટ બેડની સંખ્યા 40948 છે. 

ગુજરાત સરકારે આરોગ્ય બજેટમાં વધારો કરવાને બદલે ઘટાડો કરી દીધો! 
સરકારે વર્ષ 2021-22ના બજેટમાં આરોગ્ય બજેટમાં વધારો કરવાને બદલે કામ ટકાવારીની દ્રષ્ટિએ કાપ મૂકી દીધો. ગુજરાતના કુલ 2.27 લાખ કરોડના બજેટમાંથી માત્ર 11,232 કરોડ રૂપિયા જ આરોગ્ય સુવિધા પાછળ ખર્ચવામાં આવી રહ્યા છે. 

દિલ્લી સરકારે બજેટની 14.40% રકમ આરોગ્ય પાછળ ફાળવી
બીજી તરફ દિલ્લી જેવા નાના રાજ્યના કુલ 69 હજાર કરોડના બજેટમાંથી 9934 કરોડ રૂપિયા આરોગ્ય પાછળ ફાળવવામાં આવ્યા. દિલ્લી સરકારે બજેટની 14.40% રકમ આરોગ્ય પાછળ ફાળવી અને ગુજરાત સરકારે માત્ર 4.98% રકમ જ ફાળવી. નવાઈ તો એ છે વર્ષ 2020-21ની તુલનમાં વર્ષ 2021-22ના બજેટમાં આરોગ્ય બજેટની ટકાવારી વધારવાને બદલે ઘટાડી દીધી. 

શું ગુજરાત સરકારની નિયત નથી?
જ્યારે પણ કોઈ બિમારીને મહામારી જાહેર કરવામાં આવે છે ત્યારે નાગરિકોના સ્વાસ્થ્યની સંપૂર્ણ જવાબદારી સરકારની બને છે. ઉપરના આંકડાઓ પ્રમાણે ગુજરાતમાં ખાનગી હોસ્પિટલ બેડ્સની સામે સરકારી હોસ્પિટલ બેડ્સની સંખ્યા અડધી જ છે. સરકાર પાસે પુરતી વ્યવસ્થા નથી એટલે લોકો લાખો રૂપિયા ચુકવીને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે મજબૂર બન્યા છે. જો ખરેખર સરકારની નિયત હોત કે પ્રજા હેરાન ન થાય તો આ સ્થિતિમાં જે દર્દીઓ બેડ ન મળવાને કારણે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હોય તેમના માટે સરકારે ફ્રી સારવારની વ્યવસ્થા કરવી જોઈતી હતી.

પ્રાઇવેટમાં સારવારનો અઠવાડિયાનો ખર્ચો આશરે 1.5 થી 2 લાખ રૂપિયા
ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર કરવી એ મધ્યમ વર્ગ માટે લોઢાના ચણા ચાવવા બરાબર છે. નામ ન આપવાની શરતે એક તબીબે VTVને જણાવ્યું કે, "હોસ્પિટલમાં સામાન્ય સ્થિતિમાં સારવારનો 7 દિવસનો સરેરાશ ખર્ચો 1.5થી 2 લાખ રૂપિયા સુધી થાય છે. જો દર્દીને 14 દિવસ સુધી સારવારની જરૂર પડે તો આ ખર્ચો 2 થી 5 લાખ સુધી પહોંચી જાય છે."

આ ખર્ચો સામાન્ય સ્થિતિનો છે પરંતુ બીજી લહેરમાં માગ વધવાને કારણે ઓક્સિજન, રેમડેસિવિર અને અન્ય દવાઓની કાળાબજારીને કારણે આ ખર્ચો ડબલ પણ થઈ શકે છે. જો દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવે તો એક દિવસના 35 હજાર રૂપિયા સુધીનો ખર્ચો પણ થઈ શકે છે, આમ કોરોનાના ક્રિટિકલ દર્દી પાછળ ખાનગી હોસ્પિટલમાં સરેરાશ 3 લાખ રૂપિયાથી વધારે ખર્ચ થયો છે. 

સૌથી મોટો સવાલ તો આ આંકડામાં થાય છે
ગુજરાતમાં કોરોના સંક્રમણના આંકડા ખોટા હોવા અંગે અનેક લોકો આશંકા વ્યક્ત કરી રહ્યા છે. આ આશંકાને વેગ GTUના એક સર્વે પરથી મળી શકે છે. કારણ કે, GTUના સર્વે પ્રમાણે કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓમાંથી 94.75 ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી પડી તેઓ ઘરે જ ઇલાજ કરીને સ્વસ્થ થયા છે. સર્વે પ્રમાણે માત્ર 5.25 ટકા લોકોએ જ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે.

GTUએ જે સમયગાળામાં સર્વે કર્યો એ જ સમયગાળો એટલે કે, 16 ફેબ્રુઆરી 2021થી લઈને 15 મે, 2021 સુધીમાં ગુજરાતમાં સરકારી આંકડા પ્રમાણે કુલ 3,58,614 (ત્રણ લાખ અઠાવન હજાર છસો ચૌદ) કેસ નોંધાયા હતા. GTUના સર્વેના ગણિત પ્રમાણે 3,58,614ના 5.25 ટકા એટલે માત્ર 18,828 લોકોને જ હોસ્પિટલમાં સારવારની જરૂર પડી હોઈ શકે છે. 

GTUના સર્વેનું માનીએ તો ગુજરાતમાં પીક સમયે પણ 26000 બેડ ખાલી હોઈ શકે!  
ચાલો માની લઈએ કે આ સર્વેમાં હજુ પણ થોડો આંકડો આગળ પાછળ હોય અને 5.25ને બદલે 10 ટકા દર્દીઓની ગણતરી કરીએ તો પણ સરકારના આંકડા પર સીધા સવાલ ઊભા થાય છે. કારણ કે, હવે જો આ સંખ્યાના 10 ટકા દર્દીઓને પણ જો એક સાથે બેડની જરૂર પડે તો વધુમાં વધુ 36000 બેડની જરૂર પડે અને બાકીના 26 હજાર બેડ ગુજરાતમાં ખાલી રહે. પરંતુ ગુજરાતની જે સ્થિતિ હતી તેમાં ક્યાંય પણ 26 હજાર જેટલા બેડ ખાલી હોય તેવું લાગી રહ્યું ન હતું. 

26000 શું 2600 બેડ પણ ખાલી નહોતા! 
આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં 26 હજાર ખાલી બેડ તો દૂરની વાત છે પણ એક એક બેડ માટે પડાપડીની સ્થિતિ જોવા મળી હતી. રાજ્યની હોસ્પિટલોની બહાર એમ્બ્યુલન્સની કતારોના ભયાવહ દ્રશ્યો સામે આવ્યા હતા. 

કોવિડના દર્દીઓ માટે વ્યવસ્થાના અભાવ મુદ્દે હાઇકોર્ટે ગુજરાત સરકારને પણ ફટકાર લગાવી હતી. આ સમયગાળામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિન્ટેન્ડન્ટ રજનીશ પટેલે સૂચક નિવેદન આપતા કહ્યું હતું કે આ લાઈનો જોઈને અમને પણ દુઃખ થાય છે પણ અમે શું કરીએ? 

સિવિલના ડોકટરો હોસ્પિટલની બહાર આવીને કતારમાં ઉભેલા વાહનોમાં દર્દીઓની સારવાર કરતા હતા
તેમણે કહ્યું હતું કે 108ના બધા દર્દીઓને SVP મોકલવામાં આવે તો ત્યાં પણ આટલી જ લાઈનો થાય. તેમણે કહ્યું હતું કે આ મહામારીમાં હોસ્પિટલોએ મારુ-તારું કરવાને બદલે ગમે તે ધોરણે દર્દીઓની સેવા કરવી જોઈએ. સિવિલના ડોકટરો આ સમયગાળામાં હોસ્પિટલની બહાર આવીને એમ્બ્યુલન્સ અથવા ખાનગી વાહનમાં સૂતેલા દર્દીઓની હોસ્પિટલની બહાર સારવાર કરી રહ્યા હતા. આમ આ સમયગાળામાં હોસ્પિટલમાં બેડની તંગી હતી જ તેવું સ્પષ્ટપણે બહાર આવ્યું હતું.

 

આ પ્રમાણે જો GTUનું સંશોધન સચોટ હોય તો ગુજરાતમાં મોટી સંખ્યામાં કોરોનાના આંકડા છુપાવવામાં આવી રહ્યા છે તે વાતની આશંકા મજબૂત બને છે અને જો આંકડાઓ સાચા હોય GTUના સંશોધનમાં કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થાય છે. 

સરકાર શું કરી શકે?

1. ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે મજબૂર બનેલા દર્દીઓ માટે સરકાર સહાયની જાહેરાત કરે તો તેમનું ભારણ હળવું થઈ શકે છે.
2. આ માટે સરકાર દર્દીઓને તેમના હોસ્પિટલના બિલ રજૂ કરવા પર વળતર આપી શકે છે. આગળ આવી સ્થિતિ ન સર્જાય તે માટે સરકાર સારવારના કુલ ખર્ચની લિમિટની મર્યાદા સેટ કરી શકે.
3. હવેથી કોરોનાના દર્દીઓની સારવાર પ્રાઈવેટમાં પણ ફ્રી કરી દેવી જોઈએ અને સરકારે તેનો ખર્ચો ભોગવવો જોઈએ.
4. સરકારે પ્રાઈવેટમાં સારવાર લેતા દર્દીઓના બિલના ઑડિટ માટે એક એક્સપર્ટ કમિટી બનાવવી જોઈએ. 
5. આમ કરવાથી પ્રાઈવેટ હોસ્પિટલો સરકારની દેખરેખ હેઠળ હશે તો બેફામ બિલ દર્દીઓ પાસેથી નહીં વસૂલી શકે.
6. મહામારીમાં રેમડેસિવિર અને ઓક્સિજન વગેરેની વિતરણ વ્યવસ્થા પોતાના અંતર્ગત લઈ શકે. જેથી કાળા બજારી કે લાગવગશાહી ન સર્જાય.  
7. રાજ્ય સરકાર પોતાનું આરોગ્ય બજેટ બમણું કરે તો ખાનગી હોસ્પિટલની તુલનામાં સરકારી હોસ્પિટલ બેડની સંખ્યા વધારી શકાય.

સંકળાયેલા મુદ્દાઓ

Beds Civil Hospital Coronavirus Government hospital Private Hospital Vtv Exclusive gujarat કોરોના વાયરસ કોવિડ બેડ ખાનગી હોસ્પિટલ ગુજરાત સરકારી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ Vtv Exclusive
Shalin
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ