બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતમાં મેઘરાજાનો કહેર શરૂ! રસ્તાઓ પાણીમાં, NDRF-SDRF તૈનાત, નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતરની તૈયારી
6 ફોટો ગેલેરી
Last Updated: 11:27 AM, 31 July 2026
1/6
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લામાં આજે તેમજ આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વહેલી સવારથી જ શહેરમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. જિલ્લા કલેક્ટરથી લઈને પાલિકા કમિશનર સુધીના તમામ અધિકારીઓ મેદાનમાં ઉતરી ગયા છે. NDRF અને SDRFની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે જેથી કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.
2/6
સુરત શહેર અને જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર થતાં વહીવટી તંત્રે તમામ અધિકારીઓની રજાઓ રદ કરી દીધી છે. તમામ વિભાગોને સ્ટેન્ડબાય રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર તેજસ પરમાર વહેલી સવારથી જ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઈને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી રહ્યા છે. આજે બપોર બાદ વરસાદનું જોર વધુ વધી શકે તેવી આગાહીને ધ્યાનમાં રાખીને તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
3/6
ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને સુરત શહેર અને જિલ્લામાં NDRF અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. જ્યાં પાણી ભરાવાનો ખતરો છે ત્યાં જરૂરિયાત મુજબ લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તંત્રે લોકોને નદી અને ખાડીના કિનારાથી દૂર રહેવા પણ અપીલ કરી છે.
4/6
સુરત ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કંટ્રોલ રૂમ સતત કાર્યરત રાખવામાં આવ્યો છે. તમામ મામલતદાર સહિતના અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. હેલ્પલાઇન પર મળતી ફરિયાદોનું તાત્કાલિક મોનિટરિંગ થઈ રહ્યું છે. ડીપ ડિપ્રેશનની સ્થિતિ અને વરસાદની તીવ્રતા પર સતત નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈપણ પરિસ્થિતિમાં ઝડપથી નિર્ણય લઈ શકાય.
5/6
વહેલી સવારથી જ શહેરના અનેક વિસ્તારોમાં સતત વરસાદને કારણે પાણી ભરાવા લાગ્યા છે. અઠવાલાઇન્સ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી જોવા મળ્યું છે. સાયબર પોલીસ સ્ટેશનની બહાર ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતા સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો. પાલિકા કમિશનરે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને જણાવ્યું કે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મીઠી ખાડી, સીમાડા ખાડી અને ભેદવાડ ખાડીના પાણીના સ્તરમાં બપોર બાદ વધારો થઈ શકે છે. તેથી ખાડી નજીકના વિસ્તારોમાં સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.
6/6
ઉમરપાડા વિસ્તારમાં સતત વરસાદને કારણે આમલી ડેમમાં પાણીની આવક વધી રહી છે. હાલ ડેમની સપાટી 111.80 મીટર સુધી પહોંચી છે જ્યારે રૂલ લેવલ 113 મીટર અને ભયજનક સપાટી 115.80 મીટર છે. હાલમાં ડેમમાં 3099 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને ત્રણ દરવાજા ખોલીને 3309 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને માંડવી તાલુકાના 15 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને નદી કાંઠે ન જવા કડક સૂચના આપવામાં આવી છે. બીજી તરફ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસ પહોંચ્યા હતા અને કલેક્ટર સાથે સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ