ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / મુંબઈ સામે સુરતનું ડાયમંડ બુર્સ કેમ ન ટક્યું? 3 વર્ષમાં માત્ર 300 ઓફિસો ધમધમી

નિષ્ક્રિય / મુંબઈ સામે સુરતનું ડાયમંડ બુર્સ કેમ ન ટક્યું? 3 વર્ષમાં માત્ર 300 ઓફિસો ધમધમી

Published By: Vishal Khamar

Last Updated: 02:51 PM, 3 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રૂ. ૩,૨૦૦ કરોડના ખર્ચે બનેલા સુરત ડાયમંડ બુર્સમાં ત્રણ વર્ષ બાદ પણ માત્ર ૩૦૦ ઓફિસો કાર્યરત. હીરા બજારમાં મંદી, મુંબઈની સુવિધાઓ અને લેબગ્રોન હીરાનો પડકાર મુખ્ય કારણો.

ADVERTISEMENT

હીરાના કટિંગ-પોલિશિંગના વૈશ્વિક કેન્દ્ર સુરતમાં રૂ. ૩,૨૦૦ કરોડના ખર્ચે બનેલું ‘સુરત ડાયમંડ બુર્સ’ ત્રણ વર્ષ પછી પણ વેપારીઓની રાહ જોઈ રહ્યું છે. ૪,૨૦૦થી વધુ ઓફિસો ધરાવતા આ ભવ્ય સંકુલમાં હાલમાં માત્ર ૩૦૦ જેટલી ઓફિસોમાં જ વેપાર શરૂ થયો છે. વૈશ્વિક હીરા બજારમાં મંદી, મુંબઈની સરખામણીએ આંતરરાષ્ટ્રીય ગ્રાહકો માટે ઓછી સુવિધાઓ અને શહેરના પરંપરાગત હીરા બજારથી અંતર તેનાં મુખ્ય કારણો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૭ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ ખજોદના ડ્રીમ સિટીમાં ૬૬ લાખ ચોરસફૂટમાં ફેલાયેલા આ સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું. નવ ટાવર અને દરેકમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત ૧૫ માળ ધરાવતા આ પ્રોજેક્ટને વિશ્વના સૌથી મોટા ઓફિસ સંકુલ તરીકે ઓળખાવવામાં આવ્યો હતો, જોકે અત્યાર સુધી અહીં માત્ર બે મોટા કાર્યક્રમો યોજાયા છે.

ધોળકિયાની અપીલ છતાં વેપારીઓ નિષ્ક્રિય

બુર્સને ધમધમતું કરવા ભાજપના રાજ્યસભા સાંસદ અને હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ તાજેતરમાં સભ્યોને પત્ર લખી ગુજરાતી નવા વર્ષથી ઓફિસો શરૂ કરવાની ભાવનાત્મક અપીલ કરી હતી. નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ પણ મહિધરપુરાના વેપારીઓને અહીં સ્થળાંતર કરવા પ્રયાસ કર્યા છે. બુર્સના વાઈસ ચેરમેન લાલજીભાઈ પટેલના જણાવ્યા મુજબ ૪,૨૦૦માંથી ૪,૦૦૦થી વધુ ઓફિસો વેચાઈ ગઈ છે, પરંતુ કાર્યરત ઓફિસોની સંખ્યા આશરે ૩૦૦ જ છે.

કિરણ જેમ્સના વલ્લભભાઈ લાખાણીએ નવેમ્બર-૨૦૨૩માં મુંબઈથી સુરત આવી બુર્સમાં એક લાખ ચોરસફૂટ જગ્યા ખરીદી હતી અને કર્મચારીઓ માટે ફ્લેટ પણ લીધા હતા, જોકે દોઢ મહિનામાં જ તેઓએ મુંબઈ પરત ફરી ભરત ડાયમંડ બુર્સમાં જૂની ઓફિસો શરૂ કરી દીધી હતી, બીજી તરફ એપ્રિલમાં દુબઈના સ્ટારજેમ્સ ગ્રૂપે અહીં સાત દિવસની રફ હીરાની હરાજી યોજી હતી. જુલાઈમાં ચાર સુરતી કંપનીઓએ બ્રિટન મોકલવાના આશરે એક કરોડ ડોલરના હીરાની પ્રથમ ખેપ માટે બુર્સમાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની ઓફિસનો ઉપયોગ કર્યો હતો.

મુંબઈની સુવિધાઓ સામે સુરતનું અંતર નડી રહ્યું છે

વેપારીઓના મતે ખજોદમાં આવેલું બુર્સ મહિધરપુરાના પરંપરાગત હીરા બજારથી દૂર છે. મુંબઈના બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સમાં આંતરરાષ્ટ્રીય ગ્રાહકોની અવરજવર અને વેપાર માટેની સુવિધાઓ વધુ છે. સુરતમાં હીરાનું ઉત્પાદન થતું હોવા છતાં મોટા આંતરરાષ્ટ્રીય સોદા માટે વેપારીઓ મુંબઈ પર આધાર રાખે છે. સુરતથી ટ્રેન મારફતે ચારથી પાંચ કલાકમાં હીરા મુંબઈ પહોંચે છે.

સુરત મહાનગરપાલિકાએ ૨૦૨૪માં વરાછા અને મહિધરપુરાથી ડ્રીમ સિટી સુધી મફત શટલ બસ શરૂ કરી હતી. આ અંતર આશરે ૧૪ કિલોમીટર છે. આ વર્ષે ડ્રીમ સિટી સુધી મેટ્રોની ટ્રાયલ પણ થઈ હતી, છતાં ગ્રાહકો આકર્ષવા માટે જરૂરી સુવિધાઓનો પ્રશ્ન યથાવત્ છે.

કુદરતી હીરામાં મંદી, લેબગ્રોનનો વધતો પડકાર

રાપાપોર્ટ ગ્રૂપના અહેવાલ મુજબ કુદરતી પોલિશ્ડ હીરાના જથ્થાબંધ ભાવ પાંચ વર્ષમાં આશરે ૩૦થી ૫૦ ટકા ઘટ્યા છે. પ્રતિકેરેટ સરેરાશ ભાવ ૨૦૨૦માં ૫,૫૦૦ ડોલર હતો, જે ૨૦૨૫માં ૪,૨૦૦ ડોલર થયો હતો. ૨૦૨૬ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તે ૪,૪૫૬ ડોલર નોંધાયો હતો, બીજી તરફ લેબગ્રોન હીરાનો ભાવ ૨૦૨૦ના ૩,૪૧૦ ડોલરથી ઘટીને ૨૦૨૬ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૮૦૦થી ૧,૨૦૦ ડોલર રહ્યો હતો.

રાપાપોર્ટના જાન્યુઆરી-૨૦૨૬ના અહેવાલ પ્રમાણે ૨૦૨૫માં ૦.૩, ૦.૫ અને એક કેરેટના કુદરતી હીરાના ભાવ અનુક્રમે ૨૦.૩, ૨૬ અને ૯.૯ ટકા ઘટ્યા હતા. ગુજરાત જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રમુખ જયંતીભાઈ સાવલિયાના મતે લેબગ્રોન હીરાની અસર, ચીનમાં ઘટતી માગ, અલરોસા પરના પશ્ચિમી પ્રતિબંધો અને યુક્રેન અને મધ્ય-પૂર્વના યુદ્ધના કારણે કુદરતી હીરાના ભાવ કોરોના પછીની ટોચથી આશરે ૩૦ ટકા ઘટ્યા છે.

આ પણ વાંચોઃ ગાંધીનગરના મેયર તરીકે 29 વર્ષના રૂપસિંહ ઠાકોરની વરણી, અંજનાબેન મહેતા બન્યાં ડેપ્યુટી મેયર!

સુરત વિશ્વના આશરે ૯૫ ટકા રફ હીરાના કટિંગ-પોલિશિંગનું કેન્દ્ર છે અને આ ઉદ્યોગમાં આશરે ૧૦ લાખ કામદારો જોડાયેલા છે. મહિધરપુરામાં હીરાનો મોટો સ્થાનિક વેપાર ચાલે છે, જ્યારે મોટા આંતરરાષ્ટ્રીય સોદાઓમાં મુંબઈનું મહત્ત્વ યથાવત્ છે. હવે બુર્સ સામેનો પડકાર વેચાયેલી ઓફિસોને ધમધમતી બનાવવાનો અને ખરીદનારાને સુરત સુધી લાવવાનો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Diamond Industry Surat Diamond Market Surat Diamond Bourse

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ