બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરત સિવિલના રેસિડેન્ટ ડૉક્ટરે જીવન ટૂંકાવ્યું, હોસ્ટેલના રૂમમાંથી મૃતદેહ મળતા ચકચાર; પોલીસ તપાસ શરૂ
Last Updated: 12:39 PM, 9 August 2026
સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા બોય્ઝ પીજી હોસ્ટેલના રૂમ નંબર 1005માં રહેતા મૂળ મોડાસાના 30 વર્ષીય રેસિડેન્ટ તબીબ ડૉ. હર્ષ પંડ્યાએ આપઘાત કરી લેતાં સિવિલ હોસ્પિટલ અને પીજી હોસ્ટેલમાં અરેરાટી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ખટોદરા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને ડૉ. હર્ષે કયા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT

ફરજ પર હાજર ન રહેતાં સાથી તબીબે રૂમ તપાસ્યો
ADVERTISEMENT
મૃતક ડૉ. હર્ષ પંડ્યા મૂળ અરવલ્લી જિલ્લાના મોડાસાના વતની હતા અને અપરિણીત હતા. તેઓ સુરત સિવિલ હોસ્પિટલના માઈક્રોબાયોલોજી વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરવાની સાથે રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતા હતા.
આજે ડૉ. હર્ષ હોસ્પિટલમાં પોતાની નિયમિત ફરજ પર હાજર થયા ન હતા. જેથી સિનિયર તબીબે તેમને ફોન કર્યો હતો. જોકે, ફોન બંધ આવતાં સિનિયર તબીબે હોસ્ટેલમાં રહેતા અન્ય સાથી રેસિડેન્ટ ડૉક્ટરને તેમના રૂમ પર જઈને તપાસ કરવા જણાવ્યું હતું.
ADVERTISEMENT

દરવાજો અંદરથી બંધ હતો
ADVERTISEMENT
સાથી રેસિડેન્ટ તબીબ રૂમ નંબર 1005 પર પહોંચ્યા ત્યારે રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. તેમણે ડૉ. હર્ષને બૂમો પાડીને દરવાજો ખોલવા માટે ઘણો પ્રયાસ કર્યો હતો. જોકે, અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તબીબોએ હોસ્ટેલના સિક્યુરિટી સ્ટાફને સાથે રાખીને રૂમનો દરવાજો તોડ્યો હતો. દરવાજો ખોલતાં ડૉ. હર્ષ પંડ્યા મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ દૃશ્ય જોઈને સાથી તબીબો અને સ્ટાફમાં શોકની લાગણી ફેલાઈ હતી.
'પરિવાર તરફથી કોઈ તકલીફ નહોતી'
ADVERTISEMENT
સાથી તબીબોના જણાવ્યા મુજબ, ડૉ. હર્ષ પંડ્યાને પરિવાર તરફથી કોઈ તકલીફ કે માનસિક તણાવ હોવાની જાણ નહોતી. તેઓ સામાન્ય રીતે ફરજ બજાવતા હતા. ત્યારે તેમણે કયા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું તે હાલ રહસ્યમય બન્યું છે. હાલ આ ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. જોકે, આપઘાત પાછળનું ચોક્કસ કારણ શું હતું તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે. ખટોદરા પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
પોલીસ અને સિવિલ હોસ્પિટલના અધિકારીઓ પહોંચ્યા
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં જ ખટોદરા પોલીસ મથકનો કાફલો નવી સિવિલ હોસ્પિટલના પીજી હોસ્ટેલ ખાતે દોડી આવ્યો હતો. આ સાથે જ સુરત સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડ ડોક્ટર પારુલ વડગામા પણ હોસ્ટેલ ખાતે પહોંચ્યા હતા. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ કરી હતી. સાથે જ હોસ્ટેલમાં રહેતા અન્ય રેસિડેન્ટ તબીબો તેમજ સ્ટાફના નિવેદનો નોંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
પોલીસ હવે ડૉ. હર્ષ પંડ્યાના છેલ્લા સમયના સંપર્કો, તેમની સ્થિતિ અને ઘટનાને લગતી અન્ય બાબતોની તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સમગ્ર ઘટનાની વધુ વિગતો સામે આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.