ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મોરબીમાં રાકેશ ટીકૈતની સરકારને ચેતવણી! ગુજરાતમાં ખેડૂતો પર લાઠીચાર્જ થશે તો દેશભરમાં પડઘા પડશે
Last Updated: 12:42 PM, 9 August 2026
ADVERTISEMENT
મોરબી જિલ્લાના રવાપર ખાતે ખેડૂત એકતા સમિતિ દ્વારા આયોજિત ખેડૂત મહાસભામાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટીકૈત અને રાષ્ટ્રીય મહાસચિવ યુધવીર સિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂત નેતાઓને સાંભળવા માટે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. સભામાં ખેડૂતોના હક્ક, વીજ ટાવર લાઇન, જમીનના વળતર અને સરકારની નીતિઓ મુદ્દે ખુલ્લેઆમ ચર્ચા કરવામાં આવી હતી.
ADVERTISEMENT

સભાને સંબોધતા રાકેશ ટીકૈતે કહ્યું કે મોરબીમાંથી શરૂ થયેલું આંદોલન હવે રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે જણાવ્યું કે ગુજરાતના ખેડૂતો હવે પોતાના હક્ક માટે જાગૃત થયા છે. પાટીદાર અનામત આંદોલન બાદ હવે ખેડૂતોનો આંદોલન શરૂ થયો છે અને ગુજરાતમાં થયેલા અનેક આંદોલનો સફળ રહ્યા છે. સરકારને પણ લોકોની માંગ સામે ઝૂકવું પડ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ લડત અટકશે નહીં.
ADVERTISEMENT
ખેડૂતોનું કહેવું છે કે તેઓ પોતાના હક્ક માટે લડી રહ્યા છે. સરકારે જાહેર કરેલો પરિપત્ર તેમને સ્વીકાર્ય નથી અને ખેડૂતો તેને માત્ર "લોલીપોપ" સમાન માને છે. ખેડૂતો માટે ખેતર માત્ર સંપત્તિ નથી, પરંતુ માતા સમાન છે. વર્ષોથી આ જમીનમાં પરસેવો વહાવીને ખેતી કરી છે અને પરિવારનું ગુજરાન ચલાવ્યું છે. આવી સ્થિતિમાં ખાનગી કંપનીઓને ખેડૂતોની જમીનમાંથી વીજ ટાવર લાઇન પસાર કરવાની મંજૂરી આપવી તેમના માટે સ્વીકાર્ય નથી. તેમ છતાં ખેડૂતો વિકાસના વિરોધી નથી. તેઓ માત્ર એટલી જ માંગ કરી રહ્યા છે કે જો તેમની જમીનમાંથી વીજ ટાવર લાઇન પસાર થાય તો કાયદા મુજબ યોગ્ય અને ન્યાયસંગત વળતર આપવામાં આવે.
ADVERTISEMENT
ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય મહાસચિવ યુધવીર સિંહે સરકારની ભૂમિકા પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે સરકાર માત્ર જાહેર હિતના કામ માટે જ જમીનનું અધિગ્રહણ કરી શકે છે. હાલ જે વીજ ટાવર લાઇનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તે લોકહિત માટે નહીં પરંતુ વીજળીના વેપાર માટે હોવાનું તેમણે જણાવ્યું. તેમના જણાવ્યા મુજબ આ લાઇન દ્વારા વીજળી અન્ય દેશો સુધી પહોંચાડવાની યોજના છે. આવી સ્થિતિમાં સરકાર કોઈ ખાનગી કંપની માટે મધ્યસ્થી તરીકે કેમ કામ કરી રહી છે તે મોટો પ્રશ્ન છે.
ADVERTISEMENT

યુધવીર સિંહે જણાવ્યું કે જો કોઈ ખાનગી કંપનીને ખેડૂતોની જમીનની જરૂર હોય તો કંપનીએ સીધી ખેડૂતો સાથે ચર્ચા કરીને કરાર કરવો જોઈએ. જો સોદો બને તો ખેડૂત પોતાની ઇચ્છાથી જમીન આપે અને જો ન બને તો ન આપે. પરંતુ ખેડૂતોની મંજૂરી વગર ખેતરોની વચ્ચેથી વીજ ટાવર લાઇન પસાર કરવી યોગ્ય નથી. તેમણે સૂચન કર્યું કે આવી લાઇનો હાઇવે અથવા સરકારી રસ્તાઓની બાજુમાંથી લઈ જવી જોઈએ.
ADVERTISEMENT
તેમણે વધુમાં જણાવ્યું કે સરકાર જે રીતે વર્તન કરી રહી છે તેનાથી એવું લાગે છે કે સરકાર કંપનીઓની કમિશન એજન્ટ તરીકે કામ કરી રહી છે. સરકારે ખેડૂતોને બે ગણા વળતરની વાત કરી છે, જ્યારે વર્ષ 2013ના જમીન અધિગ્રહણ કાયદામાં સ્પષ્ટ જોગવાઈ મુજબ જાહેર હિત માટે જમીન લેવામાં આવે તો ચાર ગણું વળતર આપવાની જોગવાઈ છે. તેથી ખેડૂતો કાયદા મુજબ ચાર ગણા વળતરની માંગ કરી રહ્યા છે.
ADVERTISEMENT
યુધવીર સિંહે ચેતવણી આપી કે જો ખેડૂતોની મંજૂરી વગર વીજ ટાવર લાઇન નાખવાનો પ્રયાસ કરવામાં આવશે તો ભારતીય કિસાન યુનિયન ખેડૂતોની પડખે મજબૂતીથી ઊભી રહેશે. તેમણે જણાવ્યું કે આ મુદ્દો માત્ર ગુજરાત પૂરતો સીમિત નથી. વીજ ટાવર લાઇન અનેક રાજ્યોમાંથી પસાર થવાની હોવાથી દેશભરના ખેડૂતોને સંગઠિત કરીને આંદોલન કરવામાં આવશે અને જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી કંપનીને એક પણ ટાવર ઉભો કરવા દેવામાં નહીં આવે.
રાકેશ ટીકૈતે પણ દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરતા કહ્યું કે જ્યારે દેશમાં એક જ કરન્સી છે અને 'વન નેશન, વન ઇલેક્શન'ની વાત થાય છે ત્યારે હવે ખેડૂતો પણ 'વન નેશન, વન આંદોલન'નો માર્ગ અપનાવશે. જો ગુજરાત અથવા મોરબીમાં ખેડૂતો પર લાઠીચાર્જ કે દમન કરવામાં આવશે તો એ જ દિવસે હરિયાણા, ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત દેશના વિવિધ રાજ્યોમાં ખેડૂતો કલેક્ટર કચેરી, એસએસપી ઓફિસ અને પોલીસ સ્ટેશનોનો ઘેરાવ કરશે. તેમણે કહ્યું કે દેશના દરેક રાજ્યમાં ખેડૂતોના પ્રશ્નો સરખા છે અને હવે સમગ્ર દેશના ખેડૂતો એક પરિવારની જેમ લડશે.
પાટીદાર યુવા સેવા સંઘના પ્રમુખ મનોજ પનારાએ જણાવ્યું કે રાકેશ ટીકૈત, યુધવીર સિંહ અને તેમની ટીમે સૌપ્રથમ જેતપર છાવણીની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ મોરબીમાં યોજાયેલી મહાસભામાં ખેડૂતોને સંબોધ્યા હતા. તેમણે જણાવ્યું કે હવે ગુજરાત, ઉત્તર પ્રદેશ, હરિયાણા, બિહાર, દિલ્હી, મહારાષ્ટ્ર સહિત દેશના તમામ ખેડૂતો એક થઈને પોતાના પ્રશ્નો માટે લડશે.
મનોજ પનારાએ જણાવ્યું કે આગામી દિવસોમાં પણ ખેડૂતોની માંગને લઈને આ પ્રકારની સભાઓ અને કાર્યક્રમો ચાલુ રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વીજ ટાવર લાઇનના મુદ્દે ખેડૂતોને કાયદા મુજબ ચાર ગણું વળતર મળે તે માટે લડત વધુ તેજ બનાવવામાં આવશે. તેમણે માહિતી આપી કે આવતી 11મી તારીખે જેતપર છાવણી ખાતે મહારાષ્ટ્રના ખેડૂત નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ દેશના અન્ય રાજ્યોના ખેડૂત નેતાઓને પણ આમંત્રિત કરીને આંદોલનને વધુ મજબૂત બનાવવામાં આવશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે ખેડૂતોને કાયદા મુજબ ચાર ગણું વળતર મળે ત્યાં સુધી આ લડત યથાવત ચાલુ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.