બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર: વલસાડમાં ઓરંગા નદીમાં પૂર, ઉમરગામમાં 35.67 ઈંચ વરસાદ, 365 રસ્તા બંધ
10 ફોટો ગેલેરી
Last Updated: 08:10 AM, 23 July 2026
1/10
વલસાડ જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં શેઠીયા નગર વિસ્તારમાં જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ઓરંગા નદીમાં આવેલા પૂરના કારણે નદીનું પાણી સીધું શેઠીયા નગરમાં ઘૂસી ગયું છે. અનેક બિલ્ડિંગો એક માળ સુધી પાણીમાં ડૂબી ગયા છે અને વલસાડવાસીઓ ઘરમાં જ રહેવા મજબૂર બન્યા છે. ઓરંગા નદીના પ્રચંડ પ્રવાહ સામે તંત્ર પણ લાચાર બન્યું છે. છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લામાં સરેરાશ 23 ઇંચ વરસાદ નોંધાતા સમગ્ર જિલ્લો જળબંબાકાર બની ગયો છે.
2/10
વાપીમાં ભારે વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. વાપીમાં પડેલા 17 ઇંચ વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વાપીના હાર્દ સમા ગુંજન વિસ્તારમાં તેમજ આસપાસના અનેક રહેણાક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદ બાદ છરવાડા, અંબા માતા મંદિર અને નામધા વિસ્તારમાં પાણી ભરાયા હતા. પટેલ સમાજની વાડી પાસે પાર્કિંગમાં ઉભેલા વાહનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા, જ્યારે છરવાડાના કેટલાક એપાર્ટમેન્ટના અડધા પાર્કિંગ પાણીમાં ડૂબી જતા રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
3/10
ધરમપુરમાં 20 ઇંચથી વધુ વરસાદ પડતા ઓરંગા નદી ગાંડીતૂર બની ગઈ છે. ભારે વરસાદના કારણે વલસાડ પાસેથી પસાર થતી ઓરંગા નદીએ પોતાના કિનારા વટાવી દીધા છે. કાશ્મીરાનગર અને બરૂડિયાવાળ વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. અડધી રાત્રે વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર નદી કાંઠે પહોંચી ગયું હતું અને સાયરન વગાડીને લોકોને તાત્કાલિક પોતાના ઘર છોડવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. અસરગ્રસ્ત તમામ લોકોને રામલલા મંદિર ખાતે સુરક્ષિત રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
4/10
વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે કુલ 365 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. તાલુકાવાર જોવામાં આવે તો કપરાડા-65, ધરમપુર-65, વાંસદા-3, પારડી-74, નાના પોઢા-59, ઉમરગામ-25 અને વલસાડ-74 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. અનેક કોઝવે પાણીમાં ગરકાવ થતાં અવરજવર સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેક માર્ગો પર પાણી ફરી વળતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વહીવટી તંત્ર અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત નજર રાખી રહ્યું છે અને લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવાની અપીલ કરી છે.
5/10
ધરમપુરમાં 20 ઇંચથી વધુ વરસાદ બાદ ઓરંગા નદીમાં ભારે પૂર આવ્યું છે. વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓમાં જળસ્તર વધી ગયું છે. ઓરંગા નદીના પાણી વલસાડ શહેરમાં ઘૂસી ગયા છે અને નદી કિનારાના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સતત વરસાદને કારણે સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા વચ્ચે તંત્ર દ્વારા નદી કિનારાના વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.
6/10
ડાંગ જિલ્લામાં ભારે વરસાદના કારણે અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થતાં રસ્તાઓ બંધ થઈ ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે અને વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
7/10
તાપી જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. રાત્રિ દરમિયાન ડોલવણ તાલુકામાં મેઘરાજાએ ધમરોળી નાખતા નદી-નાળાઓમાં પાણીની ભરપૂર આવક થઈ છે. વ્યારા-ઉનાઈ નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર કોતરના ધસમસતા પાણી ફરી વળતાં ગડત ગામ નજીક વાહનવ્યવહાર ખોરવાયો હતો. આશરે એક કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી હતી અને અનેક વાહનચાલકો રસ્તા પર જ અટકી જવા મજબૂર બન્યા હતા.
8/10
વ્યારા શહેરના મિશન નાકા અને આયલ સર્કલ નજીક ભારે વરસાદ બાદ પાણી ભરાઈ ગયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતાં નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સ્થાનિકોએ તંત્ર વહેલી તકે અસરકારક કામગીરી કરે તેવી માંગ કરી છે.
9/10
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 213 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ઉમરગામમાં 35.67 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ કપરાડામાં 28.78 ઇંચ, નાનાપૌઢામાં 25.31 ઇંચ, ધરમપુરમાં 19.65 ઇંચ, પારડીમાં 17.64 ઇંચ, વાંસદામાં 17.13 ઇંચ, વાપીમાં 16.26 ઇંચ, વલસાડમાં 15.87 ઇંચ, ડોલવાણમાં 14.88 ઇંચ, વઘઈમાં 14.53 ઇંચ, ખેરગામમાં 14.09 ઇંચ, વાલોદમાં 10.08 ઇંચ, ઉમરપાડામાં 9.84 ઇંચ, વ્યારામાં 9.49 ઇંચ, અંબિકામાં 8.74 ઇંચ, પલસાણામાં 8.23 ઇંચ, ચિખલીમાં 7.91 ઇંચ, ગણદેવીમાં 7.72 ઇંચ, સોનગઢમાં 7.48 ઇંચ, જલાલપોરમાં 7.24 ઇંચ, મહુવામાં 7.09 ઇંચ, નવસારીમાં 6.93 ઇંચ, બારડોલીમાં 6.89 ઇંચ, ડાંગમાં 6.22 ઇંચ, સુરત શહેરમાં 5.04 ઇંચ, કામરેજમાં 4.84 ઇંચ અને ઉકાઈમાં 4.25 ઇંચ વરસાદ નોંધાયો છે.
10/10
દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરના કારણે જનજીવન પર વ્યાપક અસર પડી છે. વહીવટી તંત્ર દ્વારા સતત બચાવ અને રાહત કામગીરી કરવામાં આવી રહી છે. લોકોને નદી-નાળા, કોઝવે અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા, બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. આગામી કલાકોમાં પણ ભારે વરસાદની સંભાવના વચ્ચે સમગ્ર દક્ષિણ ગુજરાત હાઈ એલર્ટ પર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ