ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કડકડતી ઠંડીમાં ફોનની બેટરી જલદી કેમ થઈ જાય છે ડાઉન? જાણો કારણ અને બેટરી લાંબો સમય ટકાવી રાખવાની સરળ ટિપ્સ!
6 ફોટો ગેલેરી
Last Updated: 01:42 PM, 29 November 2026
1/6
ઠંડીની અસર માત્ર માણસો પર જ નહીં, પરંતુ સ્માર્ટફોન પર પણ પડે છે. ખાસ કરીને ફોનની બેટરીને ઓછા તાપમાનમાં વધારે તકલીફ થાય છે. અનેક લોકો 30થી 40 ટકા બેટરી બાકી હોવા છતાં ફોન બંધ થઈ જવાની સમસ્યા અનુભવે છે. આવી સ્થિતિમાં લોકોને લાગે છે કે ફોનની બેટરી ખરાબ થઈ ગઈ છે. જોકે તેની પાછળ ઠંડી પણ એક મોટું કારણ હોઈ શકે છે. મોટાભાગના સ્માર્ટફોનમાં લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ થાય છે. ઓછા તાપમાનમાં બેટરીની અંદર થતી રાસાયણિક પ્રક્રિયા ધીમી પડી જાય છે. આ કારણે બેટરીની કામગીરી પર અસર થાય છે. કેટલીક સરળ ટિપ્સ અપનાવીને શિયાળામાં પણ ફોનની બેટરી લાંબો સમય ટકાવી શકાય છે.
2/6
શિયાળામાં ફોનને લાંબા સમય સુધી ખુલ્લી જગ્યાએ રાખવાનું ટાળો. ખાસ કરીને બહાર જતી વખતે ફોનને પેન્ટના ખિસ્સા કે બેગમાં રાખવાને બદલે જેકેટ અથવા કોટના અંદરના ખિસ્સામાં રાખવો વધુ સારું છે. શરીરની ગરમીને કારણે ફોનનું તાપમાન સામાન્ય રહેવામાં મદદ મળે છે. વધારે ઠંડીમાં ફોનનો ઉપયોગ કરવાનું પણ શક્ય હોય ત્યાં સુધી ટાળો. આ રીતે બેટરી પર ઠંડીની અસર ઓછી કરી શકાય છે.
ADVERTISEMENT
3/6
જો તમારે લાંબા સમય સુધી ઘરની બહાર રહેવાનું હોય અને ફોનમાં બેટરી ઓછી હોય તો બેટરી સેવર મોડ ચાલુ કરી દો. આ મોડ ચાલુ કરવાથી બેકગ્રાઉન્ડમાં ચાલતી કેટલીક એપ્સ અને અન્ય એક્ટિવિટી ઓછી થઈ જાય છે. તેના કારણે બેટરીનો વપરાશ ઘટે છે અને ફોન વધારે સમય સુધી ચાલુ રહી શકે છે. ખાસ કરીને મુસાફરી દરમિયાન અથવા ફોન ચાર્જ કરવાની સુવિધા ન હોય ત્યારે આ ફીચર ઉપયોગી સાબિત થઈ શકે છે.
4/6
સ્માર્ટફોનની સ્ક્રીન બેટરીનો વધારે વપરાશ કરે છે. જો ફોનની બ્રાઇટનેસ સતત વધારે રાખવામાં આવે તો બેટરી ઝડપથી ઉતરી શકે છે. તેથી જરૂરિયાત પ્રમાણે સ્ક્રીનની બ્રાઇટનેસ ઓછી રાખો. આ ઉપરાંત સ્ક્રીન ટાઇમઆઉટ પણ ઓછો કરી દો, જેથી ફોનનો ઉપયોગ બંધ કર્યા પછી સ્ક્રીન લાંબા સમય સુધી ચાલુ ન રહે. આ નાની આદતથી પણ બેટરી બચાવવામાં મદદ મળી શકે છે.
ADVERTISEMENT
5/6
શિયાળામાં લાંબી મુસાફરી કે નવી જગ્યાએ જવાનું હોય તો રસ્તો શોધવા માટે વારંવાર ઇન્ટરનેટ અને લોકેશનનો ઉપયોગ કરવો પડે છે. તેના કારણે પણ બેટરીનો વપરાશ વધી શકે છે. આ સમસ્યાથી બચવા માટે મુસાફરી શરૂ કરતાં પહેલાં ગૂગલ મેપ્સમાં જે જગ્યાએ જવાનું હોય તેનો ઓફલાઇન મેપ ડાઉનલોડ કરી લો. ત્યારબાદ જરૂર પડે ત્યારે ઇન્ટરનેટ વગર પણ ડાઉનલોડ કરેલા વિસ્તારનો નકશો જોઈ શકશો. તેનાથી મુસાફરી દરમિયાન બેટરી બચાવવામાં મદદ મળશે.
6/6
જો લાંબા સમય સુધી ઠંડીમાં રહેવાને કારણે ફોન વધારે ઠંડો થઈ ગયો હોય તો તેને તરત ચાર્જિંગમાં ન લગાવો. પહેલાં ફોનને સામાન્ય તાપમાનમાં આવવા દો અને ત્યારબાદ ચાર્જ કરો. ફોનને ઝડપથી ગરમ કરવા માટે હીટર કે અન્ય ગરમ વસ્તુની નજીક પણ ન રાખો. આ ઉપરાંત લાંબા સમય સુધી ઘરની બહાર રહેવાનું હોય તો સાથે પાવર બેંક રાખવી ફાયદાકારક છે. જરૂર પડે ત્યારે ફોન ચાર્જ કરી શકશો. જો સામાન્ય તાપમાનમાં પણ બેટરી ઝડપથી ઉતરતી હોય તો ફોનની બેટરી હેલ્થ ચેક કરાવવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ