બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદ / Since the last 3 years many projects in Gujarat have been stalled due to tender cancellations

મોટી મોટી વાતો / ગુજરાતમાં 3 વર્ષથી અટકેલા ટેન્ડરની દેખરેખમાં સીતા રામ ભજો, આ કેન્સલ પ્રોજેક્ટ ખાય છે ચાડી

Vishal Khamar

Last Updated: 07:46 PM, 20 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ફર્મેશન એન્ડ ટેકનોલોજી ક્ષેત્રમાં ગુજરાતનો વિકાસ થાય તે માટે સરકાર દર પાંચ વર્ષે આઈટી પોલીસી લાવતી હોય છે. આવી સ્થિતિમાં છેલ્લા ત્રણ વર્ષથી આઈટી-કમ્પ્યુટરની ખરીદીના ટેન્ડરો જ ક્લિયર થતા નથી. આઈટી-કમ્પ્યુટરની ખરીદી માટેના ટેન્ડરો બહાર પડે છે, કોઈ કારણો વગર કેન્સલ થઈ જાય છે, લાગેલા ટેન્ડરો અપાતા નથી અને તે પણ કોઈ કારણો વગર રદ થઈ રહ્યા છે. જેને લઈને દેશ વિદેશની કંપનીઓને હવે ગુજરાતમાં બિઝનેસ કરવામાંથી રસ ઘટી રહ્યો છે.

સંજય વિભાકર, ગાંધીનગર

ગુજરાતના કોઈપણ ડીપાર્ટમેન્ટને આઈટી-સોફ્ટવેરની એક કરોડથી વધુની ખરીદી કરવી હોય તો જીઆઈએલ-ગુજરાત ઈન્ફર્મેશન લિ. પાસેથી કરવી પડે છે. જીઆઈએલ   સાયન્સ એન્ડ ટેકનોલોજી હેઠળ આવે છે.જીઆઈએલ દ્રારા જે તે ડીપાર્ટમેન્ટની માગણીને લઈને ટેન્ડર બહાર પાડવામાં આવે છે. અંતે SPC-IT સેક્રેટરી પરચેઝ કમિટી,ઈન્ફર્મેશન એન્ડ ટેકનોલોજીમાં જે તે ટેન્ડરને મંજૂર કે નામંજૂર કરવામાં આવે છે. આ કમિટીમાં મુખ્ય સચિવ, એડિશનલ ચીફ સેક્રેટરી તથા જે તે ડીપાર્ટમેન્ટના વડા સહિતના અન્ય ઉચ્ચ અધિકારીઓ હોય છે. 

1 નિર્ભયા પ્રોજેક્ટઃ 

દિલ્હીમાં નિર્ભયાકાંડ બાદ કેન્દ્ર સરકારે મહિલાઓ-બાળકીઓના રક્ષણ માટે દરેક રાજ્યોમાં સીસીટીવી સર્વેલન્સની વ્યવસ્થા ઉભી કરવા માટે એક ફંડ બનાવ્યુ હતુ. જેમાંથી દરેક રાજયને ચોક્કસ રકમ આપવામાં આવે છે. ગુજરાતને પણ આ ફંડ હેઠળ 200 કરોડ મળ્યા હતા. જેને લઈને હોમ ડીપાર્ટમેન્ટ દ્રારા અમદાવાદના સંવેદનશીલ ગણાતા રિવર ફ્રન્ટમાં સીસીટીવી સર્વેલન્સ કરવા માટે સપ્ટેમ્બર,2019માં ટેન્ડર બહાર પાડ્યુ હતુ. એક જ વર્ષમાં આ ટેન્ડર ત્રણ વખત કેન્સલ થયુ હતુ. આખરે 2020 માર્ચમાં ટેન્ડર ભરાયુ હતુ. દેશની મોટી મોટી કંપનીઓએ આ ટેન્ડર ભર્યુ હતુ. જેમાં કોઈપણ કારણો આપ્યા વગર ભારત સરકારની ભારત ઈલેક્ટ્રિકલ લિ.ને ટેન્ડરમાંથી ડીસ્ક્વોલીફાઈ કરાઈ હતી. જેના સંદર્ભમાં કંપનીએ સરકારમાં લેખિતમાં ફરિયાદ પણ કરી હતી. ટેન્ડરમાં એક કંપનીએ 175 કરોડ ભર્યા હતા. જ્યારે અન્ય કંપનીએ 213 કરોડ ભર્યા હતા. આ ટેન્ડરમાં QCBS- QUALITY COST BASED SYSTEM હતી. એટલે કે,પ્રેઝન્ટેશનના 70માર્કસ અને પ્રાઈઝના 30 માર્કસ રખાયા હતા. બન્ને માર્કસનો સરવાળો કરીને સૌથી વધુ માર્કસ મેળવે તેને ટેન્ડર આપવાનુ હતુ. પ્રેઝન્ટેશનમાં સૌથી ઓછો ભાવ ભરનારી કંપની કરતા વધુ ભાવ ભરનારી કંપનીને માત્ર અડધો ટકો માર્કસ વધુ અપાયો હતો. આ રીતે 34 કરોડ વધુ ભરનારી કંપનીને અડધો માર્કસ વધુ આપીને એલ-1 જાહેર કરાઈ હતી. ખુબ જ વિવાદ થતા સરકારે કંપનીને 10 કરોડ ઘટાડવાની ફરજ પાડ્યા બાદ 2022માં 203   કરોડમાં આ ટેન્ડર આપી દીધુ હતુ. શરતો મુજબ માર્ચ 2022માં જ કંપનીને 10 ટકા લેખે 20 કરોડ એડવાન્સ પણ અપાયા હતા. આમછત્તા હજુ સુધી કંપની દ્રારા કામ શરૂ કરાયુ નથી. 

ફાઈલ ફોટો

2 પોલીસ સીસીટીવી પ્રોજેક્ટઃ 

ભૂતકાળમાં કેટલાય પોલીસ સ્ટેશનોમાં નિર્દોષ નાગરીકો પર ટોર્ચરીંગ કરાયુ હતુ. કેટલાય આરોપીઓના તો પોલીસ લોકઅપમાં જ મોત થયા હતા. જેથી લોકોએ પોલીસ સામે બળાપો કાઢી આક્ષેપો કર્યા હતા. જેને લઈને સુપ્રિમ કોર્ટમાં જાહેર હીતની અરજી થઈ હતી. સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો હતો કે દરેક પોલીસ સ્ટેશનમાં, લોકઅપ રૂમમાં અને દરેક જગ્યાએ સીસીટીવીથી સર્વેલન્સ થવુ જોઈએ. આદેશ મુજબ પોલીસ સ્ટેશનોમાં મુકાયેલા સીસીટીવીનુ રેકોર્ડીંગ 18 મહિના સુધી રાખવાનુ ફરજીયાત છે. આ સંદર્ભમાં સર્વોચ્ચ અદાલતે ગાઈડલાઈન આપી હતી.જેનો અમલ અન્ય કેટલાય રાજ્યોમાં થઈ ગયો છે. ગુજરાતમાં માર્ચ-2022માં પહેલી વખત આનુ ટેન્ડર બહાર પડાયુ હતુ. જે કોઈ કારણો વગર જ પાછું ખેંચાયુ હતુ. થોડા મહિનાઓ બાદ જીઆઈએલની વેબસાઈટ પર સુધારા વધારા સાથે ફરીથી આ ટેન્ડર બહાર પડ્યુ હતુ.જો કે, અજ્ઞાત કારણોસર માત્ર ત્રણ કલાકમાં જ આ ટેન્ડરને પાછું ખેંચાયુ હતુ. ત્યાર બાદ તેમાં અનેક સુધારા કરીને ફરીથી 300 કરોડની કીંમતનુ આ ટેન્ડર ફેબ્રુઆરી 2023માં બહાર પડાયુ હતુ. ટેન્ડરની શરતોને લઈને જૂદી જૂદી કંપનીઓ દ્રારા ગૃહ ખાતામાં અને ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ વિભાગમાં 250થી વધુ વાંધાઓ લેખિતમાં રજૂ કરાયા હતા. આમછત્તા તેમાં કોઈ પ્રકારના સુધારા કરાયા નહોતા. જેમાં ખાસ કરીને એક વાંધો એવો હતો કે, ટેન્ડરમાં ચોક્કસ કંપની સેટ થાય તે પ્રકારના સ્પેસિફિકેશન રખાયા છે. જેને લઈને ટેન્ડર ભરાયાના પાંચ મહિના સુધી ટેન્ડર પર કોઈ કાર્યવાહી થઈ નહોતી. ઉપરાંત સાયન્સ એન્ડ ટેકનોલોજીના આઈએએસ અધિકારી વિજય નહેરાએ આ ટેન્ડરને SPC-IT કમિટીમાં લઈ જવાનો ઈન્કાર કર્યો હતો.આખરે રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે આ ટેન્ડરની ફાઈલ મોકલાઈ હતી. જ્યાં ચાર મહિના સુધી ફાઈલ પડી રહી હતી.છેલ્લે એટલે કે એકાદ મહિના પહેલા ટેન્ડરમાં સુધારા વધારા કરીને ફરીથી બહાર પડાયુ છે. જે કેટલીક કંપનીઓએ ભર્યુ છે. ટેન્ડરની પ્રોસિજર હજુ ચાલુ છે ક્યારે પૂરી થશે તેની કોઈને ખબર નથી.

ફાઈલ ફોટો

3 વિશ્વાસ-2 પ્રોજેક્ટઃ

સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી લગાવવા માટે અગાઉ વિશ્વાસ ફેઝ-1 ટેન્ડર બહાર પડ્યુ હતુ. જ્યારે ડીસેમ્બર 2022માં અમદાવાદ, સુરત અને વડોદરાના લોકેશન માટે વિશ્વાસ ફેઝ-2નુ 250 કરોડની કીંમતનુ ટેન્ડર બહાર પડ્યુ હતુ.   આ પ્રોજેક્ટ હેઠળ સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી લગાવવાના છે. 300 કરોડનુ આ ટેન્ડર ચાર ભાગમાં છે. જેમાં વાહનોની નંબર પ્લેટનુ સ્કેનિંગ, નિયમોનો ભંગ કરનારની ઘરે ચલણ આવી જાય, વગેરે હેતુ માટે આ ટેન્ડર જારી કરાયુ હતુ. છેલ્લા દોઢ વર્ષથી આ ટેન્ડર ચાલી રહ્યુ છે. ટેન્ડર ભરાયાના એક વર્ષ બાદ મુખ્યમંત્રીની કડક સૂચના બાદ એક મહિનો પહેલા SPC-IT કમિટીની બેઠકમાં આ ટેન્ડર આપવાનો નિર્ણય કરાયો હતો. તેમજ વર્કઓર્ડર આપી દેવાયા છે. જો કે, આશ્ચર્યની વાત એ છે કે, વિશ્વાસ ફેઝ-1ને આગળ વધારવા માટે અમુક વસ્તુઓની જરૂર હતી. જેથી એક કંપનીને આ કામ 30 કરોડમાં સોંપાયુ છે. કમિટીએ પણ મંજૂરી આપી દીધી છે. છત્તા હોમ ડીપાર્ટમેન્ટ દ્રારા હજુ વર્કઓર્ડર અપાયો નથી. જ્યાં સુધી અપગ્રેડેશનનુ આ કામ નહી થાય ત્યાં સુધી આખુ ટેન્ડર અટવાયેલુ રહેવાનુ છે.

ફાઈલ ફોટો

4 SICN- સચિવાલય ઈન્ટીગ્રેટેડ કોમ્યુનિકેશન સીસ્ટમઃ

સચિવાલયની વિવિધ ઓફિસોની અંદર લેન્ડલાઈન ટેલિફોનના અત્યાધુનિક ઈન્સ્ટ્રુમેન્ટ લગાવવા માટેનુ ટેન્ડર સૌ પ્રથમ 2017માં આવ્યુ હતુ. આ ટેન્ડર છેલ્લા પાંચ વર્ષથી નિકળી રહ્યુ છે. આ ટેન્ડર ત્રણ વખત કેન્સલ થયુ છે અને ત્રણ વખત ભરાયુ છે. ફેબ્રુઆરી 2022માં આ ટેન્ડર ફરીથી આવ્યુ હતુ. જેની 80 કરોડની કીંમત હતી. કેટલીક કંપનીઓએ ટેન્ડર ભર્યુ હતુ. આખરે એલ-1 કંપનીને ટેન્ડર આપવાનુ નક્કી કરાયુ હતુ. જો કે, ત્યાર બાદ પણ કંપનીને બોલાવીને ભાવ ઘટાડવાની ફરજ પડાઈ હતી. ભાવ ઘટાડ્યાના બે મહિના સુધી કંપનીને વર્કઓર્ડર અપાયો નહોતો. આખરે કોઈ કારણો વગર જ ચારેક મહિના પહેલા આ ટેન્ડરને પણ રદ કરી દેવયુ હતુ. 

5 ઓબ્જેક્ટ સ્ટોરેજઃ

સાયન્સ એન્ડ ટેકનોલોજી ડીપાર્ટમેન્ટ દ્રારા પોતાના ડેટા સેન્ટરમાં સ્ટોરેજ કેપિસીટી વધારવા માટે 15 કરોડની કીંમતનુ ઓબ્જેક્ટ સ્ટોરજનુ ટેન્ડર એક વર્ષ પહલા બહાર પડાયુ હતુ. ટેન્ડરની તમામ પ્રોસીજર પૂર્ણ થયા બાદ કંપનીનો વર્કઓર્ડર કઢાયો નહોતો. ફરીથી એલ-1 કંપનીને બોલાવીને ભાવ ઘટાડો કરવાની ફરજ પડાઈ હતી. ભાવ ઘટાડ્યાના એક મહિનો સુધી કોઈ કાર્યવાહી કરાઈ નહોતી. એટલુ જ નહી, આ ટેન્ડરને પણ કેન્સલ કરી દેવાયુ હતુ. અહીં મહત્વનુ એ છે કે, SICN અને ઓબ્જેક્ટ સ્ટોરજના ટેન્ડરને મંજૂર કે નામંજૂર કરવા માટે SPC-IT કમિટીમાં લાવવા જરૂરી હતી. પરંતુ બન્ને ટેન્ડરોનો નિર્ણય આ કમિટીમાં કરાયો નહોત. તેમજ જીઆઈએલને આ ટેન્ડરોને રદ કરવાનો મૌખિક આદેશ અપાયો હતો. જ્યારે જીઆઈએલના અધિકારીઓએ કેન્સલ કરવાનુ કારણ શું લખવુ તેવુ પૂછ્યુ તો ઉચ્ચ અધિકારીએ કહ્યુ કે, રી ટેન્ડરમાં ભાવ ઓછા થવાની શક્યાતા હોવાનુ લખી દો.

ફાઈલ ફોટો

6 ડેટા સેન્ટરનુ એન્ટી વાઈરસનુ સોલ્યુશનઃ

ડેટા સેન્ટરમાં એન્ટી વાઈરસ સોલ્યુશન લગાવવાનુ હોવાથી 2022માં તેનુ ટેન્ડર નિકળ્યુ હતુ. જો કે, ત્રણ કંપનીઓએ ટેન્ડર ભર્યુ હતુ. પરંતુ ત્રણેય કંપનીએ માત્ર એક જ કંપનીની પ્રોડક્ટ ભરી હતી.આખરે એલ-1 કંપનીને આ ટેન્ડર નેગોસિયેશન બાદ રૂ.21 કરોડમાં આપવાનુ નક્કી કરાયુ હતુ. ફાઈલ જ્યારે મંજૂરી માટે SPC-IT કમિટીમાં આવી ત્યારે ખબર પડી કે, ત્રણેય કંપનીઓએ એક જ પ્રોડક્ટ ભરી હતી. આથી આ ટેન્ડરને પણ હોલ્ડ પર મુકાયુ હતુ. ત્યાર બાદ સાયન્સ એન્ડ ટેકનોલોજીના સચિવ વિજય નહેરાની દીલ્હી બદલી થઈ હતી. તેમનો ચાર્જ પ્રિન્સિપલ સેક્રેટરી મોના ખંધારને અપાયો છે. એક મહિના પહેલા SPC-IT કમિટીની બેઠક મળી હતી. જેમાં જીઆઈએલના અધિકારીઓએ મેડમને સમજાવ્યુ હતુ કે,આ ટેન્ડરમાં જે આપણે જે પ્રોડકટ 21 કરોડમાં લઈ રહ્યા છીએ તે માત્ર છ કરોડમાં જ મળે છે. આવુ સાંભળીને મેડમે આ ટેન્ડરને તુરંજ રદ કરવાનો આદેશ કર્યો હતો.
આમ, છેલ્લા ત્રણેક વર્ષ દરમિયાન આઈટી-ક્મ્પ્યુટરોની ખરીદીનુ એક પણ ટેન્ડર સફળતાપૂર્વક ક્લિયર થયુ નથી. જેમાં મોટાભાગના ટેન્ડરો હોમ ડીપાર્ટમેન્ટના છે.   

અજય ચૌધરી (જેસીપી, અમદાવાદ)

વધુ વાંચોઃ ગુજરાતના રાજકારણમાં નવા પક્ષની એન્ટ્રીથી હડકંપ, મોટી વૉટબેંક ટાર્ગેટ થતું નામ રખાયું

ટેન્ડરના સંદર્ભમા કોઈ અધિકારી કશુ બોલવા માગતા નથી

છેલ્લા ત્રણ વર્ષથી વિવિધ ડીપાર્ટમેન્ટના આઈટી-કમ્પ્યુટરની ખરીદી માટેના ટેન્ડરો કેમ રદ થઈ રહ્યા છે, તે અંગે સરકારના કોઈ અધિકારી સત્તાવાર રીતે કશુ બોલવા તૈયાર નથી. જીઆઈએલની સત્તાવાર વેબસાઈટ પરથી પણ આ ટેન્ડરની કોઈ વિગતો મળતી નથી. જીઆઈએલના એમડી તુષાર ભટ્ટનો સંપર્ક સાધવાના પ્રયાસો કર્યા હતા પરંતુ તેઓ કશુ બોલવા તૈયાર નથી. આ અંગે તેમને કેટલાક પ્રશ્નો પણ મોકલાવ્યા છે છત્તા તેઓ જવાબ આપતા નથી. જ્યારે નિર્ભયા પ્રોજેક્ટનો અમલ કેમ નથી થઈ રહ્યો તે અંગે અમદાવાદની પોલીસ કમિશનરની કચેરીમાં ફરજ બજાવતા વાઈરલેસ ઓફિસર કુમાર ચાંદાના જણાવે છે કે, આ પ્રોજેક્ટનુ કામ જોઈન્ટ સીપી અજયકુમાર ચૌધરી સંભાળે છે તેમને પૂછો. જ્યારે અજયકુમાર ચૌધરીનો સંપર્ક કરવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ તેઓએ ફોન ઉઠાવવાની તસ્દી લીધી નહોતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ