બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / હવાઈ મુસાફરોની આશા પર પાણી ફરી વળ્યું, 60% ફ્રી સીટ આપવાનો સરકારનો નિર્ણય અચાનક સ્થગિત
Last Updated: 01:27 AM, 3 April 2026
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્સ કંપનીઓ માટે દરેક ફ્લાઇટમાં 60% સીટો મફત આપવાના પોતાના અગાઉના આદેશને સ્થગિત કરી દીધો છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ (FIA) એ આ નિયમ સામે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે તેનાથી એરલાઇન્સના બિઝનેસ મોડલ અને આવક પર માઠી અસર પડશે. એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના વધતા ભાવ અને સંચાલન ખર્ચને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. આનો અર્થ એ છે કે વેબ ચેક-ઇન દરમિયાન વિન્ડો સીટ કે અન્ય મનપસંદ સીટ માટે મુસાફરોએ અગાઉની જેમ જ એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે.
ADVERTISEMENT

આ સમગ્ર વિવાદની વિગતો મુજબ, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મુસાફરોની ફરિયાદોને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્દેશ જાહેર કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે એરલાઇન્સે દરેક ઉડાનમાં ઓછામાં ઓછી 60% બેઠકો મફત રાખવી પડશે, જેથી મુસાફરો કોઈપણ વધારાના શુલ્ક વગર સીટ પસંદ કરી શકે. સામાન્ય રીતે જ્યારે કોઈ મુસાફર ઓનલાઈન ટિકિટ બુક કરે છે અથવા વેબ ચેક-ઇન કરે છે, ત્યારે એરલાઇન્સ કંપનીઓ વિન્ડો સીટ કે પ્રિફર્ડ સીટ માટે અલગથી પૈસા વસૂલે છે. સરકારના આ 60% વાળા નિયમથી મુસાફરોને આર્થિક ફાયદો થવાનો હતો, પરંતુ હવે તે હાલ પૂરતો અટકી ગયો છે.
ADVERTISEMENT

એરલાઇન્સ કંપનીઓની સંસ્થા ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ (FIA) જેમાં ઇન્ડિગો, એર ઇન્ડિયા, સ્પાઇસ જેટ અને અકાસા એર જેવી દિગ્ગજ કંપનીઓ સામેલ છે, તેમણે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. કંપનીઓનું કહેવું છે કે જો 60% સીટો મફત કરી દેવામાં આવે તો તેમના ફેર સ્ટ્રક્ચર (ભાડાના માળખા) પર ભારે દબાણ આવશે. ખાસ કરીને હાલના સમયમાં જ્યારે એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે વિમાનના ઇંધણના ભાવ આસમાને છે, ત્યારે આટલી મોટી સંખ્યામાં ફ્રી સીટ આપવી તે આર્થિક રીતે પાલવે તેમ નથી. આ રજૂઆત બાદ મંત્રાલયે સ્વીકાર્યું છે કે આ નીતિની પુનઃ સમીક્ષા કરવી જરૂરી છે.
ADVERTISEMENT
મંત્રાલયે પોતાના તાજેતરના આદેશમાં જણાવ્યું છે કે એરલાઇન્સ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ, ખાસ કરીને ખર્ચ અને આવક પર થતી અસરને જોતા આ નીતિને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવે છે. મંત્રાલય હવે આ બાબતે વિસ્તૃત સમીક્ષા કરશે અને ત્યારબાદ જ અંતિમ નિર્ણય લેશે. ત્યાં સુધી એરલાઇન્સ કંપનીઓ પોતાની જૂની પદ્ધતિ મુજબ મનપસંદ સીટ માટે ચાર્જ વસૂલવાનું ચાલુ રાખી શકશે. જે મુસાફરો પૈસા ચૂકવવા નથી માંગતા, તેમણે 'ઓટો-અસાઇન' વિકલ્પ પસંદ કરવો પડશે, જેમાં સિસ્ટમ દ્વારા આપોઆપ કોઈપણ ખાલી સીટ ફાળવી દેવામાં આવશે.
આ પણ વાંચોઃ કચ્છ-સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા
ADVERTISEMENT
છેલ્લા કેટલાક મહિનાઓથી એરલાઇન્સ ઉદ્યોગ ભારે દબાણમાં છે. એક તરફ મુસાફરો સસ્તી મુસાફરી અને સુવિધાઓની માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ એરલાઇન્સ કંપનીઓ વધતા ઓપરેશનલ ખર્ચને કારણે મુશ્કેલીમાં છે. સરકારના આ નવા વળાંકથી એરલાઇન્સને તો કામચલાઉ રાહત મળી છે, પરંતુ હવાઈ મુસાફરોમાં નિરાશા જોવા મળી રહી છે. મુસાફરોનું માનવું છે કે વેબ ચેક-ઇન દરમિયાન સીટના નામે લેવાતા વધારાના ચાર્જથી તેમના પ્રવાસનું બજેટ બગડે છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર સમીક્ષા બાદ મુસાફરો અને એરલાઇન્સ વચ્ચે સંતુલન કેવી રીતે જાળવી રાખે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.