બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હોસ્પિટલમાં ગર્ભાશયના ઓપરેશન બાદ મહિલાના મોતને લઈને પરિવારના ગંભીર આક્ષેપ, ડોક્ટરો સામે કાર્યવાહીની માંગ

રાજકોટ / હોસ્પિટલમાં ગર્ભાશયના ઓપરેશન બાદ મહિલાના મોતને લઈને પરિવારના ગંભીર આક્ષેપ, ડોક્ટરો સામે કાર્યવાહીની માંગ

Published By: Nidhi Panchal

Last Updated: 11:59 AM, 3 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટની ખાનગી બાલાજી હોસ્પિટલમાં મહિલાના મોત બાદ વિવાદ સર્જાયો છે. પરિવારજનોએ સારવાર દરમિયાન બેદરકારીના ગંભીર આક્ષેપો કર્યા છે, જ્યારે હોસ્પિટલ તરફથી તમામ પ્રક્રિયા નિયમ મુજબ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

રાજકોટની ખાનગી બાલાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાના મોતને લઈને વિવાદ ઊભો થયો છે. ડિમ્પલબેન પોબારૂના મોત બાદ તેમના પરિવારજનોએ હોસ્પિટલ અને સારવાર કરનાર ડોક્ટર સામે ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે. પરિવારના જણાવ્યા મુજબ ગર્ભાશયની કોથળીના ઓપરેશન દરમિયાન યોગ્ય સારવાર આપવામાં આવી ન હોવાથી દર્દીની સ્થિતિ ગંભીર બની હતી. સમગ્ર મામલે પરિવારજનોએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરીને જવાબદાર ડોક્ટરો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

rajkot

મૃતકના પુત્ર યશેશ પોબારૂએ આક્ષેપ કર્યો છે કે ડો. કવિતાબેન લાડાણીએ ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કર્યું હતું. ઓપરેશન દરમિયાન દર્દીની સ્થિતિ ગંભીર બનતા સર્જનને હોસ્પિટલમાં બોલાવવાની જગ્યાએ ફોન પર સલાહ લઈને ઓપરેશન આગળ વધારવામાં આવ્યું હોવાનો પરિવારનો દાવો છે. વધુમાં પરિવારનો આક્ષેપ છે કે ઓપરેશન બાદ દર્દીની પલ્સ વધી ગઈ હોવા છતાં ડોક્ટરની જગ્યાએ નર્સ દ્વારા સારવાર આપવામાં આવી હતી, જેના કારણે તેમની માતાની તબિયત વધુ લથડી હતી. સ્થિતિ વધુ ગંભીર બનતા તેમને ઓલમ્પસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 12 કલાકની સારવાર બાદ તેમનું મોત થયું હતું. પરિવારે એવો પણ દાવો કર્યો છે કે ઓલમ્પસ હોસ્પિટલનું બિલ બાલાજી હોસ્પિટલ દ્વારા ચૂકવવામાં આવ્યું હતું.

હોસ્પિટલ તરફથી વેન્ટિલેટર પર રાખવાની જરૂર હોવાનું જણાવાયું

યશેશ પોબારૂના જણાવ્યા મુજબ હોસ્પિટલ તરફથી તેમને કહેવામાં આવ્યું હતું કે દર્દી તેમની પાસે પહેલેથી જ ક્રિટિકલ હાલતમાં આવ્યા હતા. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે સાંજે હોસ્પિટલ તરફથી વેન્ટિલેટર પર રાખવાની જરૂર હોવાનું જણાવાયું હતું, પરંતુ પરિવારની મંજૂરી લીધા વગર જ દર્દીને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા અને CPR પણ આપવામાં આવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ રાત્રે લગભગ 9:30 વાગ્યે દર્દીના ધબકારા બંધ થઈ ગયા હતા અને લગભગ 11:20 વાગ્યા સુધી ડોક્ટરોએ પ્રયાસ કર્યા છતાં ધબકારા પાછા આવ્યા નહોતા. પરિવારનો દાવો છે કે હોસ્પિટલની બેદરકારીને કારણે જ તેમની માતાનું મૃત્યુ થયું છે.

બીજી તરફ સમગ્ર મામલે વિવાદ વધતા બાલાજી હોસ્પિટલના ડો. કવિતા લાડાણી મીડિયા સમક્ષ આવ્યા હતા. તેમણે પરિવારના તમામ આક્ષેપોને નકારી કાઢતાં જણાવ્યું કે દર્દી 27 તારીખે હોસ્પિટલમાં દાખલ થયા હતા અને 28 તારીખે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 29 તારીખે દર્દીની નાડી અને ધબકારા વધી ગયા હતા તેમજ છાતીમાં ગંભીર સમસ્યા જોવા મળી હતી. ડોક્ટરના જણાવ્યા મુજબ તેમણે પરિવારજનોને અન્ય નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવાની જરૂરિયાત અંગે અગાઉથી જાણ કરી હતી.

ઓપરેશન દરમિયાન ફોન દ્વારા કોઈ ઓપરેશન કરવામાં આવ્યું નથી

ડો. કવિતા લાડાણીએ સ્પષ્ટતા કરી કે ઓપરેશન દરમિયાન ફોન દ્વારા કોઈ ઓપરેશન કરવામાં આવ્યું નથી અને પરિવારનો આક્ષેપ ખોટો છે. તેમણે જણાવ્યું કે ઓપરેશન પહેલાં દર્દીને હૃદય સંબંધિત કોઈ તકલીફ નહોતી. સાથે જ તેમણે ઓલમ્પસ હોસ્પિટલનું બિલ બાલાજી હોસ્પિટલ દ્વારા ચૂકવવામાં આવ્યું હોવાનો દાવો પણ નકાર્યો હતો. ડોક્ટરના જણાવ્યા મુજબ ઓપરેશન પહેલાં પરિવારજનોની લેખિત મંજૂરી લેવામાં આવી હતી અને તે સંબંધિત તમામ દસ્તાવેજો હોસ્પિટલ પાસે ઉપલબ્ધ છે, જે પોલીસને પણ આપવામાં આવશે. તેમણે કહ્યું કે આવા ગંભીર જટિલ કેસો બહુ ઓછા જોવા મળે છે અને દર્દીના મોતથી તેમને પણ ખૂબ દુઃખ થયું છે.

આ પણ વાંચો : ખેડામાં દિવાલ ધરાશાયી થતાં સાસુ-વહુના મોત, ભાવનગરમાં બે માળનું જર્જરિત મકાન તૂટી પડ્યું

હાલ સમગ્ર મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો છે અને પરિવારજનોએ જવાબદાર ડોક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. બીજી તરફ હોસ્પિટલ સંચાલન અને સારવાર કરનાર ડોક્ટરોએ પોતાના પર લાગેલા તમામ આક્ષેપોને ફગાવી દીધા છે. હવે પોલીસ તપાસ અને સંબંધિત દસ્તાવેજોની ચકાસણી બાદ સમગ્ર ઘટનાની હકીકત સામે આવશે. આ ઘટનાએ ખાનગી હોસ્પિટલોમાં સારવારની પ્રક્રિયા અને દર્દીઓની સુરક્ષા અંગે ફરી એકવાર અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Balaji Hospital Rajkot Hospital News Medical Negligence

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ