surat crime news : સુરત શહેરના વરાછા વિસ્તારમાં કોસ્મેટિકના વેપારીની હત્યા મામલે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના વરાછામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો
નજીવી બાબતે અદાવત રાખી યુવકની કરાઈ હતી હત્યા
પોલીસે ત્રણ આરોપીઓને દબોચી વધુ તપાસ હાથ ધરી
સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઘનશ્યામ નગર ખાતે નજીવી બાબતે અદાવત રાખી એક યુવકની હત્યા કરવામાં આવી હતી. કોસ્મેટિકના વેપારીએ તેની દુકાન પાસે એક યુવકને સિગારેટ ન પીવા બાબતે ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખી યુવકે તેના ગુંડાતત્વોને બોલાવી ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી. બનાવના પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણ આરોપીઓને દબોચી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકની તસવીર
સુરતમાં હત્યાની ઘટના
સુરતમાં વર્તમાનમાં સામાન્ય બાબતોમાં હત્યાના બનાવો વધી રહ્યાં છે. શહેરના વરાછા વિસ્તારમાંથી વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ઘનશ્યામ નગર ખાતે કોસ્મેટિકની દુકાન ચલાવનાર વેપારી બોબી યાદવ નામના યુવકની હત્યા કરાઈ હતી. અજાણ્યા ઇસમો દ્વારા ઝઘડો કર્યા બાદ ચપ્પુ વડે બોબી યાદવ પર હુમલો કરી ફરાર થઈ ગયા હતા. જેમાં લોહીથી લથપથ બોબી યાદવને તેના ભાઈ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે સારવાર પહેલા જ ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો.
પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ
બનાવની જાણ થતા વરાછા પોલીસનો ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, કોસ્મેટિકના વેપારીએ પોતાની દુકાન પાસે બે દિવસ પહેલા એક યુવકને સિગારેટ પીવા બાબતે ઠપકો આપ્યો હતો. આ દરમિયાન નજીવી બોલા ચાલી પણ થઈ હતી. જેની અદાવત રાખી બે દિવસ બાદ તે યુવક તેના અન્ય સાગીરતોને બોલાવી ફરી ઝઘડો કર્યો હતો. જેમાં બોબી યાદવને ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જોકે સમગ્ર મામલે વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણ આરોપીને દબોચી લીધા છે.