મેં દાયકાઓ સુધી સંતવાણી કરી, આશા નહોતી કે ઍવોર્ડ મળશે: હેમંત ચૌહાણ
હેમંત ચૌહાણે ગાયકી માટે છોડી દીધી હતી RTOની નોકરી
ગુજરાતનાં કોઈ પણ ઘર કે મંદિરમાં જો સવારે લાઉડસ્પીકરમાં ભજન સંભળાતા હોય તો હેમંત ચૌહાણના ભજન વગર અધૂરું લાગે, ગુજરાતનાં લોકપ્રિય ભજનિકની નોંધ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવી છે અને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવાનું એલાન કરવામાં આવ્યું છે.
મેં પુસ્તકોમાંથી શોધી શોધીને રચનાઓ બનાવી: હેમંત ચૌહાણ
VTV સાથે ખાસ વાતચીતમાં હેમંત ચૌહાણે કહ્યું હતું કે મને આનંદ છે કે 42 વર્ષથી સંતવાણીની આરાધના કરી ત્યારે મેં વિચાર્યું પણ નહોતું કે મને આ ઍવોર્ડ મળશે અને મેં તો ફક્ત ભક્તિ જ કરી છે. ભજનની સાથે માતાજીના ગરબા તથા સંતોની વાણી મેં ગાઈ, તેમના આશ્રમો મેં ઉજાગર કર્યા. જે જે સંતોની વાણી પુસ્તકમાં હતી અને તેમાંથી મેં ભજન બનાવ્યા, કુલ 9000 જેટલી રચનાઓ મેં સ્ટુડિયોમાં રેકૉર્ડ કરી અને હજુ પણ ગાઉં છું. અને આજે VTV પણ જ્યારે આ વાત દુનિયાને સમક્ષ મૂકશે તો તમે પણ મારુ સન્માન જ કર્યું છે. ભારત સરકારે નોંધ લીધી તે બદલ ખૂબ ખૂબ આભાર.
મૂળ જસદણના વતની, RTOમાં કરી સરકારી નોકરી
પંખીડાઓ પંખીડા, તુ ઉડી જાજે પાવાગઢ..., તું રંગાઇ જાને રંગમાં... જેવા લોકજીભે ચડેલા ગુજરાતી ભજન અને ગીતો ગાનારા હેમંત ચૌહાણનો જન્મ જસદણમાં થયો હતો. તેઓ ચારેક દાયકાથી રાજકોટના મવડી વિસ્તારમાં રહે છે. તેઓએ ત્રંબામાં માધ્યમિક શિક્ષણ લઇ રાજકોટમાં અર્થશાસ્ત્ર સાથે બીએ સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તે સમયે RTOમાં સરકારી નોકરી મળી હતી. જોકે વારસામાં મળેલી ગાયકી માટે સરકારી નોકરી વિઘ્ન બનતા તેણે નોકરી પણ છોડી દીધી હતી.
વારસામાં મળ્યો કંઠ
ગુજરાતમાં કહેવાય છે ને કે મોરના ઈંડા ચિતરવા ન પડે...હેમંત ભાઈને પણ આ કંઠ વારસામાં જ મળ્યો હતો. તેમના પિતા ભજનિક અને દાદા મહાભારત અને રામાયણના ઉપાષક હતા. બાપભાઇ અંધારીયાએ તેમને 1971થી 1974માં લૉક સંગીતનું જ્ઞાન આપ્યું અને હેમંત ભાઈએ તેમને ગુરુનો દરજ્જો પણ આપ્યો. 1976ની સાલમાં રેડિયોની પરીક્ષા પાસ કરી આકાશવાણીમાં ભજન ગાવાનો મોકો મળ્યો.
પોતાના મ્યુઝિક રૂમમાં હેમંત ચૌહાણ
1978માં પ્રથમ કેસેટ બહાર આવી
1978માં પ્રાચીન ભજનની દાસી જીવણ નામની પ્રથમ ઓડિયો કેસેટ બહાર આવી. ત્યારથી અત્યાર સુધી 700 જેટલા આલ્બમ, 8 હજાર જેટલા ભક્તિસંગીતની રચનાઓ પ્રસારિત થઇ ગઇ છે. અમેરિકા, લંડન, કેનેડા સહિત 26 જેટલા દેશમાં પોતાના સ્વરને રમતા મુક્યા છે. 5 હજારથી વધારે સ્ટેજ પ્રોગ્રામ આપ્યા છે. 1987માં કેસર ચંદન ફિલ્મમાં ઝણ ઝણ જાલર વાગે...અને 1995માં પંખીડા ગીતમાં ગુજરાત ગૌરવ એવોર્ડ પણ મેળવેલો.
તત્કાલીન PM ઈન્દિરા ગાંધી સાથે હેમંત ચૌહાણ
ઈન્દિરા ગાંધીએ કર્યો હતો સવાલ
અકાદમી એવોર્ડ 2012, બ્રિટીશ પાર્લામેન્ટ લંડન સંગીત ભૂષણ એવોર્ડ 2015, ગુજરાત ગૌરવ પુરસ્કાર, ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા એ ગ્રેડ સન્માન અને બેસ્ટ પ્લે બેક સિંગર એવોર્ડ મેળવી ચૂક્યા છે. તે સિવાય 12 વર્ષની ઉંમર અને 1968ની ઉંમરે ઇન્દિરા ગાંધી શાળાની મુલાકાતે આવ્યા ત્યારે ભજન ગાયું હતું. ત્યારે ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું કે, બેટા તુ મોટો થઇને શું બનવા માંગે છે.
હેમંત ચૌહાણના દીકરી
દીકરી ગીતા ચૌહાણે 10 ભજનો ગાયા
આ કલા ઉત્તરોત્તર વારસામાં મળતી રહી છે. દીકરી ગીતાએ 10 જેટલા ભજન ગાયા છે. પિતા સાથે અનેક સ્ટેજ પોગ્રામ પણ કર્યા છે. પુત્ર મયુર અભ્યાસની સાથે ઓર્ગન શીખી રહ્યો છે. બન્ને સંતાનોને સંગીતમાં ખૂબ જ રસરૂચિ છે.