Orange alert in 8 districts and yellow alert in 7 districts of Gujarat, new forecast of Meteorological department
લો પ્રેશર સક્રિય /
સાતમ આઠમના મેળામાં વરસાદ રંગમાં પડાવશે ભંગ? ગુજરાતના 8 જિલ્લામાં ઓરેન્જ અને 7 જિલ્લામાં યેલો એલર્ટ, જાણો આગાહી
Team VTV10:03 PM, 15 Aug 22
| Updated: 10:18 PM, 15 Aug 22
ગુજરાતમાં 17 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ જામેલો રહેશે સાતમ આઠમના મેળામાં વરસાદ નહીં પડાવે રંગમાં ભંગ
ગુજરાતમાં આજે 178થી વધુ તાલુકામાં મેઘો વરસ્યો
હવામાન વિભાગે 2 દિવસ વરસાદની આગાહી કરી
માછીમારોને પણ કરાયા એલર્ટ
ગુજરાતમાં શ્રાવણ માસમાં શ્રીકાર થાય તેવા વરતારા હવામાન વિભાગે કર્યા છે. રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના 8 જિલ્લામાં ઓરેન્જ અને 7 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 17 ઓગસ્ટે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. કચ્છ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે કારણ કે અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર સક્રિય થયું છે. જો કે 17 ઓગસ્ટ બાદ વરસાદ છુટોછવાયો પડી શકે જેથી બે વર્ષ બાદ સાતમ આઠમના મેળામાં વરસાદી વિધ્ન નહીં હોય તેવા સંકેત મળી રહ્યા છે.
કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી?
બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા,
મહેસાણાકચ્છ, અમરેલી અને ગીર સોમનાથ
આજે ગુજરાતમાં 178થી વધુ તાલુકામાં વરસાદ
ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થયો છે. ગીર-સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા અને કોડીનાર તાલુકાના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. રાજ્યમાં સવારથી કુલ 178 તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વ્યારામાં 6, ઉમરપાડામાં 4.5 અને બારડોલીમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. ડોલવણ અને મેઘરજમાં 3.5, માંડવીમાં 3ઇંચ વરસાદ ખાબક્યો છે.
કુકરમુંડામાં એક ઈંચ, રાજુલામાં એક ઈંચ, સંતરામપુરમાં એક ઈંચ
રાજ્યના 145 તાલુકા વિસ્તારોમાં એક ઈંચ કરતા ઓછો વરસાદ
રાજકોટમાં વરસાદની રમઝટ
રાજકોટ જિલ્લામાં પણ અને વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. રાજકોટ શહેરમાં મવડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા તો હેમુ ગઢવી હોલ વિસ્તારમાં પણ ઘુંટણસમા પાણી ભરાયા હતા. બીજી તરફ કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ પર પણ પાણી ફરી વળતા વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.
શિહોર પંથકમાં મેઘમહેર
તો આ તરફ ભાવનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ભાવનગર શહેર સહિત શિહોર પંથકમાં અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે.
માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સાથે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે. તો તરફ શહેરી વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ તેમજ વરસાદ પડતાં ભારે બફારામાંથી થોડી રાહત થઈ છે.