યમનની રાજધાની સનામાં થયેલા હવાઈ હુમલામાં 140 લોકોથી વધુના મોત થયા છે. જ્યારે કે આ હુમલામાં લગભગ 525થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાની પુષ્ટિ સ્વાસ્થ્ય અધિકારીઓના રિપાર્ટમાં પણ કરવામાં આવી છે. આ હુમલો એ વખતે થયો હતો જ્યારે લોકો એક અંતિમ સંસ્કારની વિધિ માટે એકત્રિત થયા હતા. યમનમાં નિયુક્ત યુનાઇટેડ નેશન્સના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ હુમલા માટે સાઉદી ગઠબંધન સેનાઓ જવાબદાર છે. જોકે આ ગઠબંધને હુમલાની જવાબદારી લેવાથી સાફ ઇન્કાર કરી દીધો છે.
યમનમાં યુએનના હ્યુમેનિટેરિયન કો-ઓર્ડિનેટર જેમી મેકગોલ્ડ્રિકે જણાવ્યું છે કે મદદ કરનારા બધા લોકો આ ઘટનાથી ખૂબ જ દુ:ખી છે અને ગુસ્સે છે. હુમલો એક કોમ્યુનિટિ હોલ પર કરવામાં આવ્યો છે જ્યાં અનેક લોકો એક અંતિમ વિધિ માટે શોક પ્રગટ કરવા ભેગા થયા હતા. યુએનના સહયોગી કર્મચારીઓએ આ મામલાની તરત તપાસ કરવાની માંગ કરી છે.