તમારે ઘરે અસલી દૂધ આવી રહ્યુ છે કે નકલી? જે જાણવા માટે અમુક ઉપાય જરૂરી છે. જેના થકી જાણી શકાય છે. તો આવો જાણીએ ઉપાય!
ભેળસેળવાળું દૂધ માત્ર હાડકાં જ નહી લિવરને પણ ગંભીર નુકસાન કરે છે
તમારે ઘરે અસલી દૂધ આવી રહ્યુ છે કે નકલી?
રંગ અને સ્વાદ પરથી જાણી શકાય છે અસલી નકલીનો ભેદ
આજના સમયમાં આહારથી માંડી જીવનજરૂરી તમામ વસ્તુઓમાં ભેળસેળના બનાવો છાશવારે સામે આવી રહ્યા છે. જેમાં દૂધમાં અવારનવાર ભેળસેળ અથવા નકલી દૂધના કિસ્સાઓ જુદા જુદા શહેરમાંથી આમે આવતા હોય છે. ત્યારે તમારે ઘરે અસલી દૂધ આવી રહ્યુ છે કે નકલી? તે ચિંતા તમારા મનમા સતાવતી હોય છે. ત્યારે તમારી સમસ્યાનો ઉકેલ અહીં છે. આ ઉપાય દ્વારા જાણી શકાય છે કે દૂધ અસલી છે કે નકલી!
દૂધમાં ડીટરજન્ટ મિક્ષ કરાયેલ હોવાનો અંદાજ
ભેળસેળવાળું દૂધ માત્ર હાડકાંને જ નહિ પરંતુ લિવરને પણ ગંભીર રીતે નુકસાન પહોંચાડે છે. નિષ્ણાતોના મતે દૂધનો પોતાનો સ્વાદ હોય છે. અસલી દૂધ મીઠા સ્વાદનું હોય છે. જ્યારે નકલી દૂધમાં ડિટર્જન્ટ અને સોડા મિક્ષ કરવામાં આવતું હોવાથી તે સ્વાદમાં સહેજ કડવું હોય છે. જેના પરથી અંદાજ લગાવી શકાય છે. વધુમાં ડિટર્જન્ટના મિશ્રણને પગલે આ દૂધમાં સામાન્ય કરતા વધુ ફીણ જોવા મળે છે. ડિટર્જન્ટનની હાજરી માટે કાચની બોટલ અથવા ટેસ્ટ ટ્યુબમાં 5 થી 10 મિલી દૂધ લઇને જોરથી હલાવ્યા બાદ જો ફીણ બને અને લાંબા સમય રહે તો તે દૂધમાં ડીટરજન્ટ મિક્ષ કરાયેલ હોવાનો અંદાજ આવી શકે છે.
નકલી દૂધ ઉકાળ્યા પછી પીળાશ પકડે છે
નિષ્ણાતોના મતે, જ્યારે સંગ્રહ કરવામાં આવે છે ત્યારે અસલી દૂધના રંગમાં કોઈ ફેરફાર થતો નથી, જ્યારે નકલી દૂધ પીળું થવા માંડે છે. આમ રંગના આધારે અસલી અને નકલી દૂધનો ભેદ જાણી શકાય છે. નિષ્ણાતોના મત મુજબ સાચા દૂધનો રંગ ઉકાળ્યા પછી પણ એજ રહે છે. જ્યારે નકલી દૂધ ઉકાળ્યા પછી પીળાશ પકડે છે.
શુદ્ધ દૂધ ધીમે ધીમે વહે
દૂધમાં કેમિકલ છે? તેવો ભય સતાવતો હોય તો તે તપાસવા માટે, લાકડા અથવા પથ્થર પર દૂધના 2 થી 4 ટીપાં નાખવા જોઈએ. આમ કરતી વેળાએ જો દૂધ પડતાની સાથે જ સરળતાથી વહેવા લાગે છે તો તેમાં અન્ય કોઈ પ્રવાહી ભળેલું છે. પરંતુ અસલી દૂધની બાબતમાં આવું થતું નથી. શુદ્ધ દૂધ ધીમે ધીમે વહે છે.