બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / દેશભરમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, દિલ્હીમાં પાંચ દિવસ મોડું પહોંચ્યું, ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ
6 ફોટો ગેલેરી
Last Updated: 07:48 AM, 3 July 2026
1/6
દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુરુવારે મોડી રાત્રે દિલ્હીમાં પહોંચ્યું હતું. આ વખતે ચોમાસું તેના નિર્ધારિત આગમનની તારીખ 27 જૂન કરતાં પાંચ દિવસ મોડું આવ્યું, પરંતુ આગમનની સાથે જ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો. સતત વરસાદને કારણે છેલ્લા ઘણા દિવસોથી અનુભવાતી ભેજવાળી ગરમીમાંથી લોકોને મોટી રાહત મળી છે. ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં પણ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા મુજબ હવે ચોમાસું દિલ્હી-NCR સહિત ઉત્તરપશ્ચિમ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ફેલાઈ ગયું છે. આગામી થોડા દિવસો સુધી મહારાષ્ટ્ર, ગોવા, કોંકણ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
2/6
હવામાન વિભાગે ઉત્તરાખંડ માટે આજે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે સંવેદનશીલ વિસ્તારોમાં ભૂસ્ખલન અને નદીઓ તેમજ નાળાઓમાં પૂર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ચાર ધામ યાત્રા પર જતા યાત્રાળુઓ અને સ્થાનિક લોકોને ખાસ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. પર્વતીય વિસ્તારોમાં બિનજરૂરી મુસાફરી ટાળવા માટે સૂચના આપવામાં આવી છે. સંભવિત આપત્તિની સ્થિતિને ધ્યાનમાં રાખીને SDRFની ટીમોને પણ એલર્ટ પર રાખવામાં આવી છે જેથી જરૂરિયાત સમયે તાત્કાલિક બચાવ કામગીરી કરી શકાય.
3/6
દિલ્હી-NCR માટે હવામાન વિભાગે શુક્રવારે યલો એલર્ટ જાહેર કર્યું છે. વરસાદને કારણે રાજધાનીમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. બુધવારે દિલ્હીનું મહત્તમ તાપમાન 33°Cથી 34.8°C વચ્ચે નોંધાયું હતું, જ્યારે આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન 32°Cથી 34°C વચ્ચે રહેવાની શક્યતા છે. ઉત્તર ભારતમાં ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. 1 જુલાઈના રોજ સમગ્ર હિમાચલ પ્રદેશમાં પણ ચોમાસું પહોંચી ગયું હતું, જે સામાન્ય તારીખ કરતાં છ દિવસ મોડું હતું. હવામાન વિભાગના જણાવ્યા મૂજબ ચોમાસું હવે વધુ ઉત્તર તરફ આગળ વધશે અને તેના કારણે અનેક રાજ્યોમાં વ્યાપક વરસાદ જોવા મળશે.
4/6
નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન કોંકણ, ગોવા અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ ભારે વરસાદની શક્યતા છે. આ વિસ્તારો માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉપરાંત ઓડિશા અને મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં પણ ખૂબ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ પૂર્વી અને મધ્ય ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ચોમાસું સંપૂર્ણ સક્રિય થઈ ગયું છે. લખનૌ, વારાણસી, ગોરખપુર અને પ્રયાગરાજમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે અને આગામી 48 કલાકમાં સમગ્ર ઉત્તર પ્રદેશમાં ચોમાસું પહોંચી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
5/6
બિહારમાં પણ ચોમાસાની ગતિ તેજ બની છે અને રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. પટના, ગયા, ભાગલપુર અને પૂર્ણિયા સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે ઉત્તર બિહારના ચંપારણ, સીતામઢી અને મધુબની જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ અને વીજળી પડવાની ચેતવણી જાહેર કરી છે. ખેડૂતોને ખરાબ હવામાન દરમિયાન ખેતરોમાં જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. બીજી તરફ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ ચોમાસાના ભારે વરસાદે સામાન્ય જનજીવનને અસર પહોંચાડી છે. મુંબઈ અને તેના ઉપનગરોમાં સતત મુશળધાર વરસાદને કારણે હિંદમાતા, સાયન અને અંધેરી સબવે જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનવ્યવહાર અને દૈનિક જીવન પર અસર જોવા મળી રહી છે.
6/6
દેશભરમાં ચોમાસાની ગતિ હવે વધુ મજબૂત બની રહી છે અને આગામી દિવસોમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે લોકોને જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવાની, સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અને ભારે વરસાદ દરમિયાન સાવચેતી રાખવાની અપીલ કરી છે. ખાસ કરીને પર્વતીય વિસ્તારો, નદી કાંઠાના વિસ્તારો અને નીચાણવાળા શહેરોમાં રહેતા લોકોને હવામાનની તાજી માહિતી પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવી છે જેથી કોઈપણ પ્રકારની મુશ્કેલીથી બચી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ