બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વરસાદનો કહેર યથાવત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ અને અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
6 ફોટો ગેલેરી
Last Updated: 06:42 AM, 3 July 2026
1/6
ગુજરાતમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી છૂટાછવાયા સ્થળોએ મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે અને ચોમાસું રાજ્યમાં ધીમે-ધીમે પોતાની મજબૂત હાજરી નોંધાવી રહ્યું છે. હવામાન વિભાગે 3 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિથી અતિભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, પંચમહાલ અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે અમદાવાદ, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, જામનગર, ગાંધીનગર, મહેસાણા, ખેડા, મહીસાગર, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી, વાવ-થરાદ, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
2/6
હવામાન વિભાગે 4થી 8 જુલાઈ 2026 દરમિયાન પણ વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, નર્મદા, તાપી, છોટા ઉદેપુર, દાહોદ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, આણંદ, વડોદરા, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને ખેડા જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેથી આગામી કેટલાક દિવસો સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ યથાવત રહેવાની સંભાવના છે.
3/6
અમદાવાદના હવામાનની વાત કરીએ તો આજે શહેરમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અને શહેર તેમજ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન આશરે 39 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી રહેવાની શક્યતા છે. રાજકોટમાં આજે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહેવાની શક્યતા છે. સુરતમાં ભારે પવન સાથે અતિથી અતિભારે વરસાદ પડી શકે છે. અહીં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહેવાની શક્યતા છે. અન્ય વિસ્તારોમાં પણ ભારે પવન અને વરસાદી માહોલ વચ્ચે મહત્તમ તાપમાન આશરે 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
4/6
દક્ષિણ પશ્ચિમ ચોમાસું રાજ્યમાં સતત આગળ વધી રહ્યું છે. હાલ ચોમાસું ગુજરાતના કેટલાક ભાગો ઉપરાંત ઉત્તર પ્રદેશના બાકીના વિસ્તારો, સમગ્ર દિલ્હી, મધ્ય પ્રદેશના મોટાભાગના વિસ્તારો તેમજ હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. ચોમાસાની ઉત્તરીય મર્યાદા પોરબંદર, વલ્લભ વિદ્યાનગર, નીમચ, ટોંક, ભિવાની અને ભટિંડા વિસ્તારમાંથી પસાર થઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગો, સમગ્ર ગુજરાત તેમજ મધ્ય પ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના વધુ વિસ્તારોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે.
5/6
દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ મહત્વપૂર્ણ ચેતવણી આપવામાં આવી છે. આજે ગીર સોમનાથ અને જૂનાગઢના દરિયાકાંઠે દરિયામાં કરન્ટ જોવા મળી શકે છે. ઉપરાંત પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, વલસાડ અને કચ્છના દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો તેમજ પ્રવાસીઓને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. દરિયાકાંઠે અનાવશ્યક અવરજવર ટાળવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ પણ કરવામાં આવી છે.
6/6
હવામાન વિભાગે માછીમારો માટે ખાસ ચેતવણી જાહેર કરી છે. આગામી 6 જુલાઈ 2026 સુધી જખૌ, માંડવી (કચ્છ), મુન્દ્રા, નવા કંડલા, નવલખી, સલાયા, ઓખા, બેડી, સિક્કા (જામનગર), પોરબંદર, મુળદ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, પોર્ટ વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ અને દહેજ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 50 કિમી પ્રતિ કલાક અને ઝાટકામાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તોફાની હવામાન અને ઊંચા મોજાને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી દિવસો સુધી દરિયો ન ખેડવાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ