બોરસદ તાલુકાના પુરપ્રભાવિત સિસવા ગામમાં VTV ન્યુઝએ રિયાલિટી ચેક કરી પુર બાદની પરિસ્થિતિ જાણી હતી.
બોરસદમાં મેઘકહેરથી ત્રણ લોકોના પાણીમાં ડૂબતા થયા મોત
સિસ્વામાં જન જીવન પુનઃ ધબકતું થયું
બોરસદ પંથકમાં પુન ધોધમાર વરસાદ
બોરસદમાં ગત 30મીએ ખબકેલા મુશળધાર વરસાદને લઈને તાલુકાના સિસવા ,ભાદરણ તેમજ કઠોલ ગામમા વરસાદી પાણી ભરાયા હતા જેને લઈ જન જીવન પ્રભાવિત થયું હતું. બોરસદ તાલુકાના કેટલાક ગામોમાં વરસાદી પાણી ત્રાટકતા મોટા પાયે નિકસાન થયું છે જ્યારે 90 જેટલા પશુઓના પણ મોત નિપજ્યા છે. આ તબાહી બાદ હાલ સિસવા ગામમાં વરસાદી પાણી ઓસર્યા છે અને જન જીવન પુનઃ ધબકતું થયું છે અને ગામમાં દવાનો છટકાવ સાથે મેડિકલની ટિમો કામે લાગી છે. સિસવામાં મામલતદાર પ્રાંત અધિકારી અને અન્ય ટિમો કર્યરત છે. તો બીજી તરફ કઠોલ ગામના લોકોએ કાંસ સફાઈ સાથે ગામના મુખ્ય પ્રવેશ માર્ગને ઊંચો કરવાની પણ માંગ કરી છે.
સિસવામાં 380 લોકો થયા હતા પુર પ્રભાવિત
તાજેતરમાં થયેલ અતિવૃષ્ટિને લઈને બોરસદ શહેરનો વનતળાવ વિસ્તાર, ભાદરણ ગામ તેમજ સૌથી વધુ સિસવા ગામ પ્રભાવિત થયા હતા. સિસવા ગામમાં કેડ સમાં પાણી ભરાતા જનજીવન પર ગંભીર અસર સર્જાઈ હતી. 380 લોકો પ્રભાવિત થતા તેમને સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું આ સાથે વરસાદી પાણીથી લોકોની ઘરવખરી સાથે પશુ ધનને પણ વ્યાપક નુકસાન થયું હતું. સર્વત્ર જળબંબાકાર સર્જાતા ખેડૂતોના ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા હતા જેને લઈ ખેતી પાકો નષ્ટ થવા પામ્યા છે. જોકે 24 કલાક બાદ વરસાદી પાણી ધીરે ધીરે ઓસરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આજે VTV ન્યૂઝએ વરસાદી પાણીથી પ્રભાવિત થયેલ સિસવા અને કઠોલ ગામની મુલાકાત લઈ ગ્રાઉન્ડ જીરો ઉપરથી રિયાલિટી ચેક કરતા તંત્ર ખડેપગે કામે લાગ્યું હોવાનું સામે આવ્યું છે.
સિસવામાં મામલતદાર, પ્રાંત અધિકારી સહિતની ટીમો રહી સતત ખડે પગે
વધુમાં રોગચાળોના વકરે તે માટે દવાના છટકાવ સાથે મેડિકલની ટિમો પણ કાર્યરત થઈ હોવાનું સામે આવ્યું છે. સિસવામાં મામલતદાર, પ્રાંત અધિકારી અને અન્ય ટિમો 24 કલાકથી ખડે પગે રહી કામગીરીમાં જોતરાઇ હતી. તો બીજી તરફ કઠોલ ગામના લોકોએ કાંસ સફાઈ સાથે ગામના મુખ્ય પ્રવેશ માર્ગને ઊંચો કરવાની પણ માંગ કરી છે. કારણ કે ગામના મુખ્ય પ્રવેશ માર્ગ ઉપર જ પ્રાથમિક શાળા આવેલી છે જ્યાં 350 બાળકો અભ્યાસ કરે છે. આવી પરિસ્થિતિમાં તેમના જીવને પણ જોખમ સેવાઈ રહ્યું છે. આથી આ માંગ કરાઇ હતી. બીજી તરફ ખેતી પાકને પણ વ્યાપક નુકસાન થયું હોવાનું રિયાલિટી ચેક દરમિયાન સામે આવ્યું છે. કપાસ શાકભાજીના પાકો નષ્ટ થયા છે સાથે ડાંગરની રોપણી પણ હવે નહિવત બની છે. પરંતુ હાલ તંત્ર પ્રભાવીત લોકોની પડખે રહી યશસ્વી કામગીરી કરતું હોવાનું સામે આવ્યુ છે.
બોરસદ પંથકમાં પુન ધોધમાર વરસાદ પડયો
પુરઅસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ માંડ થાળે પડી રહી છે તેવામાં બોરસદ પંથકમાં પુન ધોધમાર વરસાદ પડયો હતો. સિસવા, ભાદરણ, વડેલી, ભાદરણીયા, સહિતના વિસ્તારોમા અનાધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું અને નીચાણ વાળા વિસ્તારોમા ફરી પાણી ભરાયા હતા.