ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં હર્ષ સંઘવીએ સાંઢીયા પુલનું લોકાર્પણ કર્યું, જામનગર આવતા જતા લાખો વાહન ચાલકોને રાહત
Last Updated: 10:23 PM, 13 June 2026
ADVERTISEMENT
રાજકોટવાસીઓ લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે નવનિર્મિત ફોરલેન સાંઢિયા બ્રિજ આજે લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો. કુલ રૂ. 74.32 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું હતું. આ પ્રસંગે શહેરના મેયર ડો. નેહલ શુક્લ સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ બાદ નાયબ મુખ્યમંત્રીએ ખુલ્લી જીપમાં બ્રિજની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. બ્રિજ ખુલતા જ સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
મેયરની મુલાકાત બાદ દૂર કરવામાં આવી હતી ખામીઓ
ઉલ્લેખનીય છે કે રાજકોટના મેયર ડો. નેહલ શુક્લે 29 મેના રોજ બ્રિજની મુલાકાત દરમિયાન વરસાદી પાણીના નિકાલ સહિત કેટલીક ટેકનિકલ અને ફિનિશિંગ સંબંધિત ખામીઓ સામે આવતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને કડક સૂચનાઓ આપી હતી. વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે તમામ ખામીઓ દૂર કરવામાં આવી હતી, જેના પરિણામે આજે બ્રિજને જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આધુનિક ટેકનોલોજીથી તૈયાર થયો બ્રિજ
ADVERTISEMENT
નવો સાંઢિયા ફોરલેન બ્રિજ અત્યાધુનિક ડિઝાઇન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યો છે. બ્રિજની ઊંચાઈ 6.25 મીટર અને પહોળાઈ 16.40 મીટર છે, જે ભવિષ્યની વધતી વાહનવ્યવહાર જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. માધાપર ચોકડી તરફ તથા હોસ્પિટલ ચોક તરફ બ્રિજની લંબાઈ 298-298 મીટર છે. રેલવે ટ્રેક ઉપરનો 36 મીટરનો સ્પાન રેલવેના માર્ગદર્શન અનુસાર ડિઝાઇન કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT
રેલવે ટ્રાફિકને અસર કર્યા વગર પૂર્ણ થયું કામ
પ્રોજેક્ટ દરમિયાન જૂના જર્જરીત રેલવે ઓવરબ્રિજને ડાયમંડ કટિંગ પદ્ધતિથી દૂર કરવામાં આવ્યો હતો. આ કામગીરી રેલવે ટ્રાફિકને અસર ન થાય તે માટે માત્ર 2-2 કલાકના ક્રમિક ટ્રાફિક બ્લોક દરમિયાન હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત, બ્રિજ માટે કુલ 120 ગર્ડર સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
નિર્ધારિત સમય પહેલાં પૂર્ણ થયો પ્રોજેક્ટ
ADVERTISEMENT
આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે 30 મહિનાનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ મનપા અને સંબંધિત એજન્સીઓના સંકલિત પ્રયાસોથી માત્ર 27 મહિનામાં જ કામગીરી પૂર્ણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું છે. કામગીરી દરમિયાન ભોમેશ્વર પાસેથી ડાયવર્ઝન માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો, જેના કારણે લોકોને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
ટ્રાફિક સમસ્યાનો આવશે કાયમી ઉકેલ
સાંઢિયા ફોરલેન બ્રિજ શરૂ થતાં હવે રાજકોટ-જામનગર રોડ પર વાહનવ્યવહાર વધુ સરળ બનશે. શહેરના લાખો વાહનચાલકોને લાંબા સમયથી સતાવતી ટ્રાફિક સમસ્યામાંથી રાહત મળશે તેમજ મુસાફરીનો સમય પણ નોંધપાત્ર રીતે ઘટશે.
આ પણ વાંચોઃ વિભાગનું કામ નહોતું છતાં ઉપર રહીને ડિમોલિશન કરાવ્યું, સુરત ડિમોલિશન કાંડમાં સૂત્રધારનું નામ આવ્યું
બ્રિજના નામકરણ અંગે ચર્ચા
મહાનગરપાલિકા દ્વારા આગામી જનરલ બોર્ડ બેઠકમાં ઠરાવ પસાર કરી બ્રિજનું સત્તાવાર નામકરણ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. શહેરના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થનારા આ બ્રિજને કોઈ વિશિષ્ટ નામ આપવામાં આવે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.