બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દાંતી ગામના ખેડૂતો પર તૂટ્યો મુસિબતનો પહાડ, દરિયામાં ગરકાવ થઈ ગઈ જમીન
Last Updated: 03:15 PM, 24 June 2026
Valsad Moti Danti Coastal Erosion : વલસાડ જિલ્લાના દરિયાકાંઠે આવેલું મોટી દાંતી ગામ આજે કુદરતી પડકારો સામે સંઘર્ષ કરી રહ્યું છે. એક સમય હતો જ્યારે આ વિસ્તાર લીલાછમ ખેતરો અને કૃષિ આધારિત જીવન માટે ઓળખાતો હતો, પરંતુ હવે દરિયાઈ ધોવાણ અને ચોમાસાની વિનાશક ભરતી ગામના ભવિષ્યને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કરી રહી છે.
ADVERTISEMENT
શું કહી રહ્યા છે સ્થાનિકો ?
દર વર્ષે ચોમાસા દરમિયાન દરિયામાં ઉછળતા મોજાં ગામલોકોમાં ભય અને અનિશ્ચિતતા ઉભી કરે છે. સ્થાનિકોના દાવા મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં અંદાજે 348 હેક્ટર જેટલી ખેતીલાયક જમીન દરિયામાં સમાઈ ગઈ છે. જેના કારણે ખેડૂતો માટે માત્ર જમીન નહીં પરંતુ જીવનનિર્વાહનું મુખ્ય સાધન પણ જોખમમાં મુકાઈ ગયું છે.
ADVERTISEMENT

આ તરફ સ્થાનિક ખેડૂતોની સૌથી મોટી વ્યથા એ છે કે, હકીકતમાં જમીન દરિયામાં ગાયબ થઈ ગઈ હોવા છતાં સરકારી રેકોર્ડમાં આજે પણ તે જમીન અસ્તિત્વમાં દર્શાવવામાં આવે છે. પરિણામે ખેડૂતો પાસે માલિકીનો દાખલો તો છે પરંતુ જમીન ઉપયોગ માટે ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં વળતર, સહાય અને અન્ય સરકારી યોજનાઓનો લાભ મેળવવો પણ મુશ્કેલ બન્યો હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે.
ADVERTISEMENT
મોટી દાંતી ગામના પૂર્વ સરપંચ અમરત ટંડેલે જણાવ્યું કે, આજે 1500 મીટર દીવાલ બની છે, એનાથી લોકોને રાહત તો મળી છે પરંતુ વચ્ચે જે 300 મીટરનો ભાગ બાકી છે એના માટે અમારે એવું છે કે, જો આ ગામ જાય તો બાકીના 15 જેટલા ગામો અસરગ્રસ્ત રહેશે. જુલાઇ મહિનામાં દરિયામાં જે ભરતી આવે છે બહુ પ્રચંડ હોય છે. અમારા ખેડૂતોની જમીન લગભગ 400 હેક્ટર જેટલી જમીન દરિયામાં ગરકાવ થઈ ગઈ છે.

ADVERTISEMENT
દરિયાઈ ધોવા અટકાવવા માટે ગામના લોકો વર્ષોથી મજબૂત અને સંપૂર્ણ પ્રોટેક્શન વોલની માંગ કરી રહ્યા છે. ગામલોકોનું કહેવું છે કે અગાઉ બનાવવામાં આવેલી સુરક્ષા દિવાલ અધૂરી હોવાથી દર વર્ષે ચોમાસામાં દરિયો ફરી ગામ તરફ આગળ વધે છે અને નુકસાન વધારે છે. નિષ્ણાતો પણ માને છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં સમયસર અને વૈજ્ઞાનિક રીતે સંરક્ષણ કામગીરી ન કરવામાં આવે તો જમીન ધોવાણ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. ગ્લોબલ વોર્મિંગ અને બદલાતી હવામાન સ્થિતિ પણ આવા વિસ્તારો માટે વધારાનો પડકાર બની રહી છે.
આ પણ વાંચો : કચ્છ અને દાહોદમાં અલગ-અલગ ત્રણ ઘટનામાં 2 બાળકો સહિત 5 ડૂબ્યા
ADVERTISEMENT
વલસાડ જિલ્લામાં 72 કિલોમીટરથી વધુ દરિયાકાંઠો આવેલો છે અને અહીં મોટી સંખ્યામાં માછીમાર અને દરિયાકાંઠા સાથે જોડાયેલા પરિવારો વસવાટ કરે છે. આવી સ્થિતિમાં મોટી દાંતી ગામની સમસ્યા માત્ર એક ગામ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર દરિયાકાંઠા વિસ્તાર માટે ચેતવણી સમાન બની રહી છે. સ્થાનિક લોકો હવે સરકાર પાસેથી તાત્કાલિક અને કાયમી ઉકેલની અપેક્ષા રાખી રહ્યા છે. ચોમાસાની મોસમ શરૂ થઈ ચૂકી છે ત્યારે વધુ નુકસાન થાય તે પહેલાં જરૂરી સુરક્ષા કામગીરી પૂર્ણ થાય તેવી માંગ વધુ મજબૂત બની રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.