બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હિંમતનગર HUDA મુદ્દે સરકારનો મોટો નિર્ણય, 11 ગામોને મળી રાહત
Last Updated: 09:55 AM, 2 January 2026
Himmatnagar HUDA News : હિંમતનગર શહેરી વિકાસ સત્તા મંડળ (HUDA)ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં HUDAને લઈ છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિરોધ અને રજૂઆતો બાદ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. વિગતો મુજબ સરકાર દ્વારા હિંમતનગર પાલિકા બહારના 11 ગામોને HUDAના કાર્યક્ષેત્રમાંથી બહાર રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ગામના રહેવાસીઓ અને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
વર્ષ 2012માં રાજ્ય સરકારે હિંમતનગર પાલિકા અને તેની આસપાસના 11 ગામોને આવરી લઈને HUDAની રચના કરી હતી. તે સમયે પણ ગામોમાંથી ભારે વિરોધ ઊભો થયો હતો, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોને બહાર રાખી HUDA અમલમાં રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ લાંબા સમય સુધી આ મુદ્દો શાંત રહ્યો. પરંતુ 2023ના નવેમ્બરમાં ફરીથી HUDAને લઈને નોટિફિકેશન બહાર પડ્યું અને વિકાસ સત્તા મંડળ દ્વારા ડ્રાફ્ટ પ્લાન તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. સપ્ટેમ્બર 2025માં ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાં જ આસપાસના 11 ગામોના ખેડૂતો અને જમીન માલિકોમાં અસંતોષ ફાટી નીકળ્યો. બેઠકો, રજૂઆતો અને અંતે સંગઠિત આંદોલન શરૂ થયું.
ADVERTISEMENT

આ તરફ વિરોધને ધ્યાનમાં રાખીને ડિસેમ્બર મહિનામાં ગાંધીનગર ખાતે સંકલન સમિતિ અને રાજ્ય સરકારના મંત્રીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન 15 દિવસની અંદર HUDA સ્થગિત કરવાની બાંહેધરી આપવામાં આવી હતી. સમય પૂર્ણ થતાં 31 ડિસેમ્બરે મોડી સાંજે રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું.
ADVERTISEMENT
શું છે આ નવું જાહેરનામું ?
ADVERTISEMENT
નવા જાહેરનામા મુજબ હિંમતનગર પાલિકાની વિસ્તૃત હદને બાદ કરતાં બાકીના 11 ગામો હવે HUDAના કાયદાકીય બંધનોથી સંપૂર્ણપણે મુક્ત રહેશે. આ ગામોમાં હવે વિકાસ યોજનાનો ડ્રાફ્ટ તૈયાર કરવાની કે અમલમાં મૂકવાની પ્રક્રિયા લાગુ પડશે નહીં. અગાઉ લાગુ થનારા બાંધકામ અને જમીન વપરાશ સંબંધિત કડક નિયમો પણ હવે અમલમાં નહીં રહે. આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારોના રહેવાસીઓને મોટી રાહત મળી છે. ખેડૂતો પોતાની જમીન અંગે વધુ સ્વતંત્ર બની શકશે અને સ્થાનિક સ્તરે વિકાસની પ્રક્રિયા સરળ બનશે. નિષ્ણાતો માને છે કે આ નિર્ણયથી હિંમતનગર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ અને જમીન સંબંધિત પ્રક્રિયામાં નવા ફેરફારો જોવા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.