બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરેન્દ્રનગરમાં ગામ સંપર્ક વિહોણા, વડોદરામાં કોઝવે ધોવાયો, તો સુરતમાં કીમ નદીના પાણીએ સર્જી તારાજી
6 ફોટો ગેલેરી
Last Updated: 11:40 AM, 2 August 2026
1/6
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદની અસર અનેક જિલ્લાઓમાં જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે અને ગામડાઓમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. મુળી તાલુકાના દાધોળીયા ગામમાં વરસાદી પાણીના કારણે કોઝવે પર પાણી ફરી વળતાં ઇમરજન્સી સેવા પણ ગામ સુધી પહોંચી શકી નહોતી. ગામમાં પ્રસૂતિની પીડામાં રહેલી મહિલાને હોસ્પિટલ પહોંચાડવા માટે ગામલોકોએ માનવતા દાખવી હતી. મહિલાને ઝોળીમાં બેસાડી ધસમસતા કોઝવેના પાણીમાંથી પસાર કરીને સુરક્ષિત રીતે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવી હતી. ગામમાં પાણી ભરાવાને કારણે 108 એમ્બ્યુલન્સ સહિત અન્ય વાહનો ગામમાં પ્રવેશી શક્યા નહોતા.
2/6
વડોદરા જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે કરડ નદી પરનો ડાયવર્શન કોઝવે ફરી એકવાર ધોવાઈ ગયો છે. ધનતેજ અને સધાપુરા વચ્ચે આવેલો આ કોઝવે ભારે વરસાદ અને કરડ નદીના જોરદાર પ્રવાહના કારણે તૂટી જતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. પરિણામે ધનતેજ–સધાપુરા માર્ગ પર અવરજવર ઠપ થઈ ગઈ છે અને વાહનચાલકોને હવે અંદાજે 10 કિલોમીટરનો વધારાનો ફેરો ફરજિયાત ફરવો પડી રહ્યો છે. નોંધનીય છે કે એક મહિના પહેલા પણ આ જ કોઝવે ધોવાઈ ગયો હતો, ત્યારે તંત્રે મોટા ભૂંગળા નાખીને તાત્કાલિક મરામત કરી હતી. જોકે ફરી એકવાર ભારે પ્રવાહ સામે કોઝવે ટકી શક્યો નથી.
3/6
બીજી તરફ સુરત જિલ્લામાં કીમ નદીના પાણી હવે ધીમે ધીમે ઓસરવાનું શરૂ થયું છે. ઓલપાડ અને માંગરોળ તાલુકાના ગામડાઓમાંથી પણ પાણી ઉતરવા લાગતાં સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. મોડી રાત્રિથી પાણીનું સ્તર ઘટતાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં વરસાદ બંધ થતાં કીમ નદીના જળસ્તરમાં ઘટાડો નોંધાયો છે. તેમ છતાં તંત્ર દ્વારા લોકોને કીમ નદીના કાંઠે ન જવાની અપીલ કરવામાં આવી છે. ગઈકાલે પૂરની સ્થિતિ ગંભીર બનતાં કીમ અને કઠોદરા ગામોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે આર્મીની ટીમને રેસ્ક્યુ કામગીરી માટે બોલાવવી પડી હતી.
4/6
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે લખતર તાલુકાના છારદ ગામમાં પણ વરસાદી પાણી ઘૂસી જતાં આશરે 100 જેટલા મકાનોમાં પાણી ભરાઈ ગયા છે. 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં અનેક ઘરોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે. જેના કારણે ગ્રામજનોને દૈનિક જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ન ઉતરતાં રહેણાંક વિસ્તારોમાં રહેતા લોકો માટે પરિસ્થિતિ વધુ કપરા બની છે અને સ્થાનિક તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
5/6
લીંબડી તાલુકાના પરનાળા ગામમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ગામ સંપૂર્ણપણે વરસાદી પાણીથી ઘેરાઈ ગયું છે. ગામની આસપાસ તેમજ ગામની અંદર પાણી ફરી વળતાં અનેક ઘરો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ગ્રામ પંચાયત કચેરીમાં પણ પાણી ઘૂસી ગયા છે. પરિણામે ગામનો બહારની દુનિયા સાથેનો સંપર્ક તૂટી ગયો છે અને ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે રહેવા અને અનાવશ્યક બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
6/6
સુરેન્દ્રનગર જિલ્લામાં ભોગાવો નદી પણ ભારે વરસાદના કારણે બે કાંઠે વહેતી થઈ છે. લીંબડી તાલુકાના જસમતપર ગામ તરફ જતો માર્ગ પાણીમાં ગરકાવ થતાં ગામનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે. ઉપરવાસમાં સતત વરસેલા ભારે વરસાદના કારણે નદીમાં જોરદાર પ્રવાહ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા જસમતપર સહિત આસપાસના ગામોના લોકોને સાવચેત રહેવા અને પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર ન થવાની અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં હજુ પણ સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સ્થાનિક તંત્ર બચાવ તથા રાહત કામગીરીમાં વ્યસ્ત છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ