બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભારે વરસાદનો કહેર, ડાંગ-સુરતમાં પાણી ભરાયા, નર્મદા ડેમમાં પાણીની આવક વધી
Last Updated: 09:44 AM, 8 July 2026
ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને ડાંગ, સુરત અને સાપુતારા વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવા, માર્ગ બંધ થવા અને વાહનવ્યવહાર ખોરવાવાની સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ ઉપરવાસમાં વરસાદ વધતા ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદા ડેમમાં પણ પાણીની આવકમાં વધારો નોંધાયો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ડાંગ જિલ્લામાં ફરી શરૂ થયો ધોધમાર વરસાદ pic.twitter.com/2yHBIyqTK3
— Nidhi Panchal vtv (@NidhiVtv83966) July 8, 2026
ડાંગ જિલ્લામાં ફરીથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. કોટમદાર ગામે આવેલી ખાડીમાં પૂર આવતાં લો લેવલ કોઝવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો છે. તેના કારણે કોટમદાર–જાખના માર્ગ પર વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો છે. માર્ગ બંધ થતાં વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને દૂધ ભરવા જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં કોઈ વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ ન હોવાથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં જનજીવન પ્રભાવિત બન્યું છે.
ADVERTISEMENT
ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં પાણીની આવક pic.twitter.com/KXa9Uv1QK9
— Nidhi Panchal vtv (@NidhiVtv83966) July 8, 2026
ADVERTISEMENT
ભારે વરસાદની અસર નર્મદા ડેમ પર પણ જોવા મળી રહી છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદને કારણે ઉપરવાસમાંથી પાણીની આવક સતત વધી રહી છે. હાલમાં ઉપરવાસમાંથી 33,620 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધીને 126.74 મીટર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 15 સેમીનો વધારો નોંધાયો છે. નર્મદા ડેમના RBPHના બે પાવર હાઉસ હાલમાં કાર્યરત છે. હાલમાં નર્મદા ડેમ તેની કુલ ક્ષમતાના 65 ટકા સુધી ભરાયો છે, જ્યારે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.
ADVERTISEMENT
સુરત જિલ્લામાં ભારે વરસાદથી પાણી ભરાયા pic.twitter.com/wCWg9LNNjb
— Nidhi Panchal vtv (@NidhiVtv83966) July 8, 2026
સુરત જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભાટિયાથી પલસાણા જવાના માર્ગ પર તેમજ ભાટિયા ચેક પોસ્ટ નજીક વરસાદી પાણી ભરાઈ જતાં એક જ લેન પરથી વાહનવ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો છે. પાણી ભરાવાને કારણે ટ્રાફિક ધીમી ગતિએ ચાલી રહ્યો છે અને લાંબા અંતર સુધી વાહનોની કતારો જોવા મળી રહી છે. તંત્ર દ્વારા વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સુરતના કડોદરાથી સુરત જવાના માર્ગ પર પાણી ભાયા pic.twitter.com/oL74cQvkJ4
— Nidhi Panchal vtv (@NidhiVtv83966) July 8, 2026
સુરતના કડોદરાથી સુરત જવાના માર્ગ પર પણ વરસાદી પાણી ભરાયા છે. હરિપુરા પાટિયા, છત્રાલા અને વરેલી નજીક માર્ગ પર પાણી ભરાવાને કારણે અહીં પણ એક જ લેન પરથી વાહનવ્યવહાર ચાલી રહ્યો છે. ટ્રાફિક ધીમી ગતિએ ચાલી રહ્યો છે અને વાહનચાલકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકોની અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. તંત્ર સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
ડાંગ સાપુતારામાં અવિરત વરસાદ
— Nidhi Panchal vtv (@NidhiVtv83966) July 8, 2026
ભારે વરસાદથી પહાડ પરથી માટી ધસી આવી pic.twitter.com/N7xNTj9P2f
ડાંગના પ્રવાસન સ્થળ સાપુતારામાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ પહાડ પરથી માટી ધસી આવી છે. સાથે જ અનેક સ્થળોએ પથ્થરો પણ રસ્તા પર આવી ગયા છે. ઘાટ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને સાવચેતીપૂર્વક મુસાફરી કરવાની અપીલ કરવામાં આવી છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તંત્ર સતર્ક બન્યું છે. ઉપરાંત પ્રવાસીઓને રસ્તાની બાજુમાં અથવા પહાડની નીચે વાહન પાર્ક ન કરવાની સૂચના આપવામાં આવી છે.
સુરત શહેરમાં વરસાદ બંધ પણ પાણી નથી ઓસર્યા
— Nidhi Panchal vtv (@NidhiVtv83966) July 8, 2026
પાંડેસરા નાગસેન નગરમાં પાણી ભરાયા pic.twitter.com/C1dtWJOC7V
સુરત શહેરમાં વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં અનેક વિસ્તારોમાં પાણી હજુ સુધી ઓસર્યા નથી. પાંડેસરા વિસ્તારના નાગસેન નગરમાં હજુ પણ પાણી ભરાયેલા છે. અહીં લોકોના ઘરોમાં એક માળ સુધી પાણી ભરાઈ ગયું છે. ખાડીના પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતાં સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજ્યમાં સવારે 8 વાગ્યા સુધીમાં કુલ 58 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કપરાડામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. ડાંગ, વાસંદા અને નાનાપોંઢામાં પોણો ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ઉમરગામ, નેત્રંગ, ડેડીયાપાડા, સુબિર, ખેરગામ, ધમરપુર, તિલકવાડા, સોનગઢ, વ્યારા, વઘઈ, વાપી અને ઉકાઈમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ પર વરસાદની મોટી અસર, 4 ફ્લાઇટ્સ રદ અને 20થી વધુ ફ્લાઇટ્સ મોડી
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 195 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ પલસાણામાં 18.19 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ કામરેજમાં 17.40 ઈંચ, નવસારીમાં 15.28 ઈંચ, સુરત શહેરમાં 14.09 ઈંચ, કપરાડામાં 12.68 ઈંચ, જલાલપોરમાં 11.02 ઈંચ, બારડોલીમાં 9.37 ઈંચ, અંબિકામાં 9.25 ઈંચ, ડોલવણમાં 8.90 ઈંચ, મહુવા-સુરતમાં 8.86 ઈંચ, ડાંગમાં 8.46 ઈંચ, સુબિરમાં 7.76 ઈંચ, ગણદેવીમાં 7.74 ઈંચ, વાલોડમાં 7.72 ઈંચ, ચિખલીમાં 7.44 ઈંચ અને વ્યારામાં 7.36 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે માર્ગો પર પાણી ભરાવા, વાહનવ્યવહાર પ્રભાવિત થવા અને સામાન્ય જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવા અપીલ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.