બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ સસ્તો થયો, ગુજરાત સરકારે VAT 65%થી ઘટાડી 25% કર્યો
Last Updated: 12:01 PM, 24 June 2026
GIFT City Liquor Tax : ગુજરાતની નાણાકીય અને વૈશ્વિક રોકાણ કેન્દ્ર તરીકે વિકસતી GIFT સિટીને વધુ આકર્ષક બનાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વાસ્તવમાં નવા ફેરફારો હેઠળ GIFT સિટીમાં પીરસાતા વિદેશી દારૂ પર લાગતા ટેક્સ અને વધારાની ફીમાં નોંધપાત્ર રાહત આપવામાં આવી છે, જેના કારણે ત્યાં પીણાંના ભાવમાં મોટો ઘટાડો થવાની શક્યતા ઉભી થઈ છે. અગાઉ GIFT Cityમાં વિદેશી દારૂ પર 65% VAT લાગતો હતો, જેના કારણે દારૂના ભાવ મુંબઈ, દિલ્હી જેવા શહેરોની સરખામણીએ ઘણા વધારે હતા. હવે સરકાર દ્વારા VAT ઘટાડીને 25% કરવામાં આવતા દારૂના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થશે અને GIFT Cityને વધુ આંતરરાષ્ટ્રીય બિઝનેસ અને લાઇફસ્ટાઇલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવામાં મદદ મળશે.
ADVERTISEMENT
શું છે આ નવો નિર્ણય ?
નવી વ્યવસ્થા મુજબ વિદેશી દારૂ પર લાગતો વેલ્યુ એડેડ ટેક્સ (VAT) નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવ્યો છે. સાથે જ પ્રતિ સર્વિંગ લેવામાં આવતી વિશેષ ફી પણ દૂર કરવામાં આવી છે. આ પગલાથી GIFT સિટીમાં મળતા દારૂના ભાવ દેશના અન્ય મોટા શહેરો સાથે વધુ સ્પર્ધાત્મક બની શકે છે. બે અલગ અલગ જાહેરનામા દ્વારા રાજ્ય સરકારે વિદેશી દારૂ પર લાગતો વેલ્યુ એડેડ ટેક્સ (VAT) 65 ટકાથી ઘટાડીને 25 ટકા કર્યો છે. સાથે જ 30 મીલી દારૂના સર્વિંગ પર વસૂલાતી અંદાજે રૂ. 240 જેટલી વિશેષ ફી પણ સંપૂર્ણપણે દૂર કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
રાજ્ય સરકારે ગિફ્ટ સીટીમાં લિકરના ટેક્સમાં ઘટાડો કર્યો. ગિફ્ટ સીટીમાં લિકર પર 65%થી ટેક્સ ઘટાડીને 25% કરાયો#GIFTCity #GujaratGovernment #LiquorPolicy #TaxCut #PolicyUpdate #GujaratNews #VTVDigital pic.twitter.com/huDJwOUel2
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 24, 2026
અહેવાલો આ ઘટાડાની અસર સમજીએ તો અગાઉ GIFT સિટીની કોઈ વાઇન-એન્ડ-ડાઇન સુવિધામાં 30 મીલી વિદેશી દારૂની મૂળ કિંમત રૂ. 100 હોય તો તેના પર રૂ. 240 વિશેષ ફી અને તે બાદ 65 ટકા VAT લાગતા કુલ કિંમત રૂ. 561 સુધી પહોંચતી હતી. હવે નવા નિયમો બાદ તે જ પીણું અંદાજે રૂ. 125માં ઉપલબ્ધ થશે. તે જ રીતે જો 30 મીલી દારૂની મૂળ કિંમત રૂ. 1,000 હોય તો અગાઉ વધારાની ફી અને ટેક્સ સાથે તેની કિંમત રૂ. 2,046 સુધી જતી હતી. હવે નવા નિયમો પછી તેની કિંમત અંદાજે રૂ. 1,250 રહેશે. જોકે આ તમામ કિંમત સંભવિત હોઇ શકે છે આ અંગે હજી કોઈ ચોક્કસ વિગતો સામે આવી નથી.
ADVERTISEMENT

સૂત્રોના જણાવ્યા મુજબ આ નિર્ણય GIFT સિટી માટે મહત્વપૂર્ણ પરિવર્તન સાબિત થઈ શકે છે, કારણ કે અત્યાર સુધી ઊંચી કિંમતોના કારણે ત્યાં કાર્યરત પ્રોફેશનલ્સ, હોસ્પિટાલિટી ઉદ્યોગ અને સરકારી સ્તરે પણ અસંતોષ જોવા મળતો હતો. અગાઉ તમામ પ્રકારના દારૂ પર પ્રતિ બલ્ક લિટર રૂ. 8,000 જેટલી વિશેષ ફી લાગતી હતી, જે 30 મીલી દીઠ અંદાજે રૂ. 240 જેટલી બનતી હતી. મુંબઈ અને દિલ્હી જેવા મોટા શહેરોમાં આવી કોઈ અલગ વિશેષ ફી લાગુ નથી. ઉપરાંત GIFT સિટીમાં 65 ટકા VAT મૂળ કિંમત ઉપરાંત વિશેષ ફી ઉમેરીને ગણવામાં આવતો હતો, જ્યારે અન્ય રાજ્યોમાં સામાન્ય રીતે માત્ર મૂળ કિંમત પર જ ટેક્સ વસૂલવામાં આવે છે. આ કારણે અંતિમ કિંમત નોંધપાત્ર રીતે વધી જતી હતી.
ADVERTISEMENT

સૂત્રોનું માનવું છે કે, રાજ્ય સરકારે આ નિર્ણય ભવિષ્યમાં યોજાનારી 2030 કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને પણ લીધો હોઈ શકે છે. પ્રસ્તાવિત રમતોત્સવના કેટલાક સ્થળો GIFT સિટીના વિસ્તાર નજીક હોઈ શકે છે અને મહેમાનો માટે ભવિષ્યમાં સમાન પ્રકારની વ્યવસ્થા પણ અમલમાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2023માં ગુજરાત સરકારે પ્રથમ વખત GIFT સિટીમાં દારૂબંધી સંબંધિત નિયમોમાં છૂટ આપી હતી. ત્યારબાદ ડિસેમ્બર 2025 દરમિયાન પણ કેટલાક નિયમોમાં વધુ સરળતા લાવવામાં આવી હતી. સરકારનું માનવું છે કે આ નવા પગલાં દ્વારા GIFT સિટીને બહુરાષ્ટ્રીય કંપનીઓ, નાણાકીય સંસ્થાઓ અને ઉચ્ચ કૌશલ્ય ધરાવતા પ્રોફેશનલ્સ માટે વધુ આકર્ષક બનાવી શકાય.
ADVERTISEMENT
GIFT સિટી શું છે ?
GIFT સિટી એટલે Gujarat International Finance Tec-City, જે ગાંધીનગરમાં વિકસાવવામાં આવેલું ભારતનું આધુનિક આંતરરાષ્ટ્રીય નાણાકીય અને ટેકનોલોજી કેન્દ્ર છે. તેનો મુખ્ય હેતુ વૈશ્વિક સ્તરની બેન્કિંગ, ફાઇનાન્સ, ફિનટેક, ઇન્શ્યોરન્સ અને આંતરરાષ્ટ્રીય બિઝનેસ સેવાઓ માટે એક વિશેષ વ્યવસાયિક ઇકોસિસ્ટમ ઉભું કરવાનો છે. અહીં દેશ-વિદેશની મોટી કંપનીઓ, નાણાકીય સંસ્થાઓ અને ઉચ્ચ કૌશલ્ય ધરાવતા પ્રોફેશનલ્સ કાર્ય કરે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : જર્જરિત હાલતમાં સુભાષ બ્રિજ, પિલરમાં તિરાડો પડતાં AMC બ્રિજ પાડવાનો નિર્ણય લઈ શકે
અહીં દારૂની છૂટ કેમ આપવામાં આવી છે?
ગુજરાતમાં સામાન્ય રીતે દારૂબંધી અમલમાં છે, પરંતુ GIFT સિટીને આંતરરાષ્ટ્રીય બિઝનેસ હબ તરીકે વધુ સ્પર્ધાત્મક અને આકર્ષક બનાવવા માટે અહીં નિયંત્રિત અને નિયમબદ્ધ રીતે દારૂ પીરસવાની મંજૂરી આપવામાં આવી છે. સરકારનું માનવું છે કે વૈશ્વિક કંપનીઓ, વિદેશી રોકાણકારો અને પ્રોફેશનલ્સ માટે અન્ય મોટા શહેરો જેવી જીવનશૈલી અને વ્યવસાયિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાથી GIFT સિટીની આંતરરાષ્ટ્રીય ઓળખ અને રોકાણ આકર્ષણ વધુ મજબૂત બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.