બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / પોતાને સિનિયર માનતા IASને IPS અધિકારીઓએ બરાબરના દોડાવ્યા! ખુદ ભાજપના મંત્રીઓનું પણ નથી માનતા IAS-IPS
Last Updated: 10:22 AM, 24 March 2025
IAS- IPS મંત્રીઓની વાત પણ નથી માનતા, મંત્રીઓ જાય તો જાય ક્યાં
ADVERTISEMENT
છેલ્લા કેટલાક સમયથી એક એવી છાપ ઉભી થઈ છે કે, રાજયમાં અધિકારીઓનું રાજ ચાલે છે. IAS- IPS અધિકારીઓની ઈચ્છા વગર કોઈ કામ થતા નથી. ઘણા કિસ્સામાં મંત્રીઓ આદેશ કરે છતાં અધિકારીઓ આવા કામને ટલ્લાવતા હોય છે. ભુતકાળમાં પણ IAS અધિકારીઓ અમને મળતા નથી, એવી ફરિયાદ ભાજપના જ કેટલાક ધારાસભ્યોએ કરી હતી. ત્યાર બાદ મંત્રીમંડળની કેબિનેટમાં નિર્ણય લેવાયો હતો કે, દરેક અધિકારીએ સોમ અને મંગળવારે ફરજીયાત પોતાની ઓફિસમાં જ બેસવું. મોટી ઈમરજન્સી ન હોય તો મીટીંગ પણ રાખવી નહીં. એટલું જ નહીં ધારાસભ્યો-સાંસદો જ્યારે આવે ત્યારે તેમને મળવું અને તેમની વાત શાંતિથી સાંભળવી. શેઠની શિખામણ ઝાંપા સુધી એ કહેવતની જેમ સરકારના આ આદેશને પણ મોટા ભાગના અધિકારીઓ ઘોળીને પી ગયા છે. તેઓ મોટે ભાગે ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળવાનું પણ પસંદ કરતા નથી. ચાલી રહેલા બજેટ સત્રમાં પણ અધિકારીઓના રાજનો પર્દાફાશ થયો છે. જેમાં વિધાનસભા ગૃહમાં જ ભાજપ અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ ફરિયાદ કરી છે કે, ટોચના અધિકારીઓ અમારું માનતા નથી, સાંભળતા નથી. બે મંત્રીઓએ તો એવું કહ્યું છે કે, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અમારો પ્રોટોકોલ પણ જાળવતા નથી. ભુતકાળમાં ટોચના અધિકારીઓને આદેશ આપનારી સરકાર હવે આ સંદર્ભમાં નવો કયો આદેશ જારી કરે છે તે જોવાનું પણ રસપ્રદ બનશે. એવી ચર્ચા છે કે, સરકારના મંત્રીઓ IAS અને IPS અધિકારીઓ પાસે લાચાર છે.
IPS અધિકારીઓ સિનિયર ગણાતા IAS અધિકારીઓને બરાબરના દોડાવ્યા!
ADVERTISEMENT
છેલ્લા ઘણા સમયથી IAS અને IPS અધિકારીઓ વચ્ચે અમારામાંથી કોણ સુપિરિયર એની ખેંચતાણ ચાલે છે. પરંતુ આ લડાઈમાં હંમેશા IAS લોબીનો હાથ ઉંચો રહ્યો છે. એટલે જ હોમ સેક્રેટરી તરીકે કોઈ IPS અધિકારી હોવા જોઈએ એ વાત આજે પણ સપનું રહ્યું છે. ગત અઠવાડિયે ગાંધીનગરમાં IITના ગ્રાઉન્ડમાં IAS અને IPS અધિકારીઓ વચ્ચે ટી-20ની ક્રિકેટ મેચ યોજાઈ હતી. જેમાં મુખ્ય સચિવ પંકજ જોશી તેમજ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સહિતના અનેક IAS-IPS અધિકારીઓએ ભાગ લીધો હતો. ટોસ જીતીને IAS અધિકારીઓએ બેટિંગ લીધી હતી. શરૂઆત સારી થયા બાદ ધડાધડ વિકેટો પડી ગઈ હતી. આખરે IAS ની ટીમે 20 ઓવરમાં 133 રન બનાવી લીધા હતા. જેના જવાબમાં બેટિંગ માટે ઉતરેલી IPSની ટીમે પણ જબરજસ્ત પરફોર્મન્સ આપ્યું હતું. શરૂઆતથી જ આક્રમક ફટકાબાજી કરી હતી. એક યુવાન IPSએ ફિફ્ટી કરી નાખી હતી. જેથી IPSની ટીમ ખુબ સરળતાથી જીતી જાય તેમ લાગતું હતું. IPS અધિકારીઓએ સિનિયર ગણાતા IASઅધિકારીઓ પાસે બરાબરની ફિલ્ડિંગ કરાવી હતી. બાઉન્ડ્રી લાઈન પર ખૂબ દોડાવ્યા હતા. જો કે, ફિફ્ટી પૂરી થયા બાદ ખેલદીલી રાખીને આ IPS અધિકારીનો દાવ ડીકલેર કરાયો હતો. ત્યાર બાદ IPSની ટીમની પણ ત્રણેક વિકેટ પડી જતા IAS લોબીમાં ઉત્સાહ જાગ્યો હતો. જો કે, પૂછડીયા બેટ્સમેનોએ પણ IAS અધિકારીઓને દોડાવ્યા હતા. તેમજ જીતનો ટારગેટ 19 ઓવરમાં જ પૂરો કર્યો હતો.

ADVERTISEMENT
વાઈબ્રન્ટ સમિટમાં કેટલાક IAS અધિકારીઓનું વિદેશ જવાનું સપનું અધૂરું રહેશે
દર બે વર્ષે યોજાતી વાઈબ્રન્ટ સમિટ આગામી જાન્યુઆરીમાં યોજાવાની થાય છે, બજેટ સત્ર પહેલા આ સંદર્ભમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં પ્રાઈમરી ચર્ચા પણ થઈ હતી. બજેટ સત્ર બાદથી તેની તૈયારીઓ કરવાનું નક્કી કરાયુ હતુ. સામાન્ય રીતે દર સમિટ પહેલા સરકાર ઝીણવટથી આયોજન કરાતું હોય છે. જેમાં વિવિધ અધિકારીઓની જૂદી જૂદી સમિતિઓ બનાવીને તેમને ચોક્કસ જવાબદારી સોંપાતી હોય છે. આ બધામાં IAS અધિકારીઓને વિદેશમાં કયા અધિકારીને મોકલે છે તેમાં વધુ રસ હોય છે. આ વર્ષમાં કેટલાક અધિકારીઓ વયનિવૃત પણ થવાના છે. તેમાંથી ઘણાને વિદેશ જવાની ઈચ્છા હતી. ઉપરાંત અન્ય કેટલાક અધિકારીઓએ પણ સરકારી ખર્ચે VVIP સગવડો ભોગવવાની ઈચ્છા અધુરી હતી. કેટલાક IAS અધિકારીઓએ તો વિદેશમાં પોતાને જવા મળે તે માટે સરકારમાં લોબીંગ પણ શરૂ કરી દીધુ હતુ. પણ, આગામી વર્ષે એટલે કે જાન્યુઆરી 2026માં વાઈબ્રન્ટ સમિટી યોજાવાની શક્યાતાઓ ખુબ જ ઓછી છે.જેના માટે એવુ કારણ અપાઈ રહ્યુ છે કે, સામાન્ય રીતે એકી વર્ષમાં જ સમિટ યોજાતી હોય છે. કોરાનાને કારણે 2021માં સમિટ યોજી શકાઈ નહોતી પરંતુ ગત વર્ષે એટલે કે બેકી વર્ષમાં સમિટ યોજાઈ હતી. એટલે કે હવે વાઈબ્રન્ટ સમિટ જાન્યુઆરી 2026ના બદલે 2027માં યોજાશે. જો આવું થશે તો વિદેશ જવાના અનેક આઈએએસ અધિકારીઓના સપના સાકાર થઈ શકશે નહીં, કારણ કે સમિટ પહેલા તેઓ નિવૃત્ત થઈ જશે.
ADVERTISEMENT

જો પોલીસ ગુનેગાર હોય તો તેમનો પણ વરઘોડો કાઢો, પૂર્વ મંત્રીનું સૂચન
ADVERTISEMENT
સરકારના પૂર્વ મંત્રી અને હાલમાં સુરત વરાછા વિસ્તારના ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણી પોતાના આખાબોલા સ્વભાવ માટે જાણીતા છે. ભુતકાળમાં પણ તેઓ મંત્રી હતા ત્યારે પણ તેઓ બિન્દાસ્ત રીતે બોલતા હતા. તાજેતરમાં તેઓએ સુરતના પોલીસ કમિશનરને એક પત્ર લખ્યો છે. જેમાં લખ્યું છે કે, સુરત એ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું શહેર છે. આમ છતાં ગુનાખોરી બેફામ છે. હાલમાં અમરેલીની પાટીદારની દીકરીને લેટર કાંડના આક્ષેપમાં પકડીને પોલીસે તેનો વરઘોડો કાઢ્યો હતો. લોકોમાંથી ગુંડાઓનો ડર દૂર કરવા માટે પોલીસ ઘણી વખત રીઢા ગુનેગારોનો જાહેરમાં વરઘોડો કાઢતી હોય છે. કિશોર કાનાણીએ પત્રમાં લખ્યું છે કે, જે રીતે પોલીસ ગુનેગારોનો વરઘોડો કાઢે છે, તે જ રીતે તોડબાજી કરનારા પોલીસ અધિકારીઓનો પણ વરઘોડો કાઢવો જોઈએ. તાજેતરમાં જ સુરતમાં એક પોલીસ અધિકારી તોડ કર્યાનું સાબિત પણ થયું હતું. આવા પોલીસ અધિકારીઓને લોકો સમક્ષ ખુલ્લા કરવા જોઈએ. કાનાણીના પત્રને લઈને સચિવાલયમાં ચર્ચા શરૂ થઈ છે કે, પૂર્વ મંત્રીના વાતમાં દમ તો છે. કેમ કે, જો તોડબાજ પોલીસનો વરઘોડો કાઢવામાં આવે તો સમાજમાં પોલીસની તોડબાજી ઘટી જશે. કેમ કે, બદનામીના ડરથી પોલસ તોડબાજી કરશે નહીં. ખુદ પોલીસનો જ વરઘોડો કાઢવાની વાત સરકાર અને ડીજીપી સહિતના અધિકારીઓ સ્વીકારે છે કે કેમ તે પ્રશ્ન મોટો છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે ફરીથી મહિલાનું નામ ચર્ચામાં, સૌરાષ્ટ્રમાંથી હોવાની શક્યતા
ADVERTISEMENT
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખનુ કોકડું ઘણા સમયથી ગુંચવાયેલુ છે. ધૂળેટી પર્વ પછી તુરંત જ ભાજપના નવા પ્રમુખની જાહેરાત થઈ જશે એવું મનાતું હતું. ભાજપના જ નેતાઓ આગેવાનો ચર્ચા કરતા હતા કે, હવે ગમે તે ક્ષણે પ્રમુખની વરણીની જાહેરાત કરી દેવાશે. હોળી ધૂળેટી બાદ ભાજપના ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવના પિતાજીનુ નિધન થતા તેઓ પોતાના વતન જતા રહ્યા હતા. જ્યાં પિતાની વિવિધ ધાર્મિક વિધિ માટે થોડા દિવસો રોકાયા હતા. જો કે, હવે તેઓ દિલ્હી પરત આવી ગયા છે. પણ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનો મામલો હજુ લટકેલો જ છે. આ સ્થિતિમાં ફરીથી ના અંગ ચર્ચા શરૂ થઈ છે. છએક મહિના પહેલા એવી ચર્ચા હતી કે આ વખેત ભાજપ હાઈકમાન્ડ કદાચ સૌ પ્રથમ વખત ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે કોઈ મહિલાની નિયુક્તિ કરશે. જો કે ત્યાર બાદ ફરીથી મહિલાના નામને બદલે અન્ય નામોની ચર્ચા શરૂ થઈ હતી. જો કે, ભાજપના કાર્યકરો આગેવાનો નામોની ચર્ચા કરી કરીને થાક્યા હતા. હવે ફરીથી મહિલાને પ્રમુખ તરીકે નિમણૂક અપાઈ શકે છે તે પ્રકારની ચર્ચા શરૂ થઈ છે. ભાજપની કોઈ મહિલા નેતા સૌરાષ્ટ્રમાંથી હોઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.