બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેને લઇ મોટા સમાચાર, ગડકરી-CMની બેઠક રંગ લાવી
Last Updated: 11:45 AM, 10 July 2026
Ahmedabad Dholera Expressway : ગુજરાતમાં માર્ગ માળખાકીય વિકાસને વધુ વેગ આપવા માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યમાં ચાલી રહેલા અને આગામી નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સની પ્રગતિની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી તેમજ અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા.
ADVERTISEMENT
આ બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર-સામખિયાળી કોરિડોરના માર્ગ વિસ્તરણના કામોને વધુ ઝડપથી પૂર્ણ કરવા કેન્દ્રીય મંત્રીને અનુરોધ કર્યો હતો. આ માર્ગ ઉત્તર ગુજરાત અને કચ્છ વચ્ચેના પરિવહન માટે અત્યંત મહત્વનો હોવાથી તેની કામગીરીને પ્રાથમિકતા આપવા ભાર મૂકાયો હતો.
રાજ્ય માટેના સૌથી મહત્વપૂર્ણ નિર્ણયો પૈકી એક તરીકે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવવાની કામગીરી આગામી ત્રણ મહિનામાં શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સૌરાષ્ટ્ર વિસ્તારની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે અને ઔદ્યોગિક તેમજ વેપારિક વિકાસને પણ નવી દિશા મળશે.
ADVERTISEMENT
ગાંધીનગર ખાતે માનનીય કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી @nitin_gadkari જી ની સાથે ગુજરાતમાં આકાર લઈ રહેલા વિવિધ નેશનલ હાઈવે પ્રોજેક્ટની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી. pic.twitter.com/f4JCqG06co
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 9, 2026
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રાજ્ય સરકારને સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (CRIF) હેઠળ નેશનલ હાઈવે સંબંધિત વિવિધ પ્રોજેક્ટ્સ માટે જરૂરી દરખાસ્તો ઝડપથી મોકલવા અનુરોધ કર્યો, જેથી કેન્દ્ર તરફથી વધુ નાણાકીય સહાય પ્રાપ્ત થઈ શકે. બેઠકમાં રાજ્ય સરકારે અપનાવેલા એક મહત્વપૂર્ણ વહીવટી મોડેલની પણ પ્રશંસા કરવામાં આવી. રોડ પ્રોજેક્ટ માટે DPR તૈયાર થતી હોય તે સમયગાળા દરમિયાન રોડ અલાઈનમેન્ટમાં આવતી જમીનના સંપાદનની પ્રક્રિયા સરળ બને તે માટે બિનખેતી મંજૂરી સંબંધિત કાર્યવાહી 60 દિવસ માટે સ્થગિત રાખવાની વ્યવસ્થા ગુજરાતે અમલમાં મૂકી છે. કેન્દ્રીય મંત્રી ગડકરીએ આ મોડલને સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ ગણાવ્યું.
ADVERTISEMENT
પર્યાવરણના સંરક્ષણને ધ્યાનમાં રાખીને રોડ વિસ્તરણ દરમિયાન માર્ગમાં આવતા વૃક્ષોને કાપવાના બદલે શક્ય હોય ત્યાં સુધી તે જ માર્ગ પર અન્ય સ્થળે ટ્રાન્સપ્લાન્ટ કરવાની દિશામાં પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પર્યાવરણમૈત્રી વિકાસના અભિગમને આગળ વધારવા આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. બેઠકમાં વડોદરા-મુંબઈ નેશનલ હાઈવે-48ના સિક્સ લેન પ્રોજેક્ટ, મોરબી-સામખિયાળી માર્ગના સામખિયાળી-માળિયા વિભાગ, રાજકોટ-ગોંડલ-જેતપુર રોડ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે, અમદાવાદ-ગોધરા-ઇન્દોર માર્ગ, જામનગર-અમૃતસર એક્સપ્રેસ-વે, પાલનપુર-સામખિયાળી કોરિડોર તેમજ અમદાવાદ-શામળાજી સિક્સ લેન સહિતના વિવિધ મહત્વપૂર્ણ માર્ગ પ્રોજેક્ટ્સની પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
ADVERTISEMENT
મુખ્ય સચિવ એમ. કે. દાસ અને મુખ્યમંત્રીના સલાહકાર એસ. એસ. રાઠૌરે અગાઉ યોજાયેલી બેઠક બાદ થયેલી કામગીરીની વિગત રજૂ કરી હતી, જેના પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મહેસૂલ, માર્ગ-મકાન, વન-પર્યાવરણ, સામાન્ય વહીવટ વિભાગ, NHAI તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં રાજ્યના માર્ગ વિકાસને વધુ ગતિ આપવા, જમીન સંપાદન, નાણાકીય સહાય અને પ્રોજેક્ટ અમલીકરણને ઝડપી બનાવવા પર વિશેષ ભાર મૂકાયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.