રાજ્યમાં નવા ટ્રાફિક નિયમોના વિરોધ વચ્ચે સરકારે 15 દિવસની છૂટછાટ આપીને નાગરિકોનો રોષ ખાળવાનો પ્રયોગ કર્યો છે. પરંતુ વર્તમાન વ્યવસ્થા જોતાં પંદર દિવસ બાદ પણ સ્થિતિમાં વધારે ફેરફાર જોવા મળશે નહીં તેવું લાગી રહ્યું છે. કેમ કે નાગરિકો એટલા જાગૃત બની ગયા છે કે, કાયદા બનાવનારને સવાલ કરતાં થઈ ગયા છે. તેમનો આ સવાલ હવે સરકારનાં ઊઘરાણાપત્ર પર ઊઠ્યો છે. શું છે આ ઊઘરાણા પત્ર તે જોઈએ આ અહેવાલમાં.
રાજ્યમાં જ્યારથી નવા ટ્રાફિક રૂલ્સ લાદવામાં આવ્યાં છે ત્યારથી નાગરિકોમાં ભારે અફરાતફરી મચી ગઇ છે. સરકારે લોકોને ઊંઘતા રાખીને લાદી દીધેલા કડક ટ્રાફિક નિયમોના કારણે લોકો રસ્તાઓ પર કતારબદ્ધ જોવા મળી રહ્યાં છે. નોટબંધી વખતે સર્જાયા હતાં તેવાં જ દ્રશ્યો આ દિવસોમાં જોવા મળી રહ્યાં છે. નાગરિકો કામ-ધંધા મૂકીને ડ્રાઈવિંગ લાઈસન્સ, પીયુસી, હેલ્મેટ અને વ્હીકલ વીમાની વ્યવસ્થા કરવા વ્યસ્ત બન્યાં છે.
સોશિયલ મીડિયામાં સરકારનો પરિપત્ર વાયરલ થતાં લોકોમાં ઉગ્ર રોષ
નાગરિકો આમ તો લાઈનમાં શિસ્તબદ્ધ ઊભેલા દેખાય છે પરંતુ તેમના દિલ અને દિમાગમાં સરકાર વિરુદ્ધ ઘમાસાણ ચાલી રહ્યું છે અને મોકો મળે ત્યારે સરકાર સામે સવાલ પર સવાલ કરવા લાગ્યા છે. લોકોને આવો મોકો ત્યારે મળી ગયો કે જ્યારે તેમની નજરે સરકારનો પરિપત્ર ચડ્યો. વાહન વ્યવહાર કમિશનરની કચેરી, ગાંધીનગરે નાણાંકીય વર્ષ 2019-20 માટે ગુજરાતમાંથી 5100 કરોડ દંડ પેટે ઉઘરાવવાનો ટાર્ગેટ આપ્યો છે. એકલા મહેસાણા જિલ્લાને 138.18 લાખનો ટાર્ગેટ અપાયો છે. આ સંદર્ભનો પત્ર બુધવારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો તો લોકોને સરકાર સામે રોષ વ્યક્ત કરવાનું એક સબળ કારણ મળી ગયું.
ગુજરાતની ભાજપ સરકારે ટ્રાફિક નિયમના નામે લોકોના ખિસ્સામાંથી 5100 કરોડ રૂપિયા ખંખેરી લેવાનો ટાર્ગેટ આપ્યો છે. ગાંધીનગરથી જે આદેશ છૂટ્યાં છે તેમાં એકલા મહેસાણા જિલ્લાની કચેરીને 138.18 લાખનો ટાર્ગેટ અપાયો છે. આ માટે મોટર વાહન નિરીક્ષકને મહિને 9 લાખ તેમજ સહાયક મોટર વાહન નિરીક્ષકને 9 લાખનો ટાર્ગેટ અપાયો છે. બંને અધિકારીઓની ટીમો આખા વર્ષમાં ચોવીસેય કલાક ચેક પોઈન્ટ પ્રમાણે કાર્યરત રાખવા આદેશ કરાયો છે, ચેકિંગ અધિકારીઓની ટીમ દ્વારા રોજ 8-8 કલાક કામગીરી કરવાની તાકીદ કરાઈ છે.
ટ્રાફિક દંડ
સલામતીની આડમાં મોટી રકમ ઉઘરાવવાની સરકારની પેરવી
અધિકારીઓએ જે કંઈ ઊઘરાણા કર્યા હોય તેનો રિપોર્ટ રોજેરોજ 4.0 અને ઈ-ચલણમાં અપલોડ કરવાનો આદેશ આપ્યો છે. તો અમદાવાદ-સુરત-વડોદરા જેવા શહેરો માટે તો ખૂબ તગડી રકમનો ટાર્ગેટ આપ્યો છે તે વાત નક્કી છે. દેખીતી રીતે જ લોકોની સલામતીની આડમાં સરકાર મોટી રકમ ઉઘરાવવાની પેરવી કરી રહી છે. છતાં ગુજરાતની ભાજપ સરકાર વારંવાર એવું રટણ કરી રહી છે કે, સરકારને દંડની રકમમાં કોઈ રસ નથી, લોકોની સલામતી માટે કાયદો છે.
સરકારની આ નીતિ એ બતાવી રહી છે કે, લોકોની સલામતીના બહાનાની આડમાં તિજોરી ભરવા માંગે છે. સરકાર ચોક્કસ આંકડામાં નાણાં સરકારી તિજોરીમાં જમા થાય તેવો ટાર્ગેટ રાખી રહી છે અને વાત કરે છે નાગરિકોની સલામતીની પરંતુ જો સરકારને નાગરિકોની સલામતીની જ ચિંતા હોય તો પછી દરેક નાગરિકોને ચોક્કસ સમય મર્યાદામાં વિના શુલ્ક ડ્રાઈવિંગ લાઈસન્સ મળી જાય, હેલ્મેટ મળી જાય, પીયુસી મળી જાય, આરસીબુક મળી જાય અને રોડ રસ્તા રિપેર થઈ જાય. તે ટાર્ગેટ સરકાર કેમ નથી રાખતી? હકીકતમાં લોકો દંડ ભરશે તો તેની સલામતી નિશ્ચિત થઈ જશે તેવો કોઈ તર્ક નથી. પરંતુ સરકાર રોડ રસ્તા રિપેર કરવાનો અને ડોક્યુમેન્ટ અંગે નાગરિકોની બેચેની ઓછી કરવાનો ટાર્ગેટ પૂર્ણ કરશે તો અકસ્માતોની સંખ્યા ચોક્કસ ઘટશે જ તે વાત નક્કી છે.
5100 કરોડની રકમ ટેક્સને લઇને છે સુનૈના તોમર જણાવ્યું હતુ કે, વાહન ચાલકો દંડ અને લક્ષ્યાંક મુ્દાને કોઇ લેવા દેવા નથી. સરકાર જનતા પાસેથી પેનલ્ટી વસૂલવામાં રસ નથી. સરકાર પાસે જતી દંડની રકમ કે વાહનવ્યવહાર વિભાગના આ ટાર્ગેટમાં ચેકપોસ્ટ, બસ ટેક્સ બધી આવતનો સમાવેશ થઈ જાય છે. દર વર્ષે વાહનવ્યવહાર વિભાગને આ અંગે એક ટાર્ગેટ આપવામાં આવે છે.