બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / EXCLUSIVE Dispute over approval by gujarat govt of private jetty adjacent to Kandla port

વિવાદ / EXCLUSIVE : કંડલા પોર્ટને અડીને જ ખાનગી જેટ્ટીની મંજૂરીથી વિવાદ; સરકાર અને કંપની વચ્ચે મિલીભગતની ચર્ચા

vtvAdmin

Last Updated: 03:18 PM, 20 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છમાં આવેલા કંડલા પોર્ટની નજીકમાં ગુજરાત સરકારે કચ્છની સ્થાનિક કંપની આહિર સોલ્ટ એન્ડ એલાઈડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (ASAPPL)ને જેટ્ટી બનાવવાની પરવાનગી આપતા વિવાદ ઉભો થયો છે. ત્યારે શું ખરેખર આ મામલામાં કરોડોના કૌભાંડની ગંધ આવી રહી છે? આક્ષેપો છે કે આ પ્રાઈવેટ જેટ્ટીની પરવાનગી ગેરકાયદેસર રીતે આપવામાં આવી છે ત્યારે શું સરકાર અને ખાનગી કંપની વચ્ચે કોઈ સાંઠગાંઠ છે તેવા સવાલો ઊભાં થઈ રહ્યાં છે. નોંધનીય છે કે કંડલા પોર્ટ કેન્દ્ર સરકારને હસ્તક છે અને કંડલા પોર્ટે આ જેટ્ટી ગેરકાયદેસર હોવાનો આક્ષેપ મુક્યો છે. મીઠાના ઉત્પાદન માટે આપેલી જમીનમાંથી અમુક હિસ્સાને જેટ્ટી માટે આપી દેવાતા સમગ્ર વિવાદ ઊભો થયો છે.

સમગ્ર મામલા વિશે જો વાત કરવામાં આવે તો ગુજરાત સરકારે આહિર સોલ્ટ એન્ડ એલાઈડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડને (ASAPPL) કંડલા પોર્ટની ખૂબ નજીક એક જેટ્ટી બનાવવાની પરવાનગી આપી છે  જેમાં લીકવીડ અને ડ્રાય સ્ટોરેજ ટર્મિનલની સુવિધા હશે. અહીં કુલ 44 ટેન્ક ઇન્સ્ટોલ કરવામાં આવશે જેની કુલ ક્ષમતા 92488 કિલો લીટર હશે.

આ પ્રોજેક્ટ માટે આહિર સોલ્ટે જે 1317.56 એકર જમીન ગુજરાત સરકાર પાસેથી મીઠાના ઉત્પાદન માટે લીઝ માટે લીધી હતી અને તે વિસ્તારમાંથી 94.56 એકર જમીન જેટ્ટીના નિર્માણ માટે ઉપયોગમાં લેવાશે. આ મામલે હવે કંડલા પોર્ટે આ ખાનગી જેટ્ટી બનાવવાની મંજૂરી ગેરકાયદેસર હોવાનો આક્ષેપ મૂકી વિરોધ નોંધાયો છે આમ છતાં ગુજરાત સરકાર આહિર ગ્રુપને સતત બચાવવામાં વ્યસ્ત છે જેથી આ મામલે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે તેવા સમાચાર સુત્રો તરફથી મળી રહ્યા છે.

ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા મોટા પાયે ગેરરીતિ આચરાઈ હોવાની શક્યતા

સુત્રોના મતે જયારે કંડલા પોર્ટ પોતાના વાંધા પ્રદર્શિત કરી રહ્યું હતું ત્યારે ગુજરાત મેરીટાઈમ બોર્ડ ધરાર આહિર ગ્રુપને જેટ્ટીની પરવાનગી આપવાની પ્રક્રિયામાં વ્યસ્ત હતું. જો કે ગુજરાત મેરીટાઈમ બોર્ડે કાયદાકીય સહાય લીધી છે અને એક ખાનગી લૉ ફર્મને કન્સલ્ટ કરીને પરવાનગી આપવાનો નિર્ણય લીધો છે.   

VTVGujarati.comને અંદરના સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ રાજકીય નેતાઓ અને અધિકારીઓનું એક ચોક્કસ જૂથ આહિર ગ્રુપની તરફદારી કરીને તેમની મદદ કરી રહ્યું છે. વિચારવાની વાત એ છે કે કેન્દ્રીય શિપિંગ મિનિસ્ટ્રી પણ આહિર જૂથને મળી રહેલી આ ફેવર મુદ્દે ચુપકીદી સાધી રહ્યા છે. નોંધનીય છે કે શિપિંગ મિનિસ્ટ્રી એ કેન્દ્ર સરકાર હસ્તક કંડલા પોર્ટ સહિતના મોટાભાગના પોર્ટસ કંટ્રોલ કરે છે. 

એ પણ ઉલ્લેખનીય છે કે હમણાં જ ગુજરાત સરકારે 94 એકરની મીઠું પકવતી જમીનને પોર્ટ પ્રોજેક્ટમાં કન્વર્ટ કરવા માટેની કામગીરી ચાલુ કરી છે. આ બધી હિલચાલ જોતા આ શંકાસ્પદ પ્રોજેક્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય તેવી શંકા સેવાઈ રહી છે.  

ગુજરાત સરકાર શા માટે આહિર સોલ્ટ ગ્રુપની તરફેણ કરી રહ્યું છે?

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે એવું કહેવાય છે કે આ મુદ્દે આહિર સોલ્ટ ગ્રુપને કેટલાક રાજકીય વાયદાઓ કરવામાં આવ્યા હતા જેને કારણે અત્યારે સરકાર ASAPPLના પક્ષે ઉભી છે. ASAPPLએ એવો દાવો કર્યો છે કે આ વિસ્તારમાં 1972 સુધી એક કથિત જેટ્ટી હતી જ અને અત્યારે તેઓ એ જ જેટ્ટીનો પુનરોદ્ધાર કરવા જઈ રહ્યા છીએ. જો કે આ કથિત જેટ્ટી અહીં પહેલેથી હોવાનો દાવો તદ્દન ઉપજાવી કાઢેલો અને બનાવટી જણાય છે અને આ મામલે કંડલા પોર્ટે કેટલાક ગંભીર સવાલો ઉઠાવ્યા છે. 

શું છે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના આક્ષેપો?

DPTના જણાવ્યા મુજબ તેમને ASAPPL તરફથી વારંવાર આ કથિત જેટ્ટી મુદ્દે વાત કરવામાં આવી હતી અને દીનદયાળ પોર્ટના વિસ્તારમાંથી પેસેજ આપવા માટે વારંવાર વિનંતી કરવામાં આવી હતી. જયારે થોડા સમય પહેલા DPTને ગુજરાત સરકારના ગુજરાત મેરીટાઈમ બોર્ડ તરફથી સત્તાવાર સુચના મળી હતી. DPTની દલીલ છે કે આ જેટ્ટીના નિર્માણ માટે કેન્દ્ર સરકારની પરવાનગી લેવી જરૂરી છે જે ગુજરાત મેરીટાઈમ બોર્ડે લીધી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર હસ્તક પોર્ટની જગ્યાની અંદર બીજો એક પોર્ટ બનાવવાની સત્તા રાજ્ય સરકાર પાસે નથી. આ જેટ્ટીની આખી જગ્યા DPTની જમીનની અંદર આવે છે. આ ઉપરાંત તેમને કોઈ વોટર ફ્રન્ટ મેળવવાનો પણ અધિકાર નથી. આ ઉપરાંત તેમણે ભારત સરકારની પાર્લામેન્ટરી કમિટીના નિવેદનને પણ ટાંક્યું હતું જેમાં કહેવામાં આવ્યું છે કે બે પોર્ટની વચ્ચે ઓછામાં ઓછા 100 કિમીનું અંતર હોવું જોઈએ. આ કિસ્સામાં તેનું ઉલ્લંઘન થાય છે. 

તેમણે આ મુદ્દે સુરક્ષાનો મામલો આગળ ધરીને કહ્યું હતું કે કંડલા પોર્ટને CISFની સુરક્ષા મળે છે અને પાકિસ્તાનથી ખૂબ નજીક હોવાથી તે સુરક્ષાની રીતે સંવેદનશીલ સ્થળ છે. અહીં કોઈ ખાનગી કંપનીને જેટ્ટી બનાવવા માટે પરવાનગી આપવી જોખમી છે. આ ઉપરાંત એ પણ ઉમેરવામાં આવ્યું હતું કે પર્યાવરણ એટલે કે ecologyની દ્રષ્ટિએ પણ આ નિર્ણય જોખમી છે. 

ગુજરાત મેરીટાઈમ બોર્ડની દલીલ

ગુજરાત મેરીટાઈમ બોર્ડની દલીલ છે કે તેમણે જે 2.1 સ્ક્વેર માઈલની જમીન માટે જેટ્ટીની પરવાનગી આપી છે તે જમીન ગુજરાત સરકારને હસ્તગત છે. ગુજરાત સરકારને હસ્તગત જમીન માટે તેમણે ભારત સરકારની પરવાનગી લેવાની જરૂર નથી. 

તેમણે જણાવ્યું હતું કે ગુજરાત મેરીટાઈમ બોર્ડ એક્ટના સેક્શન 4 અનુસાર તેઓ માઈનોર પોર્ટ બનાવવાની મંજૂરી આપી શકે છે. તેમણે કહ્યું હતું કે જેટ્ટીની પરવાનગી માટેની જમીન જેને 'મીઠી રોહર' પોર્ટ કહે છે તેની ઉપર DPTનો દાવો ખોટો છે કે તે DPT અથવા કેન્દ્ર સરકારને હસ્તક હતી અને તે હંમેશાથી ગુજરાત સરકારને હસ્તક હતી. તેમણે આ મુદ્દે કહ્યું હતું કે કંડલા પોર્ટ ઓર્ગેનાઈઝેશનને 1954માં જમીન લીઝ આપતી વખતે આ 2.1 કિમીનો વિસ્તાર બાકાત રાખ્યો હતો.

આ ઉપરાંત ગુજરાત મેરીટાઈમ બોર્ડ એવી ખાતરી પણ આપી રહ્યું છે કે નવો પોર્ટ પર્યાવરણની દ્રષ્ટિએ CRZના તમામ નિયમોનું પાલન કરશે અને આસપાસના મેન્ગૃવના વૃક્ષો અથવા અન્ય જીવસૃષ્ટિને કોઈ નુકશાન ન થાય તેનું ધ્યાન રાખીને પ્રોજેક્ટ એક્ટિવિટી કરશે.

ASAPPLની શું છે યોજના?

ASAPPL જેટ્ટીમાં લીક્વીડ ટર્મિનલ, પાઈપલાઈન, રોડ કનેક્ટિવિટી, રેલ્વે લાઈન અને સાઈડિંગ બનાવવાની યોજના ધરાવે છે. આ જેટ્ટીમાં વાર્ષિક 0.3 મિલિયન મેટ્રિક ટન લીક્વીડ કાર્ગો અને વાર્ષિક 0.6 મિલિયન મેટ્રિક ટન સોલીડ કાર્ગો હેન્ડલ કરવાની યોજના છે. જેટ્ટીની વોટર ફ્રન્ટ લેન્ધ 230 મીટર જેટલી હશે. આ ઉપરાંત પ્રોજેક્ટમાં માલસામાનની અવર જવર માટે જુદી રેલ્વે લાઈન નાંખવાની પણ યોજના છે.

કંડલા પોર્ટને મોટો આર્થિક ફટકો પડી શકે તેવી શક્યતા

કંડલા પોર્ટ દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ એટલે કે DPT દ્વારા સંચાલિત કેન્દ્ર સરકાર હસ્તક પોર્ટ છે. અહીં 2015-2016ના વર્ષ પ્રમાણે આ પોર્ટ 106 મિલિયન કાર્ગો હેન્ડલ કરતો હતો. કંડલાનું Port of Kandla Special Economic Zone (KASEZ) એ ભારત અને એશિયામાં પ્રથમ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન છે. કંડલા પોર્ટ એ દેશનું સૌથી મોટું મલ્ટી પ્રોડક્ટ SEZ છે. હાલ કંડલા પોર્ટ એ ભારતમાં સૌથી વધુ કમાણી કરતો પોર્ટ છે. અહીંથી પેટ્રોલિયમ, કેમિકલ્સ, આયર્ન, સ્ટીલ, આયર્ન મશીનરી જેવા ઉત્પાદનોની આયાત અને મીઠું, કાપડ, અનાજ જેવા ઉત્પાદનોની નિકાસ અને હેરફેર થાય છે. આ પોર્ટને કારણે આસપાસ એક વિકસિત શહેર ઉભું થયું છે અને કચ્છ જિલ્લાના વિકાસમાં કંડલા પોર્ટનો સિંહ ફાળો છે.

જો આ જેટ્ટીનું નિર્માણ થઇ જાય તો કંડલા પોર્ટને આર્થિક રીતે મોટા પ્રમાણમાં નુકશાન વેઠવું પડી શકે તેમ છે. આંકડાઓ મુજબ કંડલા પોર્ટ 2018-2019 પ્રમાણે સૌથી વધુ ટ્રાફિક વોલ્યુમ હેન્ડલ કરી રહેલો પોર્ટ છે. અહીંથી 115.4 મેટ્રિક ટન જેટલો માલ હેન્ડલ થાય છે જે દેશમાં સૌથી વધારે છે. બીજા ક્રમે ઓરિસ્સાનો પારાદીપ પોર્ટ 109 મેટ્રિક ટન જેટલો માલ હેન્ડલ કરે છે જયારે ત્રીજા ક્રમે મુંબઈનો જવાહરલાલ નેહરુ પોર્ટ 70.70 મેટ્રિક ટન જેટલો માલ હેન્ડલ કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Maritime Board Private Jetty Dispute Vtv Exclusive kandla port Vtv Exclusive
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ