ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:42 AM, 27 November 2026
ADVERTISEMENT
કેન્દ્ર સરકાર સંસદની બંને ગૃહોની બેઠક ફરી બોલાવવાની તૈયારી કરી રહી છે. આ બેઠકમાં સીમાંકન અને મહિલા અનામત સાથે જોડાયેલા બંધારણીય સુધારા બિલને લઈને ચર્ચા થઈ શકે છે. જો આ બિલ લોકસભામાં રજૂ થાય અને તેના પર મતદાન થાય તો સરકાર માટે બે તૃતીયાંશ બહુમતી મેળવવી મોટો પડકાર બની શકે છે. હાલ NDA પાસે 320 સાંસદોનું સમર્થન હોવાનું ગણિત છે, પરંતુ જરૂરી આંકડા સુધી પહોંચવા માટે હજુ વધુ સાંસદોના સાથની જરૂર પડશે. બીજી તરફ, કેટલાક પ્રાદેશિક પક્ષોનું વલણ આ બિલના ભવિષ્ય માટે નિર્ણાયક બની શકે છે.
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે લોકસભા અને રાજ્યસભાની બેઠક ફરી બોલાવવા માટે વિનંતી કરી છે. સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુના જણાવ્યા અનુસાર, જરૂરી સરકારી કામકાજ પૂર્ણ કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી રહી છે. આ આયોજન મુજબ લોકસભાની બેઠક 30 નવેમ્બરે અને રાજ્યસભાની બેઠક 2 ડિસેમ્બરે મળી શકે છે.જોકે, આ બેઠક માત્ર સરકારી કામકાજ પૂરતી મર્યાદિત રહેશે કે તેમાં કોઈ મોટું રાજકીય પગલું પણ ભરાશે તેને લઈને ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને સીમાંકન અને મહિલા અનામત સાથે જોડાયેલા બંધારણીય સુધારા બિલને લઈને રાજકીય પક્ષોની નજર સંસદની બેઠક પર છે.
ADVERTISEMENT
સીમાંકન એટલે વસ્તી અને અન્ય નક્કી કરાયેલા માપદંડોના આધારે લોકસભા તથા વિધાનસભાની બેઠકોની સીમાઓ અને સંખ્યામાં ફેરફાર કરવાની પ્રક્રિયા. હાલ લોકસભામાં 543 બેઠકો છે. ચર્ચા મુજબ, સીમાંકન પ્રક્રિયા દ્વારા લોકસભાની બેઠકો વધારીને વધુમાં વધુ 850 સુધી લઈ જવાનો પ્રસ્તાવ આવી શકે છે.આ ફેરફારનો એક મોટો હેતુ 2029ની લોકસભા ચૂંટણી પહેલાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત લાગુ કરવાનો રસ્તો તૈયાર કરવાનો હોવાનું માનવામાં આવે છે. જો આ દિશામાં બંધારણીય સુધારો કરવામાં આવે તો દેશની રાજકીય વ્યવસ્થામાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.જોકે બેઠકો વધારવાનો પ્રસ્તાવ કયા સ્વરૂપમાં આવે છે અને દરેક રાજ્યને કેટલી બેઠકો મળે છે તેના પર રાજકીય પક્ષોનું વલણ નિર્ભર રહેશે.
ADVERTISEMENT
સીમાંકન બિલ માટે બંધારણીય સુધારો રજૂ કરવામાં આવે અને તેના પર મતદાન થાય તો તેને પસાર કરાવવા માટે બે તૃતીયાંશ બહુમતીની જરૂર પડી શકે છે. લોકસભાની કુલ 543 બેઠકોમાંથી હાલમાં 540 સભ્યોની સંખ્યા ગણવામાં આવી રહી છે. આ ગણતરી પ્રમાણે બિલને પસાર કરાવવા માટે 360 સાંસદોના સમર્થનની જરૂર પડશે.હાલ NDA પાસે કુલ 320 સાંસદોનું સમર્થન હોવાનું ગણિત છે. તેમાં ભાજપના 241 સાંસદોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એનસીપીઆઈના 20, ટીડીપીના 16, શિવસેનાના 13, જેડીયુના 12, એલજેપી (રામવિલાસ)ના 5, આરએલડીના 2, જનસેના પાર્ટીના 2 અને જેડીએસના 2 સાંસદો સામેલ છે.આ ઉપરાંત એનસીપી, શિરોમણી અકાલી દળ, આસામ ગણ પરિષદ, ઝારખંડની આજસુ, અપના દળ (સોનેલાલ), હિન્દુસ્તાની અવામ મોરચા (સેક્યુલર) અને સિક્કિમ ક્રાંતિકારી મોરચાના એક-એક સાંસદનો ટેકો પણ આ ગણતરીમાં સામેલ છે. આ તમામને જોડીએ તો NDAનો આંકડો 320 સુધી પહોંચે છે.એટલે કે 360ના આંકડા સુધી પહોંચવા માટે NDAને હજુ 40 સાંસદોના સમર્થનની જરૂર પડી શકે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ મહિલા અનામત બિલ પર સરકારનો મોટો દાવ? સંસદના ખાસ સત્ર પહેલાં PM મોદીએ બોલાવી કેબિનેટ બેઠક
ADVERTISEMENT
ADVERTISEMENT
જો NDAને DMK, NCP-SP અને YSRCPનો ટેકો મળે તો પણ બિલ સરળતાથી પસાર થાય તેવી સ્થિતિ નથી. DMKના 22, NCP-SPના 8 અને YSRCPના 4 સાંસદો મળીને કુલ 34 સાંસદો થાય છે. NDAના 320 સાંસદો સાથે આ સંખ્યા જોડવામાં આવે તો કુલ 354 થાય છે. એટલે કે 360ના જરૂરી આંકડા કરતાં હજુ 6 વોટ ઓછા પડે છે.
બીજી સ્થિતિમાં DMK મતદાનથી દૂર રહે તો બહુમતીનો જરૂરી આંકડો 345 થઈ શકે છે. આ સ્થિતિમાં NDAને NCP-SPના 8 અને YSRCPના 4 સાંસદોનો ટેકો મળે તો પણ કુલ સંખ્યા 332 સુધી જ પહોંચશે. એટલે કે સરકાર જરૂરી બહુમતીથી 13 વોટ પાછળ રહી શકે છે.
ત્રીજી સ્થિતિમાં DMK અને NCP-SP બંને મતદાનમાં ભાગ ન લે તો બહુમતીનો આંકડો 340 થઈ શકે છે. આ સ્થિતિમાં NDAને YSRCPના 4 સાંસદોનો ટેકો મળે તો કુલ સંખ્યા 324 થાય છે. એટલે કે સરકારને બહુમતી મેળવવા માટે હજુ 16 વોટની જરૂર પડશે.આ ત્રણેય સંજોગો બતાવે છે કે સીમાંકન બિલ પર મતદાન થાય તો NDA માટે અન્ય પક્ષોનું સમર્થન મેળવવું જરૂરી બની શકે છે.
આ સમગ્ર રાજકીય ગણિતમાં DMKની ભૂમિકા પણ મહત્વની બની શકે છે. આ વર્ષે તમિલનાડુમાં કોંગ્રેસ ટીવીકે સરકારમાં સામેલ થયા બાદ DMKએ INDIA ગઠબંધન છોડ્યું હતું. હવે ભાજપ DMKને પોતાની તરફેણમાં લાવવાના પ્રયાસ કરી રહી હોવાની ચર્ચા છે.ભાજપ તરફથી DMKને એવો વિશ્વાસ અપાવવાના પ્રયાસ થઈ રહ્યા છે કે સીમાંકન પછી પણ તમિલનાડુની લોકસભા બેઠકોમાં તેનો હિસ્સો જળવાઈ રહેશે. દક્ષિણ ભારતનાં રાજ્યોમાં સીમાંકનને લઈને પહેલેથી જ ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને વસ્તી નિયંત્રણમાં સારું કામ કરનારા રાજ્યોને બેઠકોની વહેંચણીમાં નુકસાન ન થાય તે મુદ્દો ચર્ચામાં છે. બીજી તરફ NCP-SPનાં નેતા સુપ્રિયા સુલેએ પણ બિલને લઈને મહત્વનો સંકેત આપ્યો છે. તેમના જણાવ્યા મુજબ જો બિલમાં દરેક રાજ્યની લોકસભા બેઠકોમાં સરખા પ્રમાણમાં 50 ટકાનો વધારો કરવાની ખાતરી આપવામાં આવે તો તેમની પાર્ટી બિલને સમર્થન આપવા અંગે વિચાર કરી શકે છે.
સંસદની આગામી બેઠક પહેલાં રાજકીય પક્ષોએ પણ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મળતી માહિતી પ્રમાણે, શુક્રવારે બપોરે 1 વાગ્યે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી શકે છે. બીજી તરફ, કોંગ્રેસની પાર્લામેન્ટરી સ્ટ્રેટેજી ગ્રૂપની બેઠક સાંજે 4:30 વાગ્યે દિલ્હીમાં યોજાવાની છે.આ બેઠકમાં 30 નવેમ્બરથી શરૂ થનારી સંસદની કાર્યવાહી દરમિયાન પક્ષની રણનીતિ નક્કી કરવામાં આવશે. સીમાંકન અને મહિલા અનામતના મુદ્દે સરકાર શું પગલું ભરે છે અને વિપક્ષ તેનો કેવી રીતે જવાબ આપે છે તેના પર સૌની નજર રહેશે.આમ સંસદની આગામી બેઠકમાં સીમાંકન બિલ રજૂ થાય છે કે નહીં તે જોવું મહત્વનું રહેશે. પરંતુ જો ખરેખર મતદાનની સ્થિતિ ઊભી થાય તો NDA માટે 320થી 360 સુધી પહોંચવાનું ગણિત આસાન નહીં હોય. પ્રાદેશિક પક્ષોનું વલણ અને મતદાન સમયે સાંસદોની હાજરી આ બિલનું ભવિષ્ય નક્કી કરવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Sub Editor at VTV Gujarati | 8+ Years of Experience in Gujarati Journalism, News Writing & Digital Content Creation.