બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Coronavirus in Gujarat high court about lockdown
ગુજરાત હાઈકોર્ટની ગઈ વખતની ઓનલાઈન સુનાવણીમાં સરકારે કોરોનાની સ્થિતિ, રેમડેસિવિર અને ઓક્સિજનની અછતને પહોંચી વળવામાં સરકાર સક્ષમ છે તેવો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટે હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા તેમજ ઓક્સિજની અછતને લઈને સરકાર પાસે જવાબ માંગ્યા હતા. જેના સંદર્ભે હાઈકોર્ટે આજે ફરી સુનાવણી હાથ ધરી હતી. ત્યારે કોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી.
ADVERTISEMENT
શું કહ્યું હાઈકોર્ટે?
હાઈકોર્ટે કહ્યુ હતુ કે અમે લોકોના જીવ બચાવવાની વાત કરી રહ્યા છીએ, મોતના આંકડાની વાત પછી કરીશું , અત્યારે બ્રેક ધ ચેઈનની વાત કરો. લોકડાઉન બાબતે તમારો શું મત છે?
ADVERTISEMENT
હાઈકોર્ટે બરોબરની સરકારને ઝાટકી
ADVERTISEMENT
વકીલ શાલીન મહેતાએ કહ્યું- લોકડાઉન જ એકમાત્ર ઉપાય
વકીલ શાલીન મહેતાએ કોર્ટમાં રજૂઆત કરતા કહ્યું કે, ગુજરાતમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે, જેને લઇને લોકડાઉન જ એકમાત્ર ઉપાય છે. હું માત્ર એમ જ નથી કહેતો દેશમાં પણ કેટલીક જગ્યાએ લોકડાઉન છે. મહારાષ્ટ્રમાં પણ લોકડાઉનના કારણે કેસ સતત ઘટી રહ્યા છે. રાજ્યના તમામ લોકો હેરાન છે, જો 7થી 8 લોકો ઘરે રહેશે તો આ કોરોનાની ચેઈન તૂટશે.
ADVERTISEMENT
ઈન્જેક્શન, બેડ અને ડૉક્ટરની અછત, અમે તમામ લોકોના સજેશન સ્વીકારવા તૈયાર છીએઃ સરકારી વકીલ
સરકારી વકીલે કહ્યું કે, અમે એફિડેવિટ રજૂ કર્યું છે. અમે એવું નથી કહેતા કે પરિસ્થિતિ ખુબ સારી છે, પરિસ્થિતિ ખરાબ છે. રાજ્યમાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ. ઈન્જેક્શન, બેડ, એમ્બ્યુલન્સ, ડૉક્ટર અને અન્ય સ્ટાફની અછત છે. અમે તે માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. 1200 બેડની હોસ્પિટલમાં આવેલા તમામ દર્દીને દાખલ કરીએ છીએ. લોકો અમદાવાદ બહારથી આવે છે તો પણ તેમને દાખલ કરીએ છીએ. સમય એટલા માટે લાગે છે કે બીજા દર્દીઓને ડિસ્ચાર્જ કરવાના હોય છે અને બધી ફોર્મલિટીસ હોય છે. અમે તમામ લોકોના સજેશન સ્વીકારવા તૈયાર છીએ. 108 પણ દર્દીઓને સારવાર મળે તે માટે પૂરતો પ્રયાસ કરે છે, અમે 15 નવી વાન ઉમેરી છે અને બીજી 150 જેટલી એમ્બ્યુલન્સ 3 દિવસમાં વધારીશું.
ADVERTISEMENT
રાજ્યમાં 8 પ્લાન્ટ માટે પરમિશન મળી હતી, 4 પ્લાન્ટ ચાલું થઇ ગયાઃ કમલ ત્રિવેદી
કોર્ટમાં કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, PSA ઓક્સિજન પ્લાન્ટની પરમિશન કેન્દ્ર સરકાર આપે છે, રાજ્યમાં 8 પ્લાન્ટ માટે પરમિશન મળી હતી. જેમાં 1ને બ્લેકલીસ્ટ કર્યું છે. 7માંથી 4 પ્લાન્ટ ચાલું થઈ ગયા છે અને બાકીના 3 પ્લાન્ટ 3 મેના રોજ ચાલુ થઈ જશે. SVP કોવિડ હોસ્પિટલ છે એટલે VS હોસ્પિટલમાં 150 બેડ સિવાય નોન કોવિડ દર્દી સારવાર લઈ રહ્યા છે, જો જરૂર પડશે તો VSને ફૂલી કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવશે.
ADVERTISEMENT
વધુમાં કોર્ટે કહ્યુ હતુ કે, તમે દર્દીને જુઓ તેમને જરૂર હોય તેવી સારવાર બને એટલી જલદી આપો. નહીં કે લાઈનો લગાવો. જે ક્રિટિકલ નથી તેમને કોવિડ કેર હોસ્પિટલ મોકલો. જે દર્દી આવે તેમને ડિફાઈન કરો અને સારવાર આપો. આમ લાઈનો ન લગાવો. પ્રાઈવેટ, કોવિડ, ડેજિગ્નેટેડ, સરકારી હોસ્પિટલ સારવારની ના ન પાડી શકે. આખા ગુજરાતની વાત છે. કેમ આવું થઈ રહ્યુ છે. દર્દીઓને સારવાર કેમ નથી મળી રહી. હોમ કેર, હોમ આઈસોલેટેડની તો વાત જ કેમ કરવી. કોઈ દર્દીઓને એટેન જ નથી કરી રહ્યા.
કમલ ત્રિવેદીએ કહ્યુ કે, હોસ્પિટલમાં ઓલરેડી બેડ ફૂલ છે, અને બહાર લાઈનો લાગી છે એક સાથે આટલા ક્રાઉડને હોસ્પિટલ સ્ટાફ ડોક્ટર કેવી રીતે સંભાળે?
હાઈકોર્ટે કહ્યુ તો પછી દરેક હોસ્પિટલની બહાર બોર્ડ મારો.
સરકારે સ્વીકાર્યુ કે બેડની પણ અછત
ગુજરાત સરકારે સ્વીકાર્યુ છે કે, હા બેડની પણ અછત છે. અમે એવું નથી કહી રહ્યા કે બધુ સલામત છે પણ અમે પૂરતા પ્રયાસ કરી રહ્યા છીએે.
હાથ જોડીને કહું છુ 108 મુદ્દે ઓર્ડર પાસ કરો
એડવોકેટ એસો. વતી એડવોકેટ અમિત પંચાલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ગાઈડલાઈન પ્રમાણે કોઈ દર્દી ને દાખલ કરવાની ના પાડી શકાય નહીં. 900 બેડની હોસ્પિટલ ચાલુ થઈ છતાંય હોસ્પિટલની બહાર દર્દીઓ મરી રહ્યા છે. 675 એમ્બ્યુલન્સની સામે રોજના 2 હજારથી વધુ કેસો આવી રહ્યા છે. લોકો એમ્બ્યુલન્સ અને યોગ્ય સારવાર ના અભાવે મરી રહ્યા છે. હાથ જોડીને કહું છુ 108 મુદ્દે ઓર્ડર પાસ કરો.
એડવોકેટ એસો. વતી એડવોકેટ ઓમ કોટવાલે પણ રજૂઆત કરી હતી કે, આધારકાર્ડ અંગે AMCનો આ નિર્ણય અયોગ્ય છે. આધાર કાર્ડ હોય તો RTPCR મરજીયાત કરવાનો નિર્ણય યોગ્ય નથી.
એડવોકેટ પરસી કાવિનાએ ટકોર કરી હતી કે, આવી પરિસ્થિતિમાં લોકોને હોસ્પિટલમાં બેડ મળતા નથી અને સરકાર નવી હોસ્પિટલમાંના ઉદ્ઘાટન કરે છે જેમાં 3 લેયર સિક્યુરીટી હોય છે હોસ્પિટલના અધિકારીઓ હોય છે અને ભીડ થાય છે. તો આનાથી કઈ રીતે ચેઇન તૂટશે. હજી પણ 1200 બેડની ગાંધીનગરની હોસ્પિટલ બનશે. ત્યારે ગેધરિંગ થશે, ઉદ્ઘાટન થશે. એટલે આ બધું બંધ થાય ઉદ્ધટન કર્યા વગર હોસ્પિટલ ચાલું થાય એમાં સૌની ભલાઈ છે. મેં ફોટોઝ જોયા છે જેમાં ડેપ્યુટી સી.એમ બધી જગ્યાએ હતા. હું કોઈ કોમેન્ટ નથી કરતો પણ આવા કાર્યકમમાં સંક્રમણ વધે તેની શકયતા છે.
ઓક્સિજનની પણ અછત
એડવોકેટ શાલીનએ કહ્યું કે, ઝયડ્સની જેમ દરેક હોસ્પિટલમાં PSA પ્લાન્ટ હોવો જોઈએ જેથી ઓક્સિજનની કમી ન સર્જાય તેને તૈયાર કરવામાં 2 સપ્તાહ જેટલો જ સમય લાગે છે. સાથે ગુજરાતમાં ઓક્સિજનની અછત છે ત્યારે આપણે પાડોશી રાજ્યને મદદ કરીએ છીએ પણ ગુજરાત માટે પણ વિચારવું જોઈએ.
હાઈકોર્ટ સૂઓમોટો અરજી પર સુનાવણી શરૂ થઈ હતી જેમાં આધારકાર્ડ ફરજિયાત કરવાના નિર્ણયને પણ રદ કરવાની માગ ઉઠી છે. 108ના પ્રવેશના કારણે લોકો સારવાર વિના મરતા હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. આનંદ યાજ્ઞિકે જણાવ્યુ હતુ કે. પ્રાઇવેટ હોસ્પિટલમાં સરકારી ક્વોટા વધારીને 50% કરવો જોઈએ. કોર્પોરેશનની હોસ્પિટલોમાં શહેરીજનોને જ દાખલ કરવામાં આવે છે.
અમદાવાદ બહારથી પણ ગંભીર દર્દીઓ સારવાર અર્થે આવે છે. માં વાત્સલય, આયુષ્યમાન ભારત કાર્ડનું સંકલન કરી ખાનગી હોસ્પિટલમાં લોકોને સારવાર આપવી જોઈએ વળી હીયરીંગમાં જૂની વીએસ હોસ્પિટલને શરુ કરવાનો મુદ્દો પણ ઉછાળ્યો હતો.
ગુજરાત સરકારે શું જવાબ કર્યો હતો જવાબ
હાઇકોર્ટમાં કોરોનાની સ્થિતિ અંગે થયેલા સુઓમુટોના મામલે રાજ્ય સરકારે કોર્ટમાં ઓનલાઇન સોગંદનામું રજૂ કર્યું છે.
108 મામલે કરી કબૂલાત
હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સથી જ પ્રવેશ અપાતો હોવાની કબૂલાત કરવામાં આવી છે. AMC અને 162 ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં 108 એમ્બ્લુલન્સથી પ્રવેશ આપવામાં આવે છે. હોસ્પિટલની બહાર વેઇટિંગ હોય તો 108માં જ સારવાર અપાય છે.
ઈન્જેક્શન અને ઓક્સિજન અંગે પણ કરી સ્પષ્ટતા
ઓક્સિજન અને રેમડેસિવિલનો અંકુશ કેન્દ્ર સરકારે લીધો છે. રાજ્યમાં 52 હજાર 36 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે.વધુમાં જણાવવામાં આવ્યુ છે કે 1 થી 23 એપ્રીલ સુધીમાં 33 લાખ 62 હજાર 965 ટેસ્ટ થયા છે. જેમાં 13 લાખ 14 હજાર 264 RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમજ જણાવવામાં આવ્યુ છે કે કેન્દ્ર સરકાર પાસેથી રેમડેસિવિરનો વધુ જથ્થો માંગ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 14,340 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 158 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 7,727 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,82,426 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
અમદાવાદે તો મુંબઈને પણ પાછળ છોડ્યું
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર કાળમૂખી બનીને આવી છે. તેમાં પણ અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. અમદાવાદે કોરોનાના કેસમાં મુંબઈને પાછળ છોડ્યું છે. મુંબઈમાં ગઇકાલે 5,542 કેસ નોંધાયા હતા. જ્યારે આજે એકલા અમદાવાદમાં 5,619 કોરોનાના કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં 158 દર્દીઓના મોતથી ખળભળાટ
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 158 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયાં છે. જેને લઇને રાજ્યમાં કુલ 6486 દર્દીઓના મોત કોરોનાને કારણે થયાં છે. મૃત્યુનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 412 દર્દીઓ વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,21,461 પર પહોંચ્યો છે.
મહાનગરો બાદ મહેસાણાએ ચિંતા વધારી
મહાનગરોમાં કોરોનાનો પ્રકોપ દરરોજ વધી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ સુરત બાદ મહેસાણા જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે. મહેસાણામાં 531 નવા કેસ નોંધાયા હતા.
અત્યાર સુધીમાં 1,14,54,629 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 1,14,54,629 લોકોનો કોરોનાની રસી આપવામાં આવી છે. આ સાથે જ ગત 24 કલાકમાં 1,59,093 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 5619 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 60 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1472 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 404 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 528 કેસ, જ્યારે ગ્રામ્યમાં 178 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 546 કેસ અને ગ્રામ્યમાં 52 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...

ગુજરાતમાં છેલ્લા 10 દિવસના કેટલા કેસ?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.