Chandrayaan-3 Update News: ખરેખર લેન્ડર અને રોવર સ્લીપ મોડ પર ગયા છે. જો તે સ્લીપ મોડમાંથી જાગી જાય અને ફરીથી કામ કરવાનું શરૂ કરે તો તે ઈસરો માટે ખુશીની વાત હશે
ચંદ્રયાન-3 ને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા
ચંદ્રયાન-3ના લેન્ડર અને રોવર મોડ્યુલને ફરી એકવાર સક્રિય કરવાની તૈયારીઓ
લેન્ડર અને રોવર ફરીથી કામ કરી શકશે તેવી આશા ઓછી
બુધવાર ચંદ્ર પર ખૂબ જ ઠંડો દિવસ રહ્યો છે અને હવે ત્યાં સવાર શરૂ થઈ
Chandrayaan-3 Update : ચંદ્રયાન-3 ને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ભારતીય અવકાશ એજન્સી (ISRO) દ્વારા ચંદ્ર પર મોકલવામાં આવેલા ચંદ્રયાન-3ના લેન્ડર અને રોવર મોડ્યુલને ફરી એકવાર સક્રિય કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જોકે લેન્ડર અને રોવર ફરીથી કામ કરી શકશે તેવી આશા ઓછી છે. ખરેખર લેન્ડર અને રોવર સ્લીપ મોડ પર ગયા છે. જો તે સ્લીપ મોડમાંથી જાગી જાય અને ફરીથી કામ કરવાનું શરૂ કરે તો તે ઈસરો માટે ખુશીની વાત હશે. બુધવાર ચંદ્ર પર ખૂબ જ ઠંડો દિવસ રહ્યો છે અને હવે ત્યાં સવાર શરૂ થઈ છે. તેથી હવે જેમ જેમ દિવસ આગળ વધે છે અને સૂર્યપ્રકાશ વધુ તેજસ્વી થાય છે તેમ લેન્ડર અને રોવરને જગાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
લેન્ડર અને પ્રજ્ઞાન રોવર મોડ્યુલને સ્લીપ મોડમાંથી જગાડવાનો પ્રયાસ
અહેવાલ અનુસાર ઈસરોના એક અધિકારીએ જણાવ્યું છે કે, મહત્તમ સૂર્યપ્રકાશ ઉપલબ્ધ થયા પછી ગ્રાઉન્ડ સ્ટેશન ગુરુવાર અથવા શુક્રવારે લેન્ડર, રોવર મોડ્યુલ અને ઓન-બોર્ડ સાધનોને પુનર્જીવિત કરશે. જોકે તેઓ ફરીથી કામ કરે તેવી શક્યતાઓ ખૂબ નથી. પરંતુ આ એક નિરાશાજનક પરિસ્થિતિ પણ નથી. તે પણ શક્ય છે કે લેન્ડર અથવા રોવર મોડ્યુલ સ્લીપ મોડમાંથી જાગી જાય. પરંતુ સંપૂર્ણ કાર્યક્ષમતા પ્રાપ્ત કરવામાં અસમર્થ હોય.
આગામી 14 દિવસ સુધી કામ કરી શકે છે લેન્ડર અને રોવર
અહેવાલ મુજબ સૌર ઊર્જા સંચાલિત ચંદ્રયાન-3 મોડ્યુલ મિશનનું જીવન માત્ર એક ચંદ્ર દિવસ હતું, જે પૃથ્વી પર લગભગ 14 દિવસ જેટલું હતું. લેન્ડર અને રોવર મોડ્યુલના ઇલેક્ટ્રોનિક્સ ચંદ્ર પરના અત્યંત ઠંડા રાત્રિના તાપમાનનો સામનો કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા ન હતા. જ્યાં ચંદ્રયાન-3 લેન્ડ થયું છે ત્યાં તાપમાન -200 ડિગ્રી સેલ્સિયસથી ઘણું નીચે જાય છે. જો બંને સ્લીપ મોડમાંથી જાગી જાય તો લેન્ડર અને રોવર ઓછામાં ઓછા આગામી 14 પૃથ્વી દિવસો સુધી કામ કરવાનું ચાલુ રાખી શકે છે.
રોવરે 100 મીટરનું અંતર કાપ્યું
ચંદ્ર પર ગયા બાદ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરે પૃથ્વી પરના વૈજ્ઞાનિકોને ઘણા મહત્વપૂર્ણ ડેટા મોકલ્યા છે. આ ડેટાના આધારે ચંદ્ર સાથે જોડાયેલી ઘણી માહિતી સામે આવી છે. ઈસરોએ જણાવ્યું હતું કે, પ્રજ્ઞાન રોવરે 100 મીટરનું અંતર કાપ્યું છે. આ અંતર કાપવામાં રોવરને લગભગ 10 દિવસનો સમય લાગ્યો હતો. ISROએ સોશિયલ મીડિયા સાઇટ X પર લેન્ડર અને રોવર વચ્ચેના અંતરનો ગ્રાફ પણ શેર કર્યો હતો. 6 પૈડાવાળા રોવરનું વજન 26 કિલો છે.