બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં સ્નેચર્સનો આતંક વધ્યો, મોબાઈલ અને ચેઈન સ્નેચિંગની ઘટનાઓમાં વધારો
Last Updated: 03:14 PM, 19 August 2026
અમદાવાદમાં હવે રસ્તા પર નીકળતા લોકો માત્ર ટ્રાફિકથી નહીં, પરંતુ સ્નેચર્સથી પણ સાવચેત રહેવા મજબૂર બન્યા છે. બાઈક કે એક્ટિવા પર ચિત્તાની ઝડપે આવતા શખ્સો પળવારમાં મોબાઈલ, પર્સ કે સોનાના દાગીના ઝૂંટવી લે છે અને ગણતરીની સેકન્ડોમાં આંખો સામે જ ગાયબ થઈ જાય છે. શહેરનાં ૧૧૦ જેટલાં મુખ્ય ટ્રાફિક જંક્શન પર ૧,૭૪૯ સીસીટીવી કેમેરાની નજર હોવા છતાં સ્નેચર્સની હિંમત ઘટતી નથી, જોકે આ જ કેમેરા પોલીસ માટે સ્નેચર્સ સુધી પહોંચવા સૌથી મહત્ત્વની કડી પણ બની રહ્યા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
પાલડીના સિદ્ધિગિરી એપાર્ટમેન્ટમાં રહેતાં અને ઝાયડસ ફાર્મા કંપનીમાં વૈજ્ઞાનિક તરીકે નોકરી કરતાં સંજના રાજપૂત મોબાઈલ સ્નેચિંગનો ભોગ બન્યાં છે. સંજના નોકરી પર જવા માટે પગપાળા નીકળ્યાં હતાં ત્યારે પાછળથી બાઈક પર આવેલા શખ્સોએ તક જોઈ તેમના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લીધો હતો. સંજના કંઈ સમજે તે પહેલાં જ બાઈકસવાર ફરાર થઈ ગયા હતા. એલિસ બ્રિજ પોલીસે ફરિયાદ નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
જમાલપુરના સરદાર હેલ્થ ક્વાર્ટર્સમાં રહેતાં ૬૩ વર્ષીય જશોદાબહેન સોલંકી પોતાની પૌત્રી સાથે શાકમાર્કેટમાં ગયાં હતાં. પરત ફરતી વખતે બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ તેમને નિશાન બનાવ્યાં હતાં. એક શખ્સે અચાનક જશોદાબહેનના ગળામાંથી ૧.૬૦ લાખ રૂપિયાની સોનાની ચેઈન ખેંચી લીધી હતી. પૌત્રી કંઈ સમજે તે પહેલાં ત્રણેય શખ્સો બાઈક પર ફરાર થઈ ગયા હતા. ગાયકવાડ હવેલી પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
નારોલના અજય ચાવડા કમોડા ગામ પાસે મોબાઈલ પર વાત કરી રહ્યા હતા. આ દરમિયાન એક્ટિવા પર આવેલા શખ્સે તેમની નજીક આવી હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લીધો હતો. અજય પ્રતિકાર કરે તે પહેલાં જ આરોપી વાહન દોડાવીને ફરાર થઈ ગયો હતો.
ADVERTISEMENT
સાબરમતીની જૈન સોસાયટીમાં રહેતાં ૬૧ વર્ષીય ચંદ્રાબહેન જૈન દેરાસર દર્શન કરવા જઈ રહ્યાં હતાં. રસ્તામાં એક્ટિવા પર આવેલા બે શખ્સોએ તેમની નજીક વાહન ધીમું કર્યું અને પાછળ બેઠેલા શખ્સે અચાનક ગળામાંથી મંગળસૂત્ર ખેંચી લીધું હતું. ચંદ્રાબહેન બૂમાબૂમ કરે તે પહેલાં જ બંને ફરાર થઈ ગયા હતા.
ADVERTISEMENT
સ્નેચર્સ હવે માત્ર ઝડપથી આવીને ગુનો કરીને ભાગતા નથી, પરંતુ પોલીસથી બચવા માટે અગાઉથી તૈયારી પણ કરતા હોવાના કિસ્સા સામે આવ્યા છે. ક્રાઇમ બ્રાંચે અગાઉ ચોરીના મોટરસાઈકલનો ઉપયોગ કરીને સ્નેચિંગ કરનાર રજ્જન ઉર્ફે કમલેશ નાયી અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ મોટરસાઇકલની નંબર પ્લેટ કાઢીને સ્નેચિંગ કરતા હોવાનું સામે આવ્યું હતું. જનતાનગર રેલવે ક્રોસિંગ પાસે સરનામું પૂછવાના બહાને સોનાનું પેન્ડેન્ટ ઝૂંટવનાર કેસમાં ક્રાઇમ બ્રાંચે સીસીટીવી, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમનસોર્સીસના આધારે તપાસ કરી હતી. ગોળલીમડા ચાર રસ્તા નજીકથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી ૩૫,૦૦૦ રૂપિયાનું સોનાનું પેન્ડેન્ટ અને આશરે ૭૦,૦૦૦ રૂપિયાની બાઈક મળી કુલ ૧.૦૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે થયો હતો. તમામ ઝોનમાં ટીમો સક્રિય છે.
ક્રાઇમ બ્રાંચના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલે જણાવ્યું છે કે દરેક ઝોનમાં ટીમો સક્રિય છે અને સ્નેચર્સ વિરુદ્ધ સતત કાર્યવાહી તથા ડિટેક્શન કરવામાં આવી રહ્યું છે. સીસીટીવી, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમનસોર્સીસના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં આવી રહ્યું છે.
* બાઈક કે એક્ટિવા પર બે-ત્રણ શખ્સો નીકળે છે અને રસ્તા પરના સોફ્ટ ટાર્ગેટની રેકી કરે છે.
* મોબાઈલ પર વાત કરતા, એકલા ચાલતા કે ગળામાં દાગીના પહેરેલા લોકોને ખાસ નિશાન બનાવે છે.
* એક શખ્સ વાહન ચલાવે છે, જ્યારે પાછળ બેઠેલો સાથી મોબાઈલ કે ચેઈન ઝૂંટવવાનું કામ કરે છે.
* વ્યક્તિની નજીક જઈ વાહનની ઝડપ ધીમી કરી પળવારમાં મોબાઈલ કે દાગીનો ખેંચી લે છે.
* ચેઈન સ્નેચિંગમાં ઘણીવાર પાછળથી આવી ગળામાંથી દાગીનો ખેંચીને તરત જ ઝડપ વધારે છે.
* સ્નેચિંગ બાદ મુખ્ય રસ્તા, ગલી કે ભીડભાડવાળા વિસ્તારમાં ઘૂસી થોડા જ સમયમાં સ્થળ બદલી નાખે છે.
* કેટલાક આરોપીઓ અગાઉથી રસ્તા, સીસીટીવીની સ્થિતિ અને ભાગવાના માર્ગની જાણકારી મેળવીને ગુનો કરતા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે.
* એટલે સ્નેચર્સ માટે ગુનો સેકન્ડોનો, પરંતુ પોલીસ માટે આરોપી સુધી પહોંચવાની તપાસ કલાકો અને દિવસોની બને છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.