બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં રસ્તા-સોસાયટીથી દુકાનો અને પાર્કિંગ સુધી પાણી; 55 મુસાફરો ભરેલી બસનું રેસ્ક્યૂ, 11 કલાકથી ફસાયેલા 3 લોકો પણ બચાવાયા

વરસાદ અપડેટ / અમદાવાદમાં રસ્તા-સોસાયટીથી દુકાનો અને પાર્કિંગ સુધી પાણી; 55 મુસાફરો ભરેલી બસનું રેસ્ક્યૂ, 11 કલાકથી ફસાયેલા 3 લોકો પણ બચાવાયા

Published By: Bhavin Rawal

Last Updated: 09:40 AM, 24 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાતના પાણી ઓસર્યા નથી ત્યાં વહેલી સવારથી ફરી વરસાદ શરૂ થતાં ફરી પાણી ભરાવાની શરૂઆત થઈ છે. બાપુનગર, અસારવા, સરસપુર અને રખિયાલમાં રસ્તાઓ પર પાણી જોવા મળી રહ્યું છે.

અમદાવાદમાં ગઈકાલે વરસેલા અતિભારે વરસાદે શહેરની ડ્રેનેજ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. રાતભર વરસાદ વરસ્યા બાદ આજે સવાર સુધી અનેક વિસ્તારોમાં પાણી ઓસર્યું નહોતું. એવામાં વહેલી સવારથી ફરી વરસાદ શરૂ થતાં મુશ્કેલીમાં વધારો થયો છે. બાપુનગર, અસારવા, સરસપુર, રખિયાલ સહિતના વિસ્તારોમાં ફરી પાણી ભરાવા લાગ્યું છે. બીજી તરફ હેલ્મેટ સર્કલ, ડ્રાઇવ-ઇન રોડ અને નીતિબાગ સોસાયટી આસપાસ હજુ પણ ઘૂંટણસમા પાણી જોવા મળી રહ્યાં છે. અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા છે, જ્યારે કેટલાક વાહનચાલકો પોતાના વાહનો રસ્તા પર જ છોડીને જવા મજબૂર બન્યા છે. શહેરમાં ગઈકાલે 12 કલાકમાં સરેરાશ 204 મિમી વરસાદ નોંધાયો હતો અને પશ્ચિમ અમદાવાદના 300થી વધુ સ્થળો તથા 150થી વધુ સોસાયટીઓમાં પાણી ભરાયાની માહિતી સામે આવી છે.

રાતના પાણી ઓસર્યા નહીં ત્યાં ફરી વરસાદ, અમદાવાદીઓની મુશ્કેલી યથાવત

ગઈકાલે આખો દિવસ અને રાત વરસેલા વરસાદ બાદ આજે સવારે પણ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. રાતના પાણી ઓસર્યા નથી ત્યાં વહેલી સવારથી ફરી વરસાદ શરૂ થતાં ફરી પાણી ભરાવાની શરૂઆત થઈ છે. બાપુનગર, અસારવા, સરસપુર અને રખિયાલમાં રસ્તાઓ પર પાણી જોવા મળી રહ્યું છે. પશ્ચિમ અમદાવાદમાં પણ અનેક રસ્તાઓ અને રહેણાક વિસ્તારોમાં પાણી ભરાતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે ટ્રાફિકની ગતિ પણ ધીમી પડી છે.

હેલ્મેટ સર્કલથી ડ્રાઇવ-ઇન રોડ સુધી પાણી જ પાણી

હેલ્મેટ સર્કલ પર આજે પણ ઘૂંટણસમા પાણી ભરાયેલાં છે. અહીંથી પસાર થતાં અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા છે. કામધંધે જતા લોકોના વાહનો પાણીમાં ખોટકાતા લોકો પરેશાન થયા છે. બીજી તરફ ડ્રાઇવ-ઇન રોડ પર પણ પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. ગઈકાલે ભારે વરસાદ દરમિયાન અમદાવાદના અનેક મુખ્ય માર્ગો પર વાહનો કલાકો સુધી અટવાયા હતા. કેટલાક વિસ્તારોમાં લોકો ત્રણ-ત્રણ કિલોમીટરનું અંતર કાપવામાં કલાકો સુધી ફસાયા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.

બેઝમેન્ટની દુકાનોમાં પાણી ઘૂસ્યું, વેપારીઓને લાખોનું નુકસાન

ડ્રાઇવિંગ સિનેમા પાસે આવેલા ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં પણ વરસાદી પાણીનો કહેર જોવા મળ્યો છે. બેઝમેન્ટમાં આવેલી દુકાનોમાં પાણી ભરાઈ જતાં વેપારીઓને ભારે નુકસાન થયું છે. વેપારીઓના જણાવ્યા મુજબ, અડધી દુકાનો પાણીમાં ડૂબી ગઈ છે. ગઈકાલે રાત્રે જ કોર્પોરેશનને જાણ કરવામાં આવી હોવા છતાં સમયસર મદદ ન મળ્યાનો વેપારીઓએ આક્ષેપ કર્યો છે. પાણી ભરાવાને કારણે દુકાનોમાં રહેલો સામાન પલળી ગયો છે અને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા છે.

નીતિબાગ સોસાયટીમાં ઘૂંટણસમા પાણી, વાહનો બંધ પડ્યા

અમદાવાદના નીતિબાગ સોસાયટી પાસે પણ પાણી ભરાવાની સ્થિતિ આજે યથાવત છે. રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતાં વાહનચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. અનેક વાહનો રાતથી જ પાણીમાં બંધ પડ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે પાણી ભરાવાને કારણે સોસાયટીમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે.

ડ્રાઇવ-ઇન રોડ અને બોડકદેવમાં વૃક્ષો ધરાશાયી

ભારે વરસાદની સાથે શહેરમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે. ડ્રાઇવ-ઇન રોડ પર મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં મુખ્ય માર્ગ પર વાહનવ્યવહારને અસર થઈ હતી. બોડકદેવ વિસ્તારમાં વહેલી સવારે પણ એક વૃક્ષ ધરાશાયી થયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અત્યાર સુધીમાં શહેરમાં 45થી વધુ વૃક્ષો ધરાશાયી થવાની ફરિયાદો સામે આવી હોવાનું જાણવા મળ્યું છે.

ખોખરામાં પાણીમાં ફસાઈ ST બસ, 55 મુસાફરોનું રેસ્ક્યૂ

ખોખરા વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે ST બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. બસમાં અંદાજે 55 મુસાફરો સવાર હતા. ઘટનાની જાણ થતાં મણિનગર ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે બસમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી.

11 કલાકથી પાણીમાં ફસાયેલા 3 લોકોનું રેસ્ક્યૂ

અમદાવાદ જિલ્લામાં પણ ભારે વરસાદ વચ્ચે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. ત્રણ લોકો બપોરે 3 વાગ્યાથી પાણીમાં ફસાયેલા હતા અને લગભગ 11 કલાક સુધી બહાર નીકળી શક્યા નહોતા. ગંભીર સ્થિતિની જાણ થતાં જિલ્લા વહીવટીતંત્ર અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે સંયુક્ત રીતે કામગીરી હાથ ધરી હતી. ધોળકા SDPO અને ધોળકા રૂરલ પોલીસની ટીમ ભારે વરસાદ અને અંધકાર વચ્ચે રેસ્ક્યૂ માટે પહોંચી હતી. રાત્રે આશરે 2 વાગ્યે બોટની મદદથી ત્રણેયને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ત્રણેયમાં એક વરિષ્ઠ મહિલા પણ સામેલ હતી.

વાસણા બેરેજના દરવાજા ખોલાયા, નદીકાંઠાના ગામોને એલર્ટ

ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીની આવક વધતાં વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નદીના પાણીના સ્તર પર નજર રાખવામાં આવી રહી છે અને નદીકાંઠાના વિસ્તારોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. આપેલી માહિતી મુજબ, બેરેજમાંથી પાણી છોડવામાં આવતાં ખંભાત-તારાપુર વિસ્તારનાં 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદીકાંઠે ન જવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે.

વાસણા બેરેજનું પાણી વધતાં પશ્ચિમ અમદાવાદમાં જળભરાવની ચર્ચા

ગઈકાલે પશ્ચિમ અમદાવાદમાં ભારે વરસાદ બાદ સાબરમતીનું જળસ્તર પણ ઊંચું રહ્યું હતું. એક અહેવાલ મુજબ, વાસણા બેરેજનું સ્તર વધતાં પાણીનો નિકાલ કરવા દરવાજા ખોલવામાં આવ્યા બાદ સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થયો હતો. જોકે, શહેરના અનેક વિસ્તારોમાં સાંજ સુધી પાણી ભરાયેલા રહ્યા હતા. આ દરમિયાન AMC અને સિંચાઈ વિભાગ વચ્ચે બેરેજના દરવાજા સમયસર ખોલવા અંગે પણ સવાલો ઉઠ્યા છે.

વધુ વાંચોઃ સવારે 10 વાગ્યા સુધી રેડ એલર્ટ, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની ચેતવણી

300થી વધુ સ્થળો પાણીમાં, 43 સોસાયટીઓમાં પણ ભરાયા પાણી

AMCના આંકડા મુજબ ગઈકાલના ભારે વરસાદ બાદ શહેરમાં 148 સ્થળોએ પાણી ભરાયાની ફરિયાદ મળી હતી, જેમાંથી 82 સ્થળોએ પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો, જ્યારે 66 સ્થળોએ પાણી ભરાયેલું હતું. 43 હાઉસિંગ સોસાયટીઓમાંથી પણ પાણી ભરાવાની ફરિયાદો મળી હતી. પાણીના નિકાલ માટે AMCની પમ્પિંગ મશીનો, ફાયર બ્રિગેડ અને એન્જિનિયરિંગ વિભાગની ટીમોને કામગીરીમાં ઉતારવામાં આવી હતી. બીજી તરફ, શહેરના લાંબા સમયથી પાણી ભરાતા વિસ્તારોમાં કરાયેલા કામો પર પણ સવાલો ઊભા થયા છે.

આજે પણ ભારે વરસાદની આગાહી, શાળા-કોલેજોમાં રજા

ગઈકાલના અતિભારે વરસાદ બાદ પણ અમદાવાદ માટે મુશ્કેલી હજુ ટળી નથી. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વચ્ચે આજે શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા લોકોને પાણી ભરાયેલા રસ્તાઓ પર બિનજરૂરી અવરજવર ટાળવા અને સલામત રહેવાની અપીલ કરવામાં આવી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આજે ફરી વરસી રહેલો વરસાદ શહેરમાંથી ગઈકાલે ભરાયેલું પાણી ક્યારે ઓસરવા દેશે? કારણ કે અમદાવાદમાં એક તરફ રાતનું પાણી હજુ સંપૂર્ણ ઓસર્યું નથી અને બીજી તરફ ફરી વરસાદ શરૂ થઈ ગયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Rain Rain Forcast

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ