બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / અમદાવાદ મેટ્રો ફેઝ-3Bને ગતિ, GMRCએ જિયોટેકનિકલ તપાસ માટે બહાર પાડ્યું ટેન્ડર
Last Updated: 06:31 AM, 1 July 2026
અમદાવાદ મેટ્રો રેલના વિસ્તરણને વધુ વેગ આપવા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)એ મેટ્રો ફેઝ-3B માટે જિયોટેકનિકલ તપાસ (Geotechnical Investigation) સંબંધિત ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. પ્રોજેક્ટના અમલીકરણ પહેલાં જમીનની ગુણવત્તા, માટીના સ્તરો અને પાયાની મજબૂતાઈનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવા માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
જાહેર કરાયેલા ટેન્ડર મુજબ, જિયોટેકનિકલ તપાસનું કામ કેનાલ રોડથી બદરાબાદ ડેડ એન્ડ સુધીના આશરે 12.576 કિલોમીટર લાંબા એલિવેટેડ મેટ્રો કોરિડોર માટે કરવામાં આવશે. આ ટેન્ડરનો અંદાજિત ખર્ચ રૂ. 1.46 કરોડ રાખવામાં આવ્યો છે. સમગ્ર કામગીરી ચાર મહિનામાં પૂર્ણ કરવાની રહેશે, જ્યારે ટેન્ડર માટે બોલી સબમિટ કરવાની છેલ્લી તારીખ 23 જુલાઈ, 2026 નક્કી કરવામાં આવી છે.
આ તપાસનો મુખ્ય હેતુ પ્રસ્તાવિત મેટ્રો રૂટની ભૂગર્ભ સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવવાનો છે, જેથી સિવિલ સ્ટ્રક્ચર્સની ડિઝાઇન વધુ સુરક્ષિત અને વૈજ્ઞાનિક આધારિત બની શકે. પ્રોજેક્ટ હેઠળ પસંદગી પામનાર એજન્સી નિર્ધારિત સ્થળોએ બોરહોલ ડ્રિલિંગ કરશે તેમજ માટી અને ખડકના નમૂનાઓ એકત્રિત કરીને તેમની લેબોરેટરી અને સ્થળ પર પરીક્ષણ કરશે.
ADVERTISEMENT
તપાસ દરમિયાન જમીનના વિવિધ સ્તરો, ભૂગર્ભ જળસ્તર, માટીની ભાર વહન કરવાની ક્ષમતા (Bearing Capacity) અને અન્ય જરૂરી એન્જિનિયરિંગ પરિમાણોનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ અભ્યાસના આધારે વિગતવાર જિયોટેકનિકલ રિપોર્ટ તૈયાર થશે, જેમાં મેટ્રોના પિલર, સ્ટેશન અને અન્ય માળખાઓ માટે યોગ્ય ફાઉન્ડેશન ડિઝાઇન અંગે ભલામણો કરવામાં આવશે.
GMRCના આયોજન મુજબ, આ તપાસના પરિણામો સિવિલ વર્ક્સની ડિઝાઇનને વધુ અસરકારક બનાવવામાં, બાંધકામ દરમિયાન જોખમ ઘટાડવામાં અને આગામી તબક્કાની કામગીરીને સરળ બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. તાજેતરમાં ફેઝ-3C માટે પણ સમાન પ્રકારની જિયોટેકનિકલ તપાસનો ટેન્ડર બહાર પાડવામાં આવ્યો હતો. હવે ફેઝ-3B માટેની આ કાર્યવાહીથી અમદાવાદ મેટ્રો ફેઝ-3ના વિસ્તરણને ઝડપી ગતિ મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.