ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ખાનગી ઈમારતોમાં EV ચાર્જિંગ સ્ટેશન માટે AMCની મંજૂરીની જરૂર નહીં, માત્ર જાણ કરવી પડશે
Last Updated: 02:06 PM, 27 November 2026
ADVERTISEMENT
શહેરમાં ખાનગી ઈમારતોમાં ઈલેક્ટ્રિક વાહનો (ઈવી) માટે ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરવા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ની પૂર્વમંજૂરી લેવાની જરૂર નહીં રહે. ઈમારતના માલિકોએ માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશનને તેની જાણ કરવાની રહેશે. જોકે, બેઝમેન્ટમાં ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવા માટે ફાયર વિભાગનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) મેળવવું ફરજિયાત રહેશે.
ADVERTISEMENT

AMCના એસ્ટેટ વિભાગે ગઈ કાલે જાહેર કરેલા ‘અમદાવાદ સિટી ઈલેક્ટ્રિક વિહિકલ ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પોલિસી-૨૦૨૬’ના મુસદ્દામાં આ જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકાર આ મુસદ્દાને ગેઝેટમાં પ્રસિદ્ધ કરશે. ત્યાર બાદ નાગરિકો આગામી ૩૦ દિવસ દરમિયાન આ નીતિ અંગે પોતાનાં વાંધા અને સૂચનો રજૂ કરી શકશે.
ADVERTISEMENT
શહેરમાં બનનારી નવી ઈમારતોમાં ઈવી ચાર્જિંગ સ્ટેશનની સુવિધા ફરજિયાત બનાવવામાં આવશે. આ માટે એએમસી હાલના કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન્સ (CGDCR)માં સુધારો કરવાની યોજના ધરાવે છે. નવી ઈમારતોને બાંધકામના વિકાસની પરવાનગી આપતી વખતે જ ઈવી ચાર્જિંગ સ્ટેશનની વ્યવસ્થા ફરજિયાત કરવાની દિશામાં આ સુધારો કરવામાં આવશે.
ADVERTISEMENT
મુસદ્દામાં એએમસીની માલિકીની ઈમારતો અને પ્લોટ પર ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટે સ્પષ્ટ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. જોકે, ખાનગી ઈમારતો અને પ્લોટ માટે વિગતવાર નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. AMCનાં સૂત્રોના જણાવ્યા અનુસાર આ નીતિમાં મુખ્યત્વે મ્યુનિસિપલ ઈમારતો, મલ્ટિલેવલ પાર્કિંગ અને ખુલ્લા પ્લોટમાં ચાર્જિંગ સુવિધા વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ખાનગી મિલકતો માટેની જોગવાઈઓને મર્યાદિત રાખવામાં આવી છે. હાઉસિંગ સોસાયટી અને કોમર્શિયલ ઈમારતમાં ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટે એએમસીની મંજૂરી લેવી નહીં પડે, પરંતુ નિર્ધારિત ફોર્મ ભરીને મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરવી પડશે.
ADVERTISEMENT
એસજી હાઈવે, સિંધુ ભવન રોડ અને સીજી રોડ બનશે ઈવી ઝોન, એએમસી મલ્ટિલેવલ પાર્કિંગ, બગીચા, મ્યુનિસિપલ ઈમારતો તેમજ વધુ ટ્રાફિક ધરાવતા રસ્તા પર આવેલા પ્લોટમાં ચાર્જિંગ સ્ટેશન સ્થાપશે. આ માટે ખાસ કરીને એસજી હાઈવે, સિંધુ ભવન રોડ અને સીજી રોડ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ માર્ગો ઉપરાંત પસંદગીના અન્ય વિસ્તારોને પણ ઈવી ઝોન તરીકે વિકસાવવામાં આવશે, જ્યાં ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રાથમિકતા અપાશે.
ADVERTISEMENT
સામાન્ય રીતે લોકો જ્યાં બે-ત્રણ કલાક વાહન પાર્ક કરે છે તેવાં સિનેમાઘરો અને મોલમાં મોટા પાયે ચાર્જિંગ સુવિધાઓ વિકસાવી હાઈ-ફૂટફોલ ચાર્જિંગ હબ બનાવવાની યોજના છે. આ ઉપરાંત ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર માટે અલગ-અલગ ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. નાની હાઉસિંગ સોસાયટીઓ અને રહેણાક વિસ્તારોમાં સામૂહિક ચાર્જિંગ સુવિધા ઊભી કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ખાનગી ઈમારત અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં નવાં ચાર્જિંગ સ્ટેશન સ્થાપતા માલિકને પ્રોત્સાહન આપવા એએમસી અલગ નીતિ તૈયાર કરશે. આ નીતિ હેઠળ આવા માલિકોને મિલકતવેરામાં રાહત આપવાની યોજના બનાવવામાં આવશે.
આ પણ વાંચો : વડોદરામાં મોટો હુમલો કરવાની ફિરાકમાં હતો આતંકી? ATSએ કર્યો ચોંકાવનારો ખુલાસો
કોઈ પણ ચાર્જિંગ સ્ટેશન શરૂ કરતાં પહેલાં ફાયર વિભાગનું એનઓસી મેળવવું ફરજિયાત રહેશે. જરૂરી એનઓસી વિના ચાર્જિંગ સ્ટેશન શરૂ કરનાર સામે બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીપીએમસી) એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. જોકે, એએમસી ફરિયાદ મળ્યા બાદ જ કાર્યવાહી કરશે. આ ઉપરાંત કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન્સ (સીજીડીસીઆર)ની જોગવાઈઓ પણ લાગુ પડશે. ગેરકાયદે બાંધકામ ધરાવતી ઈમારતમાં કોઈ પણ સંજોગમાં ઈવી ચાર્જિંગ સ્ટેશન સ્થાપવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મહત્વપૂર્ણ નિર્ણય / ગુજરાતમાં ઘર ખરીદતા પહેલા જાણી શકશો બિલ્ડરની કુંડળી, RERA લાવશે નવું ફીચર
ADVERTISEMENT