aditi gupta and tuhin paul success story of menstrupedia
Menstrupedia /
સમાજ માટે એવું કામ કરે છે કે સલામ કરશો આ કપલને, ફૉર્બ્સમાં મળ્યું છે સ્થાન
Team VTV10:04 PM, 29 Aug 19
| Updated: 10:10 PM, 29 Aug 19
માસિક ધર્મ, પીરિયડ્સ, ટાઈમમાં છું. આ સમસ્યાને જેમને થાય છે તે મહિલાઓ સહન તો કરે જ છે પરંતુ આવા શબ્દો સાંભળતાની સાથે આજે પણ સમાજમાં કેટલાંયના મોં મચકોડાઈ જાય છે. પીરિયડ્સમાં હોય ત્યારે યુવતીઓ અને મહિલાઓને ઘણી એવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય છે જ્યાં અમુક સમયે તેમના આત્મસન્માનને પણ ઠેસ પહોંચે છે. આવી જ પરિસ્થિતિઓનો સામનો કરતી એક સામાન્ય યુવતી હતી અદિતી ગુપ્તા.
- With eChai
પોતાના પોસ્ટ ગ્રેજ્યુએશન સમયે પોતાના ઍક્ટિવિટી પાર્ટનર તુહિન પોલ સાથે પીરિયડ્સ સાથે થોડી વાતો થઈ. આ દરમ્યાન ખ્યાલ આવ્યો કે આ વિશેની મોટાભાગની જાણકારી તેના કરતા વધારે તુહિનને છે. અદિતીને અહેસાસ થયો કે જો આ જાણકારીઓ પહેલેથી ખબર હોત તો પરિસ્થિતિનો સામનો સરળતાથી કરી શકી હોત. તેને વિચાર આવ્યો કે પોતાની જેમ અન્ય કેટલાંયને પીરિયડ્સની સંપૂર્ણ જાણકારી નહીં હોવાથી વધુ મૂંઝવણ અને પીડા થતી હશે.
બસ, અહીંથી જ પોતાના પ્રોજેક્ટ MenstruPediaનો જન્મ થયો. પીરિયડ્સની તમામ ગેરમાન્યતાઓને વૈજ્ઞાનિક ઢબે ખોટી સાબિત કરી અને એક એવી કૉમિકની શરૂઆત કરી જેનાથી બાળકીઓ, યુવતીઓ અને મહિલાઓ સહિત પુરુષોએ પણ હોંશે હોંશે સ્વીકારી.
આ કૉમિક ગુજરાતી સહિત 16 ભાષાઓમાં ઉપલબ્ધ છે. અદિતી ગુપ્તાનું નામ ફોર્બ્સમાં 30 અંડર 30ની યાદીમાં પણ નામ આવી ચૂક્યું છે. ત્યારે ઍક્ટિવિટી પાર્ટનરમાંથી લાઈફ પાર્ટનર બનેલા અદિતી ગુપ્તા અને તુહિન પોલને સલામ છે આવા વિષય પર કામ કરવા બદલ.
શું છે Menstrupedia ?
મેન્સ્ટ્રુપીડિયા એજ્યુકેશનલ ટુલ તૈયાર કરે છે. જેમાં એક મહિલાના શરીરમાં આવતા બદલાવ અંગેની જાણકારી આપવામાં આવી છે. આ જાણકારી કોમિક બુક, વીડિયો, ગેમ્સ દ્વારા આપવામાં આવે છે અને એવી ચીજો અંગેની વાત કરવામાં આવે છે જેના માટે સમાજમાં જુદી જ ધારણાઓ બંધાયેલી છે. આપણા સમાજનો ઢાંચો એવો છે કે લોકો આ પ્રકારની વાત કરતા ખચકાટ અનુભવે છે. ત્યારે આવી વાતો અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ મેન્સ્ટ્રુપીડિયા કરે છે.
16 ભાષામાં મેન્સ્ટ્રુપીડિયાનો કરાયો છે અનુવાદ
હાલ મેન્સ્ટ્રુપીડિયા ગુજરાતી સહિત 16 ભાષામાં ઉપલબ્ધ છે. આ સાથે જ 6000 શાળાઓ સાથે મેન્સ્ટ્રુપીડિયા કામ કરી રહી છે. ભારત બહારના 6 રાષ્ટ્રોમાં મેન્સ્ટ્રુપીડિયાની કોમિકનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો છે.
કોમિક બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો ?
પીરિયડ્સને લઇને સમાજમાં પ્રવર્તી રહેલી ગેરમાન્યતાઓ અંગે કામ કરવાની જરૂર લાગી ત્યારે મેન્સ્ટ્રુપીડિયાની શરૂઆત થઇ. પીરિયડ્સ તથા અન્ય સંવેદનશીલ વિષયોની વાતો દેશ-વિદેશમાં આ બાબતો અંગેની ચર્ચા થઇ રહી છે. ત્યારે આ ટૂલનો ઉપયોગ કરીને અદિતી ગુપ્તા અને તોહિન પોલે કોમિક બુક થકી જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો. ઘણી વખતે બાળકી, યુવતીઓ કે મહિલાઓને માસિક ધર્મ વિશેની યોગ્ય જાણકારીના અભાવે આ પરિસ્થિતમાં વધુ સહન કરવું પડતું હોય છે. જેથી જો નાની ઉંમરથી જ યોગ્ય જાણકારી મળી જાય તો આ પરિસ્થિતિને તેઓ સારી રીતે સમજી શકે.
અલગ વિષય સાથે કોમિક રૂપમાં શરૂ કરવાનો વિચાર કેમ આવ્યો ?
પીરિયડ્સ અંગેની સમજ તો કેળવવી હતી પરંતુ માધ્યમ કયું પસંદ કરવું કે જેના થકી આ બાબતો અંગે જાગૃતિ આવે. એટલે જ પ્રિન્ટેડ સ્વરૂપે લોકોને આપવાનું નક્કી કરવામાં આવ્યું. અંતે સ્ટોરી, એન્ટરટેનમેન્ટ અને લાઈવ લાગે તેવું કરવા માટે કોમિક માધ્યમની પસંદગી કરવામાં આવી.
ખાસ કરીને છોકરી, માતા તથા ટીચર્સ આ અંગે ખુલીને વાત કરી શકે તે માટે કોમિકની શરૂઆત કરવામાં આવી. શરૂઆતના તબક્કામાં પ્રોજેક્ટ વિશેની તમામ માહિતી સોશિયલ મીડિયામાં મુકવામાં જેથી વધુને વધુ લોકો જોડાઇ શકે અને ધીમે-ધીમે આ વાત લોકોના ગળે ઉતરી.
ફંડ કેવી રીતે પ્રાપ્ત કર્યું ?
ક્રાઉડ ફંડીગનો ઉપયોગ કરીને મેન્સ્ટ્રુપીડિયા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી. શરૂઆતના તબક્કામાં 175 લોકોની મદદથી 5 લાખ 15 હજાર એકત્રિત થયાં અને મેન્સ્ટ્રુપીડિયા ટૂલની શરૂઆત થઇ. ક્રાઉડ ફંડીગ એટલે લોકો (ક્રાઉડ) પાસેથી થોડાં-થોડાં નાણાં પ્રાપ્ત કરીને જરૂરિયાત પ્રમાણેની મૂડી ઊભી કરવી.
ઑર્ડર્સ મેળવવામાં સફળતા કેવી રીતે મળી ?
મેન્સ્ટ્રુપીડિયા કોમિકની પ્રથમ નકલો કેટલીક શાળામાં મોકલવામાં આવી, વ્યક્તિગત રીતે પણ શાળાઓની મુલાકાત લઇને આપવામાં આવી પરંતુ સફળતા પ્રાપ્ત થઇ અને અંતે લોકો વચ્ચે જઇને આ કોમિક આપી. ધીમે-ધીમે લોકોએ આ પ્રોજેક્ટનો સ્વીકાર કર્યો.
આજે મેન્સ્ટ્રુપીડિયા ક્યાં છે ?
મેન્સ્ટ્રુપીડિયા કોમિકની સાથે "Hello Periods" નામથી વીડિયો બનાવવામાં આવ્યા છે. આ વીડિયો 16 ભાષામાં છે અને મેન્સ્ટ્રુપીડિયા ટીમનો પ્રયાસ એવો છે હજી વધુને વધુ લોકો સુધી પહોંચી શકીએ તેવા પ્રયત્ન મેન્સ્ટ્રુપીડિયા દ્વારા કરવામાં પણ આવી રહ્યા છે.
નવા ઉદ્યોગ સાહસિકો માટે સૂચન
કોઇપણ કાર્ય માટે ધગશ અગત્યની બાબત છે. કોઇપણ કામ કરતી વખતે પ્રોટોટાઇપ બનાવવામાં આવે ત્યાર બાદ યૂઝર ટેસ્ટિંગ કરવામાં આવે અને હંમેશા નવું શીખતા રહો તો સફળતા જરૂર મળતી જ હોય છે.
અહીં મળશે તમને કૉમિક
જો તમારે પણ Menstrupediaની કૉમિક ઓનલાઈન મેળવવી હોય તો https://www.menstrupedia.com પર પણ મળી શકે છે.