બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અજબ ગજબ / અન્ય જિલ્લા / ગુજરાતમાં વેરની વિચિત્ર પરંપરા "ચડોતરું" કરીને વર્ષો સુધી મૃતદેહ લટકાવી રખાય છે
Last Updated: 10:59 AM, 17 July 2025
શું છે ચડોતરું?
ADVERTISEMENT
શું છે ચડોતરું?
આદિવાસી સમાજની ન્યાય માટેની પોતાની પરંપરા છે. તેઓ પોલીસ કે કોર્ટ પર વધારે વિશ્વાસ કરતા નથી. તેવામાં ગામમાં કોઇ દુર્ઘટના બને તો તે વ્યક્તિના મોત મામલે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જવાબદાર વ્યક્તિ પર ચડોતરું કરવામાં આવે છે. આ ચડોતરા હેઠળ આર્થિક વળતરની માંગ કરવામાં આવે છે. જો તે વ્યક્તિ આર્થિક વળતરનો ઇન્કાર કરે તો સામ,દામ, દંડ અને ભેદની નીતિ દ્વારા તેની પાસેથી પૈસા લેવામાં આવે છે. સાઉદીના દેશોમાં જે પ્રકારે બ્લડ મનીનો કોન્સેપ્ટ છે તે જ પ્રકારે ગુજરાતના ખાસ કરીને ખેડબ્રહ્મા અને તેની આસપાસના વિસ્તાર મુખત્વે સાબરકાંઠા જિલ્લામાં ચડોતરું પ્રથા છે.
ADVERTISEMENT

એક પરિવારની ન્યાય માટેની લડત વર્ષો સુધી પણ ચાલી શકે છે. જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી તે વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી પરંતુ તેનો મૃતદેહ ઝાડ સાથે લટકાવી રાખવામાં આવે છે. સદીઓથી ચાલી આવતી આ પરંપરાના નામે માનવતાન પણ શરમજનક સ્થિતિમાં મુકાય તેવી હરકતો કરે છે.
ADVERTISEMENT
આ વિસ્તારમાં થાય છે ચડોતરું
ચડોતરું પરંપરા રાજસ્થાન-ગુજરાત બોર્ડરના ગામડાઓ જેમાં ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને તેની આસપાસના વિસ્તાર પોશીના સહિતના વિસ્તારમાં આ પરંપરા જોવા મળે છે. આ હજારો વર્ષોથી ચાલી આવતી પરંપરા હોવાનો દાવો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવે છે. ખાસ કરીને ડુંગરી ભીલ ગરાસિયા સમાજમાં આ પ્રથા સૌથી વધારે પ્રચલિત છે.
ADVERTISEMENT
ચડોતરું કરવું ગામ માટે ગર્વની બાબત
સૌથી ચોંકાવનારી બાબત છે કે, ચડોતરું કરવું તે આપણા માટે દુ:ખદ બાબત હોઇ શકે છે, પરંતુ તે આદિવાસી સમાજ માટે ગર્વની બાબત છે. જો કોઇ પીડિત પરિવાર ચડોતંરુ કરવા ન પણ માંગતો હોય તો ગામનું પંચ એકત્ર થઇને તે પરિવારને ચડોતરું કરવા માટે ઉશ્કેરે છે. તેમ છતાં પણ જો તે ન માને તો પંચ દ્વારા તેને ચડોતરું કરવા માટે મજબૂર કરવામાં આવે છે. પોશિના વિસ્તારમાં ચડોતરા માટે એક મૃતદેહને 22 વર્ષ સુધી ઝાડ સાથે લટકાવી રાખવામાં આવ્યાની ઘટના પણ બની હોવાનું સ્થાનિક લોકોનો દાવો છે. આ પરંપરાને સામુદાયિક મોભો ગણાવવામાં આવે છે. 22 વર્ષે ચડોતરું પાર પાડ્યાનો ગર્વ આજે પણ એક ચોક્કસ ગામના લોકો લે છે.
ADVERTISEMENT
શું છે ચડોતરું કરવાની પ્રક્રિયા?
ચડોતરું શરૂ ત્યારે થાય છે જ્યારે કોઇનું અકુદરતી રીતે મોત થાય. એક પક્ષ બીજા પક્ષને જવાબદાર ઠેરવે. ત્યાર બાદ બંન્ને પરિવારો પંચ પાસે સમાધાન માટે જાય છે. સમાધાન થયું તો પૈસા ચૂકવી દેવામાં આવે તો મામલો ત્યાં જ પૂર્ણ થઇ જાય છે. જો કે કોઇ પણ પક્ષ ન માને તો ચડોતરું કરવામાં આવે છે. જ્યાં સુધી મૃતકના પરિવારની માંગણીઓનો સ્વીકાર ન થાય ત્યાં સુધી ચડોતરું ચાલુ રહે છે. જેમાં તીરકામઠા, પથ્થરો અને કુહાડી સાથે હુમલો કરવામાં આવે છે. આખા ગામના ઢોર ઢાંખર છોડી દેવામાં આવે છે. કેટલાક કિસ્સામાં લૂંટફાટ પણ કરવામાં આવે છે.
ADVERTISEMENT

જેમાં મૃતક વ્યક્તિના મૃતદેહને ગામના ગોંદરે અથવા તો આરોપીના ગામના ગોંદરે કે તેના ઘરની સામે લટકાવી દેવામાં આવે છે. ત્યાર બાદ આરોપીના પરિવારના લોકો પર હુમલા કરવા, તેના ઘર પર હુમલા કરવા, સામાજિક રીતે દબાણ લાવવું, બદનામ કરવા જેવા અનેક હથકંડા અપનાવવામાં આવે છે.
જો ચડોતરું પૂર્ણ થાય તો ટોટલ રકમના 10 ટકા નાણા પંચમાં બેઠેલા સભ્યોને આપવાનાં હોય છે. આ ઉપરાંત ગોળ ખરીદીને તમામ લોકો વચ્ચે વહેંચવામાં આવે છે. જે રકમ નક્કી થાય તેને વેર નક્કી કર્યું તેમ કહેવામાં આવે છે. આ વેરની રકમના 15 ટકા જેટલી રકમ પંચ અને ગોળ પાછળ ખર્ચાયા બાદ વધેલી રકમને પીડિત પરિવારને સોંપી દેવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમુ આદિવાસી નામની એક ફિલ્મ આવી હતી. જેમાં પ્રેમ પ્રકરણના કિસ્સામાં ચડોતરું પ્રથાની પણ વાત કરવામાં આવી હતી.
ચડોતરું પ્રથાનો વિચિત્ર કિસ્સો
સાબરકાંઠાના લલિત પરમાર નામના એક વ્યક્તિએ શંકર પરમાર નામના વ્યક્તિને બાઈક વેચ્યું હતું. 15000 રૂપિયામાં વેચેલું આ બાઇક લલિતને લાખો રૂપિયામાં પડ્યું હતું. કારણ કે શંકર પરમાર નામનો વ્યક્તિ બાઇક લઇ જવા દરમિયાન અકસ્માતનો ભોગ બન્યો જેમાં તેનું મોત નિપજ્યું હતું. જેના કારણે ગામલોકો દ્વારા લલિત પરમાર પર ચડોતરું કરવામાં આવ્યું. પંચે જણાવ્યું કે, જો લલિતે બાઇક વેચી જ ન હોત તો શંકર તે બાઇક લઇને ક્યારેય ગયો જ ન હોત અને તેનો અકસ્માત થયો જ ન હોત. માટે લલિત દોષિત છે અને તેની પર ચડોતરું કરવામાં આવે. 5 લાખ રૂપિયાની માંગ થઇ હતી. સમગ્ર મામલે પોલીસ કેસ પણ દાખલ થયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, પોતાની અનોખી પરંપરાઓના કારણે આદિવાસી સમુદાય પહેલાથી જ લોકોમાં કુતુહલનો વિષય રહ્યો છે. જેને કથિત રીતે આપણે આધુનિક ગણીએ છીએ તેવી અનેક પરંપરાઓ આદિવાસી સમુદાયમાં હજારો વર્ષોથી પરંપરાગત્ત રીતે ચાલતી આવે છે. જેમાં લિવ ઇનમાં રહેવાની પ્રથા હોય કે પછી મેળામાં યુવતી અને યુવક મળીને એક બીજાને જોઇ પરખીને પછી લગ્ન કરવાની પરંપરા હોય આવી અનેક પરંપરા કથિત સભ્ય સમાજનું ધ્યાન ખેંચતો રહે છે.

સરકારની ચડોતરુ સામે ચળવળ
ચડોતરુ પ્રથાની નાબુદી માટે સરકાર પણ પ્રયાસ કરી રહી છે. જેના માટે આદિવાસી સમાજના લોકોની સમજાવટ પણ કરવામાં આવે છે. જેના માટે સ્થાનિક આગેવાનો, મહિલાઓ અને ધારાસભ્યો સહિતના લોકોની પણ મદદ લેવામાં આવે છે. જે વિસ્તારમાં આ સમસ્યા સૌથી વધુ થાય છે તેવા પોશીનામાં પોલીસ દ્વારા 42 તથા ખેરોજ પોલીસ દ્વારા 50 કમિટી બનાવવામાં આવી છે. આમ કુલ 92 કમિટી ચડોતરુ વિરુદ્ધ ચળવળ ચલાવી રહી છે. કમિટી દ્વારા ચડોતરુની સ્થિતિમાં પોલીસને બોલાવી લોકોને સમજાવવામાં આવે છે. અગાઉથી જ તે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવીને ચડોતરુ ટાળવા માટે પ્રયાસ કરવામાં આવે છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.