Banaskantha News: ઠાકોર સમાજની જમીન પચાવી પાડવાના મુદ્દે નવઘણ ઠાકોરનું નિવેદન, કહ્યું જમીન ખાલી નહીં કરવામાં આવે તો મહાપંચાયત બોલાવવામાં આવશે.
ઠાકોર સમાજના આગેવાન નવઘણ ઠાકોરનું નિવેદન
જમીન પચાવી પાડવાના મુદ્દે આપ્યું નિવેદન
કબજો કરેલી જમીન પાછી આપી દેવા માંગ
નવઘણ ઠાકોર છે ઠાકોર સમાજના અગ્રણી
બનાસકાંઠા ન્યૂઝ: ઠાકોર સમાજના આગેવાન અને અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષ નવઘણ ઠાકોરે ભૂમાફિયાઓને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે, ઠાકોર સમાજની 70 ટકા જમીન ભૂમાફિયાઓએ પચાવી લીધી છે. જો એક માસમાં કબજે કરેલી જમીન પાછી આપવામાં નહીં આવે તો મહાપંચાયત બોલાવવામાં આવશે. નવઘણ ઠાકોરનો નિવેદનવાળો વીડિયો વાયરલ થયો છે.
અસામાજિક તત્વોને આપું છું ખુલ્લી ચેતવણીઃ નવઘણ ઠાકોર
નવઘણજી ઠાકોરે કહ્યું કે, હું છેલ્લા 2 મહિનાથી સમગ્ર ગુજરાતમાં પ્રવાસ કરું છું અને આ પ્રવાસમાં મને જાણવા મળ્યું છે કે ઠાકોર સમાજની કરોડોના કિંમતની જમીનો અસામાજિક તત્વોએ ખોટા ચીઠ્ઠા, ખોટા બાનાખત, ખોટી નોટરીઓ, ખોટા કાગળો બનાવીને અને ધાકધમકી આપીને પચાવી લીધી છે. આવા અસામાજિક તત્વોને હું ખુલ્લી ચેતવણી આપું છું કે સમગ્ર ગુજરાતમાં કોઈપણ વ્યક્તિએ ઠાકોર સમાજના કોઈપણ વ્યક્તિ સાથે છેતરપિંડી કરી હોય, ખોટા દસ્તાવેજ કર્યા હોય, ખોટી નોટરી કરી હોય, ખોટા બાનાખત કર્યા હોય તો એક માસની અંદર જે તે પ્રશ્નો હોય તે ઉકેલી નાખજો.
'ટૂંક સમયમાં બોલાવાશે મહાપંચાયત'
તેમણે કહ્યું છે કે, એક માસમાં કબજે કરેલી જમીનો પાછી આપી દેજો. જો જમીનો ખાલી નહીં કરવામાં આવે તો મહાપંચાયત બોલાવવામાં આવશે. ટૂંક સમયની અંદર આવી ડખ્ખાવાળી ફાઈલો હાથ ઉપર લઈ સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાનોને સાથે રાખીને મહાપંચાયત બોલાવવામાં આવશે. આ સમાજ પર કોઈ અન્યાય કે અત્યાચાર ચલાવી લેવામાં આવશે નહીં. જે કોઈએ ખોટું કર્યું હશે, તેને છોડવામાં નહીં આવે.