2020 an unanticipated financial year from crippled markets to all time high sensex
બિઝનેસ /
યાદ રહેશે 2020 : શરૂઆતમાં કંગાળ કરી દીધા અને અંતમાં કરી દીધા માલામાલ
Team VTV04:25 PM, 17 Dec 20
| Updated: 04:25 PM, 17 Dec 20
વર્ષ 2020 પતવા આવ્યું છે અને એવું કહેવાય છે કે આ વર્ષ સદીઓ સુધી યાદ રાખવામાં આવશે.
વર્ષના શરૂઆતમાં કોરોના મહામારીએ એન્ટ્રી લીધી અને વર્ષના અંત સુધી તેનો કહેર ચાલુ રહ્યો. કોરોનાને કારણે તમામ પ્રવૃત્તિઓ બંધ થઇ ગઈ અને મહામારીને રોકવા લોકડાઉન જેવા કડક પગલાં લેવા પડ્યા. આ મહામારીથી આર્થિક રીતે ખૂબ મોટો ફટકો પડ્યો છે.
માર્ચમાં કોરોનાને કારણે શેરબજારમાં કડાકો બોલી ગયો
કોરોનાને કારણે આર્થિક મોરચે સૌથી મોટો ઝાટકો લાગ્યો છે. માર્ચમાં કોરોનાને કારણે શેરબજારમાં કડાકો બોલી ગયો. એવી મંદી આવી કે રોકાણકારોમાં હાહાકાર મચી ગયો. શેરબજારે ઇન્વેસ્ટર્સને એક રીતે કંગાળ કરી દીધા. કોઈએ સ્વપ્ને પણ વિચાર્યું નહોતું કે શેરબજારની રોનક આટલી ઝડપથી પાછી ફરશે. જો કે આ વર્ષની શરૂઆતમાં રોકાણકારો કંગાળ થઇ ગયા અને વર્ષના અંત સુધીમાં તેઓ માલામાલ થઇ ગયા.
એક કલાકમાં રોકાણકારોના લગભગ 10 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા
કોરોનાના કહેરથી માર્ચમાં શેર બજારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. 23 માર્ચે ભારતીય શેરબજારમાં ભૂકંપ આવ્યો હતો. 23 માર્ચે સવારે 10 વાગ્યે લોઅર સર્કિટ વાગી તે પહેલાં જ BSEમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ રૂ 10,29,847 કરોડથી ઘટીને 1,05,79,296 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. એટલે કે એક કલાકમાં રોકાણકારોના લગભગ 10 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા.
થોડા જ મહિનાઓમાં સેન્સેક્સ-નિફ્ટીએ ડિસેમ્બરમાં તેનો રેકોર્ડ બનાવ્યો
કોઈએ એવી અપેક્ષા નહોતી રાખી કે માર્ચ મહિનાની ભયાવહ મંદીના થોડા જ મહિનાઓમાં સેન્સેક્સ-નિફ્ટી ડિસેમ્બરમાં તેના ઉચ્ચ સ્તરે એક નવો રેકોર્ડ બનાવશે. કારણ કે 23 માર્ચે ભારે ઘટાડા પછી સેન્સેક્સ 25,981ની સપાટીએ બંધ રહ્યો હતો અને તે જ રીતે નિફ્ટી 7,610.25 પર બંધ રહ્યો હતો. જ્યાંથી આજ સુધીમાં 80 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે.
શેરબજારની ચાલ દેશના અર્થતંત્રની ચાલ કરતા એકદમ વિપરીત રહી
શેર બજારે 23 માર્ચ પછી પાછળ વળીને જોયું નથી. થોડા મહિનાની તેજી જોઈને રોકાણકારોને ખૂબ ડર લાગતો હતો કે ફરીથી માર્કેટ ક્રેશ ન થઇ જાય. કારણ કે શેરબજારની ચાલ દેશના અર્થતંત્રની ચાલ કરતા એકદમ વિપરીત લાગતી હતી. કોરોના સંકટને કારણે અર્થ વ્યવસ્થાને બધી દિશામાંથી માર પડી રહ્યો હતો.
GDPનો ગ્રોથ માઈનસમાં અને સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ
GDPમાં જૂન ક્વાર્ટરમાં 23.9 ટકાની તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 7.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે શેરબજાર ઉંચાઇઓ નોંધાવી રહ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટીએ 16 ડિસેમ્બરના રોજ એક નવો રેકોર્ડ બનાવ્યો. સેન્સેક્સ 46,666 ના સ્તર પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 13682ના સ્તર પર બંધ થયો છે. માર્ચથી હવે કોઈ રોકાણકારના દૃષ્ટિકોણથી જોઈએ તો શેર માર્કેટમાં ઉત્તમ વળતર આપ્યું છે.
સેન્સેક્સ 50 હજારના આંકડાને ટચ કરશે તેવી શક્યતા
આ ઉપરાંત ભારતની ઈકોનોમી પણ સુધારા ઉપર છે. તમામ રેટિંગ એજન્સીઓ ભારતની અર્થવ્યવસ્થામાં ઝડપી સુધારાનું અનુમાન લગાવ્યું છે.
આવી સ્થિતિમાં જો અર્થવ્યવસ્થા ફરીથી પાટા પર આવે છે તો શેરબજારની ચાલ વધુ ઝડપી બની શકે છે. નિષ્ણાંતો કહે છે કે હવે સેન્સેક્સ 50 હજારના આંકડાને ટચ કરશે એવી વાત ચાલી રહી છે. આ આંકડા સુધી પહોંચવામાં થોડો સમય લાગી શકે છે, પરંતુ લક્ષ્ય બહુ દૂર નથી.